ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ભાવનગર બન્યું તિરંગામય : કેન્દ્રિય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં તિરંગાયાત્રા યોજાઇ
મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી તિરંગાયાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું
વિવિધ સંસ્થાઓ, એનજીઓ તેમજ ભાવેણાવાસીઓ તિરંગાયાત્રામાં જોડાયા
Posted On:
14 MAY 2025 8:41PM by PIB Ahmedabad
ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતીમાં મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ હતી. મોતીબાગ ટાઉન હોલ ખાતેથી મંત્રીશ્રીએ ભાવસિંહજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને તિરંગયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

સરહદે યુદ્ધની પરિસ્થિતિમાં આતંકીઓને હંફાવનાર વીર જવાનોના શૌર્યને સન્માનવા યોજાયેલી આ તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો હતો. મોતીબાગ ટાઉન હોલ, રૂપમ ચોક, ખારગેટ, મામાકોઠા રોડ, હલુરિયા ચોક, શહીદ સ્મારક સુધીના રૂટ પર લોકોએ પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું.

તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો, વિવિધ સંસ્થાના આગેવાનો, એન.સી.સી., સી.આર.પી.એફ. અને પોલીસના જવાનો તેમજ આર્મી, નેવી, એરફોર્સના જવાનો, પૂર્વ સૈનિકો સહિતના ભાવેણાવાસીઓ જોડાયા હતા.

શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં “સિંદૂર ટેન્ક” આકર્ષનું કેન્દ્ર બની હતી.

આ તિરંગા યાત્રામાં મેયર શ્રી ભરતભાઇ બારડ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. કે. મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા, આગેવાન શ્રી કુમારભાઈ શાહ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ, એનજીઓના અગ્રણીઓ જોડાયા હતા.
AP/IJ/GP/JD
(Release ID: 2128745)