ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
"નમો સખી સંગમ મેળા" નાં માધ્યમથી બહેનોનું આર્થિક સશકિતકરણ થયું: કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
ભારતના MSME ઉદ્યોગના વિશાળ નેટવર્કમાં 20 ટકા જેટલાં ઉદ્યોગોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે: કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
નમો સખી સંગમ મેળા"ના ત્રીજા દિવસે નારી તું નારાયણી અને મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના પર સેમિનાર યોજાયા
Posted On:
11 MAR 2025 9:12PM by PIB Ahmedabad
ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત "નમો સખી સંગમ મેળા" માં ત્રીજા દિવસે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, "નારી તું નારાયણી" અને મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના જેવા વિષયો પર સેમિનાર યોજાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, "નમો સખી સંગમ મેળા" માં અનેક વિષય પર તજજ્ઞો દ્વારા સેમિનારનું આયોજન કરી બહેનોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજ રોજ પ્રાકૃતિક કૃષિ વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. "નમો સખી સંગમ મેળા"ના માધ્યમથી બહેનોનું આર્થિક સશક્તિકરણ થયુ છે. આ માત્ર મેળો નથી, પરંતુ બહેનો માટે અનેક દિશાઓમાં પગભર થવા માટેનું સંગમ સ્થાન છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોતાના ઘરમાં કોઈ મહિલા ભરતગુંથણ કરે, પાપડ વણે તેવી મહિલાઓ માટે આ "નમો સખી સંગમ મેળો" ખૂબ જ ઉપયોગી બન્યો છે. પ્રથમ વખત જુદા જુદા વિષયો પર આધારિત આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા મોટીવેશનલ સ્પીકર દ્વારા મહિલાઓનું માર્ગદર્શન કરવાની સાથે ઉપયોગી વિષયોને આવરી લીધા હોવાની જાણકારી આપી હતી.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પ્રગતિ સાધી છે. ભારતમાં 6 કરોડથી વધુ MSMEનું વિશાળ નેટવર્ક છે. જેમાંથી 20 ટકા જેટલાં ઉદ્યોગોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. બજેટમાં MSME માટે લોન ગેરંટી કવર 10 કરોડ કરવામાં આવી છે. ઉદ્યોગ સાહસિક મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની લોન આપવાની બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 2.5 લાખ સખી મંડળો કાર્યરત છે માટે બહેનો આર્થિક રીતે પગભર થઈને લખપતિ દીદી બની રહી છે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં મહિલાઓ સક્ષમ બની છે ત્યારે આ "નમો સખી સંગમ મેળો" મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાની સાથે તેમને આર્થિક મજબૂતી પ્રદાન કરશે. મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે ત્રીજા દિવસે સવારના સેશનમાં પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદ યોજાયો હતો. જેમાં કૃષિ વિષયક તજજ્ઞ શ્રી કનુભાઈ ભટ્ટ અને શ્રી અજીતસિંહ ગોહિલ દ્વારા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અને તેના ફાયદા, જીવામૃત, ઘન જીવામૃત અને દશ પરણી અર્કની તૈયારી, પ્રાકૃતિક કૃષિ માટે ગૌ આધારિત ખેતી, બજાર જોડાણ અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનાં મૂલ્યવર્ધન વિશે માહિતગાર કર્યા હતા.

જ્યારે બપોર પછીના સેશનમાં મોટીવેશનલ સ્પીકર સ્પીકર શ્રી તુષાર શુક્લાએ "નારી તું નારાયણી" વિષય પર પ્રેરક ઉદબોધન કર્યું હતું તેમજ ઈ.ડી.આઈ.ના સિનિયર પ્રોગ્રામ મેનેજર શ્રી નિતીનભાઇ પટેલે મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના વિષયો પર નાણા અને રોકાણ વ્યવસ્થાપન, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વ્યૂહરચના, ટેક્નોલોજી, નવીનતા અને માર્કેટિંગ અંગેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોકભાઈ પટેલ, આત્માના ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
AP/IJ/GP/JD
(Release ID: 2110537)