સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
વડાલી મદારી વસાહત ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે "ચૌપાલ સભા"નું આયોજન
આ જનસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ માટે અમલી SEED યોજના અંતર્ગત આજિવિકાના સ્ત્રોતો વિકસાવી આપના જીવનમાં સુખાકારી લાવવાનો છે: કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમાર
કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાભળી નિરાકરણની ખાતરી આપી હતી આ ઉપરાંત થયેલા કામો ની સમીક્ષા પણ કરી હતી
Posted On:
09 MAY 2025 3:55PM by PIB Ahmedabad
સાબરકાંઠા જિલ્લામાં વડાલીના મદારી વસાહત ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા ભારત સરકાર કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે "ચૌપાલ સભા" યોજાઈ હતી.

કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે મદારી વસાહત ખાતે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધ્યો હતો. સંવાદ દરમિયાન લોકોની વચ્ચે ઉપસ્થિત રહી તેમના પ્રશ્નોને શાંતિ પૂર્વક સાંભળી પ્રશ્નોના નિરાકરણ અર્થે ખાતરી આપી હતી.

આ સભામાં કેન્દ્રીય મંત્રીશ્રી વિરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્રારા SEED (Scheme for Economic Empowerment of DNTs) યોજના અમલી છે. SEED યોજનાના ચાર મુખ્ય ઘટકો છે. જેમાં શિક્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સુવિધા, આરોગ્યમાં પરિવાર માટે આરોગ્ય વીમો,આજીવિકા માટે રોજગારી અને આવકના સાધનોમાં સહાય તેમજ આવાસમાં ઘર બનાવવાના ખર્ચ માટે આર્થિક સહાયનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના સર્વાંગી વિકાસ માટે સામાજિક આર્થિક અને શૈક્ષણિક યોજનાઓ અમલી છે. આ સમુદાયોએ વર્ષોથી રોજગારીની અછત અને મૌલિક સુવિધાઓના અભાવમાં કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો છે. SEED યોજના દ્વારા આજિવિકાના વિવિધ હસ્તક્ષેપથી તેમને નવો આશરો અને આવકના સ્ત્રોતો વિકસાવવાની તક મળી રહી છે. આ ઉપરાંત તેઓએ સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાનો જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, જન ધન યોજના, નલ સે જલ જેવી યોજનાઓ નો લાભ અત્યારે આપ મેળવી રહ્યા છો એનો શ્રેય માનનીય પ્રધાનમંત્રીશ્રીની સંવેદનશીલતાને આપ્યો હતો.
આ કાર્યક્રમમાં DWBDNC ના સદસ્યશ્રી ભરતભાઈ પટણી,DWBDNC ના સીઈઓશ્રી અપ્પારાવ તેમજ ગુજરાત રાજ્યના વિકસતી જાતિ કલ્યાણ નિયામકશ્રી વી એમ પ્રજાપતિએ પ્રાસંગિકસંબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી આપી હતી.

આ સભામાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.
આ ચોપાલ સભામાં સાંસદશ્રી શોભનાબેન બારૈયા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, ગુજરાત રાજ્ય વિચરતી અને વિમુકત જાતી નિગમ એમડીશ્રી જગદીશ વઢવાણા,પ્રાંત અધિકારી, જિલ્લા નાયબ નિયામક વિકસતીજાતી કલ્યાણ શ્રી એન કે ગામેતી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રયત્ન સંસ્થાના ડાઇરેક્ટર શ્રી કુલદીપ સગર સહિત અમલીકરણ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
AP/IJ/JC/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2127911)