ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ખેલકૂદના માધ્યમથી એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરી શકાય : ડીજીપી વિકાસ સહાય


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા ગાંધીનગર ખાતે આજથી પોલીસ જવાનો માટેના રમતોત્સવ ઓલ ઈન્ડિયા પોલીસ એક્વેટીક્સ એન્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પીયનશીપનો પ્રારંભ થયો

ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ટોચના પોલીસ એથ્લેટ્સ આવી પહોંચ્યા

Posted On: 24 MAR 2025 7:22PM by PIB Ahmedabad

72 મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપનો પ્રારંભ આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર ખાતે ગુજરાત પોલીસના મહાનિદેશક શ્રી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો હતો.

ઉદ્ઘાટન પ્રસંગે ડીજીપી શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્ય કે કેન્દ્રીય પોલીસ દળની જવાબદારી આંતરિક સુરક્ષાની છે. જેના માટે સૌથી મહત્વપૂર્ણ વિષય એકતા અને સંકલનની ભાવના છે. ખેલકૂદના માધ્યમથી એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરી શકાય છે. તેમજ આ એકતા અને સંકલનની ભાવનાથી મળીને આંતરિક સુરક્ષાનું કામ કરીએ ત્યારે પરિણામ અલગ જ મળે છે. આ ચેમ્પિયનશિપનો હેતુ પોલીસ કર્મચારીઓમાં ફિઝિકલ ફિટનેસ, ટીમવર્ક અને મિત્રતાને પ્રોત્સાહન આપવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

શ્રી સહાયે ગુજરાતમાં આવેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓને રાજ્યના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની અપીલ કરી હતી.

આ ચેમ્પિયનશિપમાં કુલ 27 ટીમોમાં 704થી વધુ પોલીસ કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે.  જેમાં આસામ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ,કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ,તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યો અને આંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશે ભાગ લીધો છે. રાજ્ય પોલીસની 18 ટીમો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 09 ટીમો ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. ચેમ્પિયનશિપમાં એક્વેટિકમાં 20 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વિમિંગ, ડાઇવિંગ અને વોટર પોલોનો સમાવેશ થાય છે. જ્યારે ક્રોસ-કન્ટ્રી ઇવેન્ટ 10 કિ.મીના પડકારજનક કોર્સમાં યોજાશે.

ચેમ્પિયનશિપનઉદઘાટન પ્રસંગે આઈબીના એડિશનલ ડાયરેક્ટર શ્રી રાજીવ આહિર, એડીજી ઓપ્સ, શ્રી વિતુલકુમાર  અને શ્રી રવિદીપસિંહ સાહી,એડીજી, દક્ષિણ ઝોન, સીઆરપીએફ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેનારી ટીમો દ્વારા માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ચેમ્પિયનશિપની વિવિધ સ્પર્ધાઓ જેવી કે, એક્વેટિક્સ ઇવેન્ટ્સ તા. 24 માર્ચ 2025થી 28 માર્ચ 2025 સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગર અને એસવીપી સ્ટેડિયમ સ્વિમિંગ પૂલ અમદાવાદ ખાતે યોજાશે જ્યારે ક્રોસ-કન્ટ્રી ઇવેન્ટ તા. 26 માર્ચ 2025ના રોજ ગ્રુપ સેન્ટર સીઆરપીએફ, ગાંધીનગર ખાતે યોજાશે. તેમજ ફાઈનલ અને સમાપન સમારંભ તા. 28 માર્ચ 2025ના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ગાંધીનગર ખાતે યોજાશે.

AP/IJ/GP/JD


(Release ID: 2114552) Visitor Counter : 87