સંરક્ષણ મંત્રાલય
રાષ્ટ્રપતિએ વિજય દિવસના અવસરે 1971ના યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી; તેમનું સર્વોચ્ચ બલિદાન પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવનું સ્ત્રોત છે: શ્રીમતી દ્રૌપદી મુર્મુ
प्रविष्टि तिथि:
16 DEC 2024 11:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વિજય દિવસના અવસર પર 1971ના યુદ્ધના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. જે દર વર્ષે 16 ડિસેમ્બરે પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની યાદમાં મનાવવામાં આવે છે. X પર એક પોસ્ટ દ્વારા, રાષ્ટ્રપતિએ કહ્યું કે કૃતજ્ઞ રાષ્ટ્ર તે બહાદુર પુરુષોના અંતિમ બલિદાનને યાદ કરે છે જેમની વાર્તાઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહે છે.
સશસ્ત્ર દળોની અજોડ બહાદુરીને શ્રદ્ધાંજલિ આપતા ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે પણ સૈનિકોની બહાદુરી અને નિઃસ્વાર્થ બલિદાનને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે દેશ તેમની સેવા માટે હંમેશા ઋણી રહેશે.
સૈનિકોની હિંમત અને બલિદાનને માન આપતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે રાષ્ટ્રનું રક્ષણ કર્યું અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું. તેમણે આ દિવસને તેમની અસાધારણ બહાદુરી અને અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ તરીકે વર્ણવ્યો.
સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સલામ કરતાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કહ્યું કે સૈનિકોની હિંમત અને દેશભક્તિ દેશ સુરક્ષિત રહે તેની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે ભારત તેમના બલિદાન અને સેવાને ક્યારેય ભૂલી શકશે નહીં.
આ દિવસને ચિહ્નિત કરવા માટે, સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ચીફ ઓફ એર સ્ટાફ, એર ચીફ માર્શલ એપી સિંહ, સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને નૌકાદળના વાઇસ ચીફ, વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.
AP/IJ/GP
(रिलीज़ आईडी: 2084737)
आगंतुक पटल : 153