WAVES BANNER 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલય

વેવ્સ 2025માં ભારત પેવેલિયનનું અનાવરણ કરવામાં આવશે


ભારતની સાંસ્કૃતિક તેજસ્વીતા અને મીડિયા ઇવોલ્યુશનની સફર ખેડવી

 Posted On: 22 APR 2025 6:51PM |   Location: PIB Ahmedabad

મુંબઈમાં યોજાનાર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ – WAVES 2025 માટે વિશ્વ એકત્ર થઈ રહ્યું છે ત્યારે, ભારત ગર્વથી ભારત પેવેલિયનનું અનાવરણ કરશે, જે વાર્તા કહેવાના દેશના વિશેષ વારસા અને વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવનું જીવંત અભિવાદન  છે.

"કળાથી કોડ" થીમ દ્વારા માર્ગદર્શિત આ પેવેલિયન ભારતની વસુધૈવ કુટુમ્બકમવિશ્વ એક પરિવાર છે ની ભાવનાની ઉજવણી કરશે અને પ્રદર્શિત કરશે કે કેવી રીતે દેશની કલાત્મક પરંપરાઓ લાંબા સમયથી સર્જનાત્મકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક મુત્સદ્દીગીરીની દીવાદાંડી રહી છે.

મૂળમાં વારસો ધરાવતું અને નવીનતાથી પ્રેરિત; ભારત હવે ભવિષ્ય તરફ જુએ છે - વાર્તા કહેવા, ટેકનોલોજી અને પરિવર્તનશીલ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર.

ભારત પેવેલિયનના હાર્દમાં ચાર ઇમર્સિવ ઝોન છે, જેના દ્વારા મુલાકાતીઓ ભારતની વાર્તા કહેવાની પરંપરાના સાતત્યમાંથી પસાર થશેઃ

  • શ્રુતિ - વૈદિક મંત્રોચ્ચાર અને લોકગીતોથી માંડીને શાસ્ત્રીય સંગીત, રેડિયો અને બોલાતા શબ્દ સુધી મૌખિક પરંપરાઓને પ્રકાશિત કરે છે.
  • કૃતિ - લેખિત વારસાને પ્રકાશિત કરે છે, ગુફાની કોતરણી અને તાડ-પત્રની હસ્તપ્રતોથી પ્રિન્ટ મીડિયા, સાહિત્ય અને આધુનિક પ્રકાશનની ઉત્ક્રાંતિ સુધીની સફરને શોધી કાઢે છે.
  • દ્રષ્ટિપ્રાચીન નૃત્યસ્વરૂપો, કઠપૂતળી અને લોકકળાથી માંડીને ભારતના સમૃદ્ધ સિનેમા, ટેલિવિઝન, ડિજિટલ અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ ઇકોસિસ્ટમ્સ સુધી દ્રશ્ય અભિવ્યક્તિની શોધ કરે છે.
  • ક્રિએટર્સ લીપ -  અત્યાધુનિક તકનીક સાથે વાર્તા કહેવાના ભવિષ્યનું પ્રદર્શન

આ પ્રાયોગિક ક્ષેત્રો દ્વારા મુલાકાતીઓને એ જોવા માટે આમંત્રિત કરવામાં આવે છે કે કેવી રીતે ભારતની કાલાતીત કથાઓ શક્તિશાળી આધુનિક મીડિયા ફોર્મેટમાં વિકસિત થઈ છે. ઓમના પડઘાથી માંડીને  તબલાના તાલ સુધી, ભીમબેટકાના કોતરાયેલાં પ્રતીકોથી માંડીને તે આજના ડિજિટલ પડદા સુધી, નટરાજના નૃત્યથી માંડીને  સિનેમેટિક બ્લોકબસ્ટર સુધી - ભારત કઈ રીતે વૈશ્વિક વાર્તાઓને આકાર આપે છે. તેનો જીવંત સંગ્રહ આ પેવેલિયન બની રહેશે.

પરંતુ આ એક સાંસ્કૃતિક પ્રદર્શન કરતાં વિશેષ છે તે ભારતની સર્જનાત્મક શક્તિ અને ભાવિ દષ્ટિની ઘોષણા છે. ઘણા ઓટીટી પ્લેટફોર્મ, ટેક-સેવી મોબાઇલ-ફર્સ્ટ ઓડિયન્સ, વર્લ્ડ ક્લાસ વીએફએક્સ, ગેમિંગ અને એનિમેશન સ્ટુડિયો તેમજ સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા મીડિયા અને મનોરંજન બજારોમાંનું એક છે.

ભારત પેવેલિયન મીડિયા અને મનોરંજન ઇકોસિસ્ટમના સર્જકો, સહયોગીઓ અને પરિવર્તન નિર્માતાઓ માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે ઊભું છે. તે ભારતની અસાધારણ પ્રતિભા, અત્યાધુનિક વાર્તા કહેવા માટેની ટેકનોલોજી અને ઝડપથી વિસ્તરતી જતી બજારની સંભવિતતા સાથે જોડાવા માટે હિતધારકો માટે મૂલ્યવાન તક પ્રસ્તુત કરશે. સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનથી વિશેષ, ભારત પેવેલિયન ક્રોસ-કલ્ચરલ ભાગીદારી અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે સરકારના મજબૂત સમર્થનનું પ્રતિબિંબ બનશે - જે પોતાને સર્જનાત્મક નવીનતા અને સહયોગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

વેવ્સ 2025માં ભારત પેવેલિયન એ છે જ્યાં પ્રાચીન પ્રેરણા અત્યાધુનિક નવીનતાને મળશે. તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, અજોડ રચનાત્મક પ્રતિભા અને વિશ્વ-કક્ષાની ટેકનોલોજીકલ ક્ષમતાઓ સાથે ભારત મીડિયા અને મનોરંજનમાં એક વૈશ્વિક નેતા તરીકે ઊભરી આવવા માટે સજ્જ છે - જે દુનિયાને મોહિત કરવા અને પ્રેરણા આપવા તૈયાર છે.

 

 


Release ID: (Release ID: 2123627)   |   Visitor Counter: 54