પ્રવાસન મંત્રાલય
ભારત સરકારના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના યુ.ટી.ની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
30 MAR 2025 10:06PM by PIB Ahmedabad
ભારત સરકારના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની બે દિવસીય મુલાકાત લીધી હતી. સિલવાસા પહોંચતાં વહીવટકર્તા શ્રી પ્રફુલ પટેલજીએ તેમનું સન્માન અને આતિથ્ય સત્કારના પ્રતીક રૂપે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

તેમની મુલાકાતના પ્રથમ દિવસે મંત્રીશ્રીએ વહીવટકર્તાશ્રી પ્રફુલ પટેલ સાથે પ્રદેશની મુખ્ય માળખાગત સુવિધાઓ અને વિકાસલક્ષી સ્થળોની મુલાકાત લીધી હતી. દિવસના પૂર્વાર્ધમાં મંત્રીશ્રીએ નમો મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં મંત્રીશ્રીએ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે વિદ્યાર્થીઓ સાથે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી, તબીબી ક્ષેત્રમાં તેમના અનુભવો અને આકાંક્ષાઓ વિશે જાણકારી મેળવી હતી. ત્યારબાદ પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજીએ નમો હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જેનું ઉદઘાટન તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું. આ અત્યાધુનિક, સંપૂર્ણ કેન્દ્રીયકૃત એસી હોસ્પિટલ રોજની 6000 ઓપીડીનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવે છે. મંત્રીએ હોસ્પિટલની અદ્યતન તબીબી સુવિધાઓની સમીક્ષા કરી અને તેને આ ક્ષેત્રની આરોગ્યસંભાળ સેવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ તરીકે માન્યતા આપી. તેમણે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર (ઝંડા ચોક સ્કૂલ) અને અથાલ ફૂટ ઓવર બ્રિજ હેઠળ અત્યાધુનિક રમતગમત સુવિધાઓની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાતો વિસ્તારમાં હેલ્થકેર, શિક્ષણ અને રમતગમતની માળખાગત સુવિધાઓને વધારવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.

દિવસના ઉત્તરાર્ધમાં મંત્રી દમણ જિલ્લા તરફ પ્રયાણ કર્યું હતું, જ્યાં તેમણે વિવિધ આઇકોનિક સાઇટ્સ અને આગામી પ્રોજેક્ટ્સની શોધ કરી હતી. તેમની આ મુલાકાતમાં સચિવાલય ભવન, ઐતિહાસિક મોતી દમણ કિલ્લો અને જામપોર ખાતે નવા વિકસિત દમણ એવિઅરીનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે દુર્લભ પક્ષીઓ અને પર્યાવરણ સંરક્ષણ વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. તેમણે કન્વેન્શન સેન્ટર માટે સૂચિત સ્થળની પણ સમીક્ષા કરી. આ સેન્ટર દમણને બિઝનેસ અને ઇવેન્ટ ટુરિઝમનું હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આદરણીય મંત્રીશ્રીએ જમ્પ્રીમ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને દેવકા ગાર્ડન ખાતે ટોય ટ્રેનની સવારી અને એડવેન્ચર પાર્કના પ્રદર્શનનો આનંદ માણ્યો હતો.
મંત્રીએ જીવંત પોર્ટુગીઝ-થીમ આધારિત નાઇટ માર્કેટની શોભા પણ લીધી હતી અને બહુપ્રતિક્ષિત ગો-કાર્ટિંગ ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં ઉત્સાહી યુવાનો અને રમતપ્રેમીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પહેલોમાં તેમની હાજરી અને સક્રિય જોડાણથી આ ક્ષેત્રના વિકસતા પ્રવાસન અને સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. આ મુલાકાતનો ઉદ્દેશ કેન્દ્રશાસિત પ્રદેશ ડીએનએચ અને ડીડીને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો અને સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતજીએ જણાવ્યું હતું કે, "દમણમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ રહેલી છે. અમારી સરકાર તેને દેશના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રવાસન સુવિધાઓનું આધુનિકીકરણ કરીને અમે વધુને વધુ પ્રવાસીઓને આકર્ષીશું, જે સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને વેગ આપશે."
શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની આ મુલાકાત કેન્દ્રશાસિત પ્રદેશમાં ઇકો-ટૂરિઝમ ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે. પ્રવાસન માળખાના વિકાસમાં તેમનો ઊંડો રસ ભારતમાં સ્થાયી અને વારસાગત પ્રવાસનને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝન સાથે સુસંગત છે. આ મુલાકાતથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવને એક મુખ્ય પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવાનાં ઉદ્દેશ સાથે રોકાણ અને પહેલોને પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા છે.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2116932)
आगंतुक पटल : 54