જળશક્તિ મંત્રાલય
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગે રંગાયું સુરત: 'ભારત માતા કી જય'ના નારાથી ગુંજી ઉઠ્યો રાજમાર્ગ
ભારતીય સેનાના સન્માનમાં સુરતમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે 'તિરંગા યાત્રા'ને ફ્લેગ ઓફ કરાવ્યું
ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્ય સાથે પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો ખાત્મો કર્યો: શ્રી પાટિલ
આતંકવાદીઓને પાળીપોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો
પુરૂષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેંથામાં સિંદૂર પૂરી તિરંગા યાત્રામાં જોડાયા
Posted On:
14 MAY 2025 9:01PM by PIB Ahmedabad
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સુરતના ભાગળથી ચોકબજાર કિલ્લા સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્ય સાથે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરી પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર મિસાઈલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. 'ઓપરેશન સિંદૂર' ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ભારતીય સેનાએ પહલગામમાં આંતકવાદી હુમલાનો બદલો લીધો છે. વિશ્વ આખું ભારતના સૈન્ય અને એર ફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થઈ ગયા છે.

શ્રી પાટીલે કહ્યું કે, બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાનશ્રીએ દેશને આપેલુ વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે, આતંકવાદીઓને પાળીપોષી રહેલા પાકિસ્તાન પર પ્રહાર કરીને ભારતીય સેનાએ પોતાની અમાપ શક્તિ અને સામર્થ્યનો દુનિયાને પરિચય કરાવ્યો છે.
ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરી છે ત્યારે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ઉપરાંત, પાકિસ્તાન સાથે થયેલા તમામ યુદ્ધોમાં કારમી પછડાટ આપી છે. હવે પાકિસ્તાન ભારત પર આંખ ઉઠાવતા પહેલા સો વાર વિચારશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં તિરંગા યાત્રામાં પુરૂષો સિંદૂર તિલક કરી અને મહિલાઓ લાલ સાડી સાથે સેંથામાં સિંદૂર પૂરી જોડાયા હતા. મોટી સંખ્યામાં દિવ્યાંગજનો, પૂર્વ સૈનિકો, તબીબી અને નર્સિંગ સ્ટાફ, મુસ્લિમ બંધુઓએ યાત્રામાં જોડાઈને 'ભારત માતા કી જય અને વંદે માતરમ્'ના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું. યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી.
તિરંગા યાત્રામાં સાંસદ પ્રભુભાઈ વસાવા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, પદાધિકારીઓ, ઉદ્યોગપતિઓ, પૂર્વસૈનિકો, વિવિધ એનજીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, શિક્ષકો, તબીબો, વ્યાપારીઓ, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
AP/IJ/GP/JD
(Release ID: 2128758)