કેન્દ્રીય જાહેર સેવા આયોગ
ડૉ. અજય કુમારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Posted On:
15 MAY 2025 1:11PM by PIB Ahmedabad
ડૉ. અજય કુમારે આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા ( નિવૃત્ત ) દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક. કર્યા પછી, ડૉ . અજય કુમારે યુએસએની મિનેસોટા યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ ઇકોનોમિક્સમાં એમએસ અને યુએસએની મિનેસોટા યુનિવર્સિટીની કાર્લસન સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કર્યું છે. તેમને 2019માં એમિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી પણ એનાયત કરવામાં આવી હતી .

ડૉ. અજય કુમાર 1985ના કેરળ કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) બેચના છે. પાંત્રીસ વર્ષથી વધુની તેમની શાનદાર કારકિર્દી દરમિયાન, તેમણે કેરળ રાજ્ય સરકાર તેમજ કેન્દ્રમાં મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી છે. રાજ્યમાં તેમના કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી વિભાગના મેનેજિંગ ડિરેક્ટર; માહિતી ટેકનોલોજી વિભાગના મુખ્ય સચિવનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ડિરેક્ટર; સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ; રાષ્ટ્રીય માહિતીશાસ્ત્ર કેન્દ્રના ડિરેક્ટર જનરલ; ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના અધિક સચિવ; સંરક્ષણ ઉત્પાદન સચિવ જેવા મહત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા. તેમના છેલ્લા કાર્યકાળમાં, તેમણે સંરક્ષણ મંત્રાલયના સચિવ તરીકે સેવા આપી હતી .

તેમણે " જીવન પ્રમાણ " (પેન્શનરો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્રો); myGov, પ્રગતિ (પ્રધાનમંત્રીની વિડીયો કોન્ફરન્સ); બાયો-મેટ્રિક હાજરી સિસ્ટમ; AIIMSમાં OPD નોંધણી સિસ્ટમ; ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સનો ઉપયોગ કરવા માટે સરકાર માટે "ક્લાઉડ ફર્સ્ટ" નીતિ વગેરે જેવી અનેક ઈ-ગવર્નન્સ પહેલો રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ડૉ. અજય કુમારના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં અનેક પ્રકાશનો છે. ઉપરાંત, તેમને 1994માં નેશનલ સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ દ્વારા "સિલ્વર એલિફન્ટ" મેડલ; દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 2012 માટે "ઇલેક્ટ્રોનિક્સ લીડર ઓફ ધ યર"; 2015માં ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન દ્વારા " ટેક્નોવેશન સારાભાઈ એવોર્ડ"; 2017માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા "ચેમ્પિયન ઓફ ચેન્જ" જેવા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

AP/IJ/GP/JD
(Release ID: 2128832)