કૃષિ મંત્રાલય
બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોની 15મી બેઠકમાં ભારતે સંતુલિત કૃષિ પ્રત્યેની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
ભારત માટે કૃષિ એ માત્ર એક આર્થિક પ્રવૃત્તિ જ નથી, પરંતુ લાખો પરિવારો માટે આજીવિકા, ખોરાક અને ગૌરવનું સાધન છે : કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ
વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ વિકાસનાં ધ્યેયો જ્યાં સુધી નાના ખેડૂતોનું રક્ષણ અને સશક્તિકરણ ન થાય ત્યાં સુધી અધૂરાં રહેશે : શ્રી ચૌહાણ
આપણે આબોહવામાં પરિવર્તન, ભાવની અસ્થિરતા અને અછતના સંસાધનોના પડકારો સામે લડવા માટે નાના ધારકોને છોડી ન શકીએ; તેમને આપણા નીતિવિષયક ટેકાની જરૂર છે: કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
ભારત માટે મહિલાનું સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સશક્તિકરણ એક મિશન છેઃ શ્રી ચૌહાણ
બ્રિક્સના કૃષિ મંત્રીઓએ જમીનની અધોગતિ, રણ અને જમીનની ફળદ્રુપતા નુકસાનને પહોંચી વળવા માટે "બ્રિક્સ લેન્ડ રિસ્ટોરેશન પાર્ટનરશિપ"નો શુભારંભ કરાવ્યો
શ્રી ચૌહાણે બ્રિક્સ દેશોને વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 અને વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ મનોરંજન સમિટ 2025માં સહભાગી થવા આમંત્રણ આપ્યું
Posted On:
18 APR 2025 7:43PM by PIB Ahmedabad
બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોનાં કૃષિ મંત્રીઓની 15મી બેઠકમાં ભારતે સર્વસમાવેશક, સમાન અને સ્થાયી કૃષિ માટે પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે લઘુ અને સીમાંત ખેડૂતોના કલ્યાણને વૈશ્વિક કૃષિ વ્યૂહરચનાઓના કેન્દ્રમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે, ભારત માટે કૃષિ એ માત્ર એક આર્થિક પ્રવૃત્તિ નથી, પરંતુ લાખો પરિવારો માટે આજીવિકા, ખોરાક અને ગૌરવનો સ્ત્રોત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી નાના ખેડૂતોને સુરક્ષિત અને સશક્ત બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ વિકાસનાં લક્ષ્યાંકો અધૂરાં રહેશે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિશ્વના 510 મિલિયન નાના ધારક ખેડૂતો વૈશ્વિક ખાદ્ય પ્રણાલીની કરોડરજ્જુ છે અને આબોહવામાં ફેરફાર, કિંમતમાં અસ્થિરતા અને સંસાધનોની અછતની સ્થિતિમાં પણ સૌથી વધુ સંવેદનશીલ છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, આપણે આ પડકારોનો સામનો કરવા માટે નાના ધારકોને એકલા ન છોડી શકીએ; તેમને આપણા નીતિવિષયક ટેકાની જરૂર છે. તેમણે ક્લસ્ટર-આધારિત ખેતી, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ), સહકારી મોડલ્સ અને કુદરતી ખેતીને નાના ખેડૂતોના સામૂહિક સશક્તિકરણ અને તેમની બજાર સુલભતામાં સુધારો કરવા માટે અસરકારક અભિગમ તરીકે પ્રસ્તુત કર્યા હતા.

