યુવા બાબતો અને રમત મંત્રાલય
દેશના યુવાઓની ક્ષમતાનો ઉપયોગ દેશની શક્તિને વધારે છેઃ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા
કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે વિકસિત ભારત અંગેના યુથ કનેક્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ યુવાઓને પ્રેરક સંબોધન કર્યુ
Posted On:
23 DEC 2024 4:30PM by PIB Ahmedabad
આજે કડી સર્વ વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત વિકસિત ભારત એમ્બેસેડર યુવા કનેક્ટ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સંબોધન કર્યુ હતું.


જેમાં તેમણે જણાવ્યું હતું કે યુવાઓ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરશો અને તેને પાર પાડવા માટેનો પાથવે બનાવી લેશો તો એ દેશ હોય કે વ્યક્તિ તે જરૂર સફળ બની શકે છે. આપણે રાષ્ટ્રને સમૃદ્ધ અને સક્ષમ બનાવવું છે. એટલા માટે જ તમને લોકોને પણ સક્ષમ અને સફળ બનાવવા છે. કેમકે આપના જેવા યુવાઓની સફળતા દેશની સફળતા બનતી હોય છે. આપ સૌની ક્ષમતાનો ઉપયોગ એ દેશની શક્તિને વધારે છે. તેથી દેશના દરેક યુવા માટે પોતાના વ્યક્તિગત જીવન માટેનું એક સ્વપ્ન હોવું જોઈએ અને પોતાના રાષ્ટ્ર માટેનું પણ સપનું હોવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2022ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કરતી વેળાએ કહ્યું હતું કે આપણે દેશને વિકસિત ભારત બનાવવો છે. 2022નું વર્ષ દેશની આઝાદીનું 75મુ વર્ષ છે અને ત્યારથી 25 વર્ષ એટલે કે 2047ના સમયને તેમણે અમૃત કાળ ગણાવ્યો છે. આજના યુવાઓ આ અમૃતકાળના વિકાસ એમ્બેસેડર બની શકે છે.

શ્રી માંડવિયાએ કહ્યું હતું કે 1985ના સમયમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીએ દેશને 21મી સદીમાં લઈ જવાનો વિચાર કર્યો હતો. આ વિચાર સારો હતો પરંતુ એ માટેનો પાથવે તૈયાર કરવામાં તેઓ પાછળ રહી ગયા હતા. આજે આપણા માટે જરૂરી એ છે કે વિકસિત ભારતના લક્ષ્યને પાર પાડવા માટેનો પાથવે પણ તૈયાર કરીએ. આપ સૌ આ સાથે તમારા વ્યક્તિગત જીવનનું લક્ષ્ય નક્કી કરો અને એ માટેનો પણ પાથવે તૈયાર કરો. જેનો લાભ પણ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ શકશે.

શ્રી માંડવિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીજીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવો છે. તો એ માટે સૌપ્રથમ જરૂરિયાત 2000 વર્ષ સુધી પરતંત્ર રહેલા દેશના લોકોમાંથી ગુલામીની માનસિકતાને દૂર કરવાની છે. 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી તેમાં 6 લાખ યુવાઓએ પોતાના પ્રાણની આહૂતિ આપી ત્યારે આ દેશ આઝાદ થયો છે. પ્રધાનમંત્રીએ આ માટે કહ્યું હતું કે હવે આ દેશ કાયમ માટે આઝાદ રહે એ માટેની જવાબદારી આપણી છે, આજના યુવાનોની છે, એ વાત ડો. માંડવિયાએ દોહરાવી હતી.
શ્રી માંડવિયાએ કહ્યું હતું કે અગાઉ દેશમાં અંગ્રેજોએ બનાવેલા 1300 કાયદાઓ લાગુ હતા અને એ મુજબ કામ ચાલતું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણો દેશ સક્ષમ છે અને એ પોતાના કાયદાઓ પ્રમાણે કામ કરશે. ત્યાર પછી અંગ્રેજોના સમયના 1200 કાયદાઓ રદ કરવામાં આવ્યા.
શ્રી માંડવિયાએ કોવિડનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે ભારત સ્વાસ્થ્યને સેવા માને છે. આપણે ત્યાં ડોક્ટરો, નર્સો, પોલીસકર્મીઓ સહિત હજારો કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કોવિડના કપરા સમયમાં કરી હતી. ભારતે પોતે વેક્સિન વિકસાવી અને વિશ્વના અનેક દેશોને આપી. ભારત કોવિડ સામે લડ્યું અને જીત પણ મેળવી. શ્રી માંડવિયાએ કહ્યું કે આ સાથે પ્રધાનમંત્રીએ પંચ પ્રણની વાત કરી હતી. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે સૌએ, દરેક યુવાઓએ પોતાનાથી શક્ય યોગદાન આપવું જોઈએ. આજના યુવા નેશન ફર્સ્ટની ભાવનાથી વિચારે, આગળ વધે એ આવશ્યક હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
AP/IJ/GP/JD
(Release ID: 2087290)