સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામે ભારતની નીતિને પુનઃ વ્યાખ્યાયિત કરી છે, ભારતીય ભૂમિ પર કોઈપણ હુમલો યુદ્ધ તરીકે ગણવામાં આવશે: શ્રીનગરમાં સંરક્ષણ મંત્રી


પાકિસ્તાનના બેજવાબદાર પરમાણુ ધમકીઓ આતંકવાદને નાબૂદ કરવાના ભારતના સંકલ્પને રોકી શકશે નહીં, શ્રી રાજનાથ સિંહે કહ્યું; પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની IAEA દેખરેખ રાખવાની હાકલ

"ભારત શાંતિને પ્રાથમિકતા આપે છે, પરંતુ તેની સાર્વભૌમત્વ પરના કોઈપણ હુમલાનો જવાબ આપવામાં આવશે"

"જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખશે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે, તેણે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરવું પડશે"

"આતંકવાદ અને વાટાઘાટો એકસાથે ચાલી શકે નહીં, પાકિસ્તાન સાથે ફક્ત આતંકવાદ અને PoK પર જ વાતચીત થશે"

Posted On: 15 MAY 2025 3:32PM by PIB Ahmedabad

"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરી છે. જે હવે કહે છે કે ભારતીય ભૂમિ પર કોઈપણ હુમલો યુદ્ધ તરીકે ગણવામાં આવશે," સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 15 મે, 2025ના રોજ શ્રીનગરના બદામીબાગ કેન્ટ ખાતે બહાદુર ભારતીય સૈનિકોને સંબોધતા કહ્યું હતું. સંરક્ષણ મંત્રીએ ભાર મૂક્યો હતો કે, ભારતે હંમેશા શાંતિને પ્રાથમિકતા આપી છે અને ક્યારેય યુદ્ધને સમર્થન આપ્યું નથી. જો કે, જ્યારે તેની સાર્વભૌમત્વ પર હુમલો થાય છે, ત્યારે તેનો જવાબ આપવો જરૂરી છે. જો પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું ચાલુ રાખશે, તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે, એમ તેમણે કહ્યું હતું.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0012SMP.jpg

 

શ્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને ઇતિહાસમાં આતંકવાદ સામે ભારત દ્વારા લેવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી ગણાવી હતી અને આ ધમકીને નાબૂદ કરવા માટે કોઈપણ હદ સુધી જવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનો પુરાવો આપ્યો હતો. "ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા હતી કે, તેઓ ફક્ત સંરક્ષણ જ નહીં, પરંતુ જરૂર પડે ત્યારે હિંમતવાન નિર્ણયો લેશે. દરેક સૈનિકનું સ્વપ્ન હતું કે આપણે દરેક આતંકવાદી ઠેકાણા સુધી પહોંચીને તેમનો નાશ કરીશું. આતંકવાદીઓએ ભારતીયોને તેમના ધર્મના આધારે માર્યા, અમે તેમને તેમના કાર્યો માટે માર્યા. તેમને ખતમ કરવા એ અમારો ધર્મ હતો. આપણા દળોએ તેમના ગુસ્સાને યોગ્ય દિશા આપી અને ખૂબ જ હિંમત અને વિવેકથી પહેલગામનો બદલો લીધો," તેમણે કહ્યું હતું.

સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓને એક જોરદાર અને સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો છે કે તેઓ ક્યાંય પણ સુરક્ષિત નથી. "આપણા દળોએ દુનિયાને બતાવ્યું છે કે તેમનો ઉદ્દેશ ચોક્કસ અને નિર્ણાયક છે અને ગણતરીનું કામ દુશ્મનો પર છોડી દેવામાં આવ્યું છે," તેમણે કહ્યું હતું.

શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે આતંકવાદ સામે ભારતનો અડગ સંકલ્પ એ હકીકત પરથી અંદાજી શકાય છે કે, તે પાકિસ્તાનના પરમાણુ બ્લેકમેલથી ડર્યુ નથી, તેમણે નિર્દેશ કર્યો કે દુનિયાએ જોયું છે કે ઇસ્લામાબાદે કેટલી બેજવાબદારીપૂર્વક નવી દિલ્હીને પરમાણુ ધમકીઓ આપી છે. "હું દુનિયા સમક્ષ આ પ્રશ્ન ઉઠાવું છું, શું આવા બેજવાબદાર અને બદમાશ રાષ્ટ્રના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ની દેખરેખ હેઠળ લેવા જોઈએ," તેમણે કહ્યું હતું.

શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પહેલગામ ઘટના દ્વારા ભારતની સામાજિક એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને સશસ્ત્ર દળોએ આતંકવાદી હુમલાનો જવાબ વિરોધીના હૃદય પર પ્રહાર કરીને આપ્યો હતો. તેમણે લગભગ 21 વર્ષ પહેલાં તત્કાલીન પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી સમક્ષ પાકિસ્તાનની ઘોષણા યાદ કરી હતી કે હવે તેની ભૂમિ પરથી આતંકવાદની નિકાસ કરવામાં આવશે નહીં. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન ભારતને છેતરતું રહ્યું છે અને તેણે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરવું જોઈએ અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેવો જોઈએ નહીં.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002N8FV.jpg

 

સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું કે પાકિસ્તાન એવી સ્થિતિમાં પહોંચી ગયું છે, જ્યાં તેણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી લોન માંગી છે. જ્યારે ભારત એવા દેશોની શ્રેણીમાં આવે છે જે ગરીબ દેશોને મદદ કરવા માટે IMF ને ભંડોળ પૂરું પાડે છે.

શ્રી રાજનાથ સિંહે ફરીથી ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરહદ પારથી કોઈ પણ બિનજરૂરી કાર્યવાહી થવી જોઈએ નહીં. જે બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીનો આધાર છે. તેમણે પ્રધાનમંત્રી મોદીના મંતવ્યોનો પુનરોચ્ચાર કર્યો કે આતંકવાદ અને વાટાઘાટો એકસાથે ચાલી શકે નહીં અને જો વાટાઘાટો થશે, તો તે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ થશે .

સંરક્ષણ મંત્રીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો અને ઓપરેશન સિંદૂર દરમિયાન માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ઘાયલ સૈનિકોની હિંમતની પ્રશંસા કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.

શ્રી રાજનાથ સિંહે સરહદ પાર પાકિસ્તાની ચોકીઓ અને બંકરોનો નાશ કરનારા બહાદુર સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, દુશ્મનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. "હું આજે અહીં ભારતના લોકો તરફથી એક સંદેશ લઈને આવ્યો છું: 'અમને આપણા દળો પર ગર્વ છે' ," તેમણે ઉમેર્યું હતું.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00349X8.jpg

 

જ્યારે સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોના બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી, તેમણે સૈનિકોને અદ્યતન શસ્ત્રો અને પ્લેટફોર્મ અને આધુનિક માળખાગત સુવિધાઓથી સજ્જ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. "અમારી સરકારે ખાતરી કરી છે કે અમારા દળો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. આધુનિક રાઇફલ્સ, મિસાઇલ ડિફેન્સ કવચ અને ડ્રોન જેવા ઘણા નવી પેઢીના સાધનો ભારતમાં જ ઝડપથી બનાવવામાં આવી રહ્યા છે. LoC અને LAC પર કનેક્ટિવિટી પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવી છે. આપણા સૈનિકો જે નિષ્ઠા અને તૈયારી સાથે દેશની સેવા કરે છે, સરકાર તમારી સેવા કરવાનો પ્રયાસ કરી રહી છે," તેમણે કહ્યું હતું.

શ્રી રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે સરકાર અને દેશના લોકો દરેક પગલે, દરેક પરિસ્થિતિમાં સશસ્ત્ર દળો સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સૈન્યના સહયોગથી, ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રમાંથી આતંકવાદને નાબૂદ કરશે, જેથી કોઈ પણ રાષ્ટ્રની સાર્વભૌમત્વ પર ખરાબ નજર નાખવાની હિંમત ન કરે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ભારતીય સેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004SQBC.jpg

AP/IJ/GP/JD


(Release ID: 2128857)