બેઠકમાં કૃષિ વેપારને વાજબી બનાવવા, વૈશ્વિક ભાવની અસ્થિરતાને નિયંત્રિત કરવા અને નાના ખેડૂતો માટે લાભદાયક કિંમતો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે સરકારી ખાદ્યાન્ન સ્ટોકહોલ્ડિંગ વ્યવસ્થા, લઘુતમ ટેકાની કિંમતો (એમએસપી) અને મૂલ્ય શ્રુંખલાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જે નાના ધારકોને ગ્રાહકો સાથે સીધી રીતે જોડે છે. શ્રી ચૌહાણે કોવિડ-19 કટોકટી દરમિયાન ભારતની ખાદ્ય સંગ્રહ અને વિતરણ ક્ષમતાને એક એવા કિસ્સા તરીકે ટાંક્યા હતા, જેના દ્વારા 800 મિલિયનથી વધુ લોકોને નિઃશુલ્ક રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી શિવરાજસિંહ ચૌહાણે ડિજિટલ કૃષિ મિશન, એગ્રિસ્ટેક, ડ્રોન ટેકનોલોજી અને આબોહવાને અનુકૂળ ગામડાંઓ જેવી ટેકનોલોજીકલ પહેલો વિશે વાત કરી હતી તથા સમજાવ્યું હતું કે, આ નવીનતાઓએ કેવી રીતે સેવા પ્રદાન કરવા, પારદર્શકતા અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ લખપતિ દીદી અને ડ્રોન દીદી જેવી પહેલોનો ઉલ્લેખ ગ્રામીણ મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે ભારતની પ્રતિબદ્ધતાના ઉદાહરણ તરીકે કર્યો હતો અને કહ્યું હતું કે, "ભારત માટે, મહિલાઓને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સશક્ત બનાવવી એ એક મિશન છે."
બેઠક દરમિયાન તેમણે આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા માટે તેનાં મુખ્ય કાર્યક્રમો – નેશનલ મિશન ફોર સસ્ટેઇનેબલ એગ્રિકલ્ચર (એનએમએસએ), નેશનલ ઇનોવેશન્સ ઓન ક્લાઇમેટ રિસાયલન્ટ એગ્રિકલ્ચર (એનઆઇસીઆરએ), વેસ્ટ ટૂ વેલ્થ, સર્ક્યુલર ઇકોનોમી, બાયો-ફર્ટિલાઇઝર્સ અને પરંપરાગત કૃષિ પદ્ધતિઓ – શેર કરીને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા ઊંડા જોડાણ માટે અપીલ કરી હતી. આ સંદર્ભમાં, બ્રિક્સના કૃષિ મંત્રીઓએ જમીનના અધઃપતન, રણપ્રદેશ અને જમીનની ફળદ્રુપતાને થતા નુકસાનને પહોંચી વળવા માટે "બ્રિક્સ લેન્ડ રિસ્ટોરેશન પાર્ટનરશિપ"નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પહેલને ટેકો આપ્યો હતો અને જણાવ્યું હતું કે, તેનાથી પરંપરાગત જ્ઞાન અને વૈજ્ઞાનિક નવીનતાનાં સમન્વય મારફતે નાના ખેડૂતો, આદિવાસી સમુદાયો અને સ્થાનિક ખેડૂતોને લાભ થશે.
આ સંયુક્ત ઘોષણાપત્રમાં બ્રિક્સ દેશોએ સંયુક્તપણે વૈશ્વિક કૃષિ-ખાદ્ય પ્રણાલીને વાજબી, સર્વસમાવેશક, નવીનતાપૂર્ણ અને સ્થાયી બનાવવા માટે તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, આબોહવા અનુકૂલન, મહિલાઓ અને યુવાનોનું સશક્તિકરણ, મત્સ્યપાલન અને પશુધન વિકાસ, જમીન અને જમીનની પુનઃસ્થાપના, ડિજિટલ કૃષિ પ્રમાણપત્ર અને વૈશ્વિક દક્ષિણના કૃષિ અર્થતંત્રો માટે નાણાકીય અને વેપારી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બ્રિક્સ લેન્ડ રિસ્ટોરેશન પાર્ટનરશીપની ઔપચારિક જાહેરાતથી જમીનની અધોગતિ અને રણને અટકાવવા માટે જૂથની સામૂહિક પ્રતિબદ્ધતાને વધુ મજબુત બનાવવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 અને વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025માં ભાગ લેવા બ્રિક્સ દેશોને આમંત્રણ આપ્યું હતું, જેમાં આ પ્લેટફોર્મ્સને નવીનતા, ભાગીદારી અને વૈશ્વિક જોડાણના માર્ગ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતના પ્રાચીન વૈદિક મૂલ્યો સાથે પોતાના સંબોધનના સમાપનમાં શ્રી ચૌહાણે સાર્વત્રિક આશીર્વાદ આપ્યા હતા. બધા ખુશ રહે, બધા સ્વસ્થ રહે, બધા માટે કલ્યાણ અને સુખાકારી રહે. આ વિઝન માત્ર ભારતની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર તેની નેતૃત્વની ભૂમિકાને પણ પ્રતિબિંબિત કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2122785)