ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

"નમો સખી સંગમ મેળા"માં બીજા દિવસે મોટીવેશનલ સ્પીકર દ્વારા સ્ત્રી શક્તિ, મુક્તિ અને પ્રગતિ વિષયક ઉદ્દબોધન


"નમો સખી સંગમ મેળા" ને પ્રથમ દિવસે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો, મહત્તમ લાભ લેવા અનુરોધ કરતાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

Posted On: 10 MAR 2025 7:08PM by PIB Ahmedabad

ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. 09થી 12 માર્ચ દરમિયાન આયોજિત "નમો સખી સંગમ મેળા" માં  બીજા દિવસે મોટીવેશનલ સ્પીકર જય વસાવડા અને નેહલબેન ગઢવી સહિતના મોટીવેશન સ્પીકર્સનાં સેમિનાર યોજાયા હતા.

નમો સખી સંગમ મેળાના બીજા દિવસે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, "નમો સખી સંગમ મેળા"ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેમાં પ્રથમ દિવસે સાંજે- 6 થી 10 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  આશરે 10,500 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ ભાવનગરના લોકોએ ભેળસેળ વગરની શુદ્ધ સ્વદેશી વસ્તુઓની ખરીદી પણ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બહેનો લખપતિ દીદી અને ડ્રોન દીદી બની પગભર થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે.  મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ પ્રગતિ કરી છે તેમ જણાવી તેમણે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો મહત્તમ‌ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.

બીજા દિવસે સવારના સેશનમાં મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા સ્ત્રી શક્તિ, મુક્તિ અને પ્રગતિ વિષયક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. જ્યારે ઈરમા, આણંદના પ્રોફેસર ડો. રાજેશ જૈન દ્વારા ગ્રામીણ ઉદ્યમિતા વિષયક વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

બપોરના સેશનમાં મોટીવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી દ્વારા સ્ત્રી સશકિતકરણ સેમિનાર યોજાયો હતો. તેમજ ડો. રજનીબેન પરીખ દ્વારા મહિલા આરોગ્ય વિષય પર પોષણ અને આહાર સંભાળ, મહિલાઓમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ, માનસિક આરોગ્ય અને  તણાવ વ્યવસ્થાપન, આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચાર અંગે તેમજ ડો. પૂજાબેન સાપોવડીયા અને ડો. રાજૂભાઈ રોજીયાએ પણ મહત્વની માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે લખપતના ઉર્મિલાબા જાડેજાએ પોતાની સાફલ્ય ગાથા રજુ કરી અન્ય બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે "નમો સખી સંગમ મેળા"નો ગઈકાલે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

AP/IJ/GP/JD


(Release ID: 2109978) Visitor Counter : 62