સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદમાં 1000થી વધુ કેવીઆઈસી લાભાર્થીઓને મશીનો અને સાધનોનું વિતરણ કર્યું અને પીએમઈજીપી ના 3000 નવા યુનિટ લોન્ચ કર્યા


આ પ્રસંગે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1593 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો

કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના રાજ્ય મંત્રી શ્રી જગદીશ પંચાલ, કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને કેવીઆઈસીના મુખ્ય કાર્યકારી અધિકારી સુશ્રી રૂપ રાશિ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા

Posted On: 19 MAY 2025 4:59PM by PIB Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત નેજા હેઠળ, રવિવારે, અમદાવાદના નારણપુરા સ્થિત એએમસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય વિતરણ અને મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે,  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને ગુજરાતના વિવિધ જિલ્લાઓના 1000થી વધુ કેવીઆઈસી લાભાર્થીઓને મશીનો અને ટૂલકીટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમ ઈજીપી) હેઠળ સ્થાપિત 3000 નવા એકમોનું ઉદ્ઘાટન પણ શ્રી અમિત શાહ દ્વારા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના  રાજ્યમંત્રી શ્રી જગદીશ પંચાલ, કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર, અમદાવાદના મેયર શ્રીમતી. પ્રતિભા જૈન અને કેવીઆઈસી ના મુખ્ય કાર્યકારી અધિકારી સુશ્રી રૂપ રાશિ મંચ પર હાજર હતા.

વિતરણ કાર્યક્રમને સંબોધતા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે ગ્રામોદ્યોગ વિકાસ યોજનાના તમામ લાભાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું કે આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે 1000થી વધુ લાભાર્થીઓને વિધુત ચલિત ચાક, સિલાઈ મશીન, ઓટોમેટિક અગરબત્તી બનાવવાનું મશીન, લેધર કીટ, કાચી ઘાની તેલ મશીન આપીને આજીવિકા પૂરી પાડવાનું કાર્ય કર્યું છે. આ સાધનો દ્વારા હજારો કારીગરોને રોજગાર મળશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1593 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

મંચ પરથી સંબોધન કરતા, કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે કહ્યું, “ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, છેલ્લા 11 વર્ષોમાં, પૂજ્ય બાપુનો ખાદીનો વારસો 'વિકાસિત ભારત અભિયાન'નું એક નવું બળ બની ગયું છે. નાણાકીય વર્ષ 2024-25માં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત, ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર 1  લાખ 70 હજાર કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે. તેની સીધી અસર એ થઈ છે કે ખાદી કારીગરોના વેતનમાં 275% સુધીનો વધારો થયો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે 1000થી વધુ લાભાર્થીઓને ટૂલકીટ અને મશીનોનું વિતરણ કરવામાં આવ્યું. જે અંતર્ગત કુંભારોને વિધુત ચલિત ચાક, સિલાઈ મશીન, લેદર ટૂલ કિટ, એસી રિપેરિંગ અને પ્લમ્બિંગ ટૂલકિટ, ડોના મેન્યુફેક્ચરિંગ મશીન, ઓટોમેટીક અગરબત્તી મેન્યુફેક્ચરીંગ મશીન, કાચી ઘની ઓઈલ મશીન, ન્યુ મોડલ ચરખા (એનએમસી), અને બારડોલી ચરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યની 247 ખાદી સંસ્થાઓ દ્વારા 23505 કારીગરોને રોજગાર મળી રહ્યો છે. છેલ્લા 11 વર્ષમાં, ગુજરાતની ખાદી સંસ્થાઓએ 1855 કરોડ રૂપિયાનું ઉત્પાદન અને 3388 કરોડ રૂપિયાનું વેચાણ કરીને રેકોર્ડ બનાવ્યો છે. પીએમઈજીપી યોજના હેઠળ 28271 યુનિટ દ્વારા 2.26 લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ, રાજ્યમાં 3210 વિધુત ચલિત ચાક, 11470 મધમાખીના બોક્સ અને સેંકડો અન્ય ટૂલકીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ફક્ત ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો માટે જ નહીં, પરંતુ 'વિકસિત ભારત'ના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દરેક નાગરિક માટે પ્રેરણાનો સ્ત્રોત હતો. આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના તમામ ધારાસભ્યો ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી બંછાનિધિ પાની, કેવીઆઈસી ના અધિકારીઓ અને કર્મચારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરના રહેવાસીઓ હાજર રહ્યા હતા.

 


(Release ID: 2129644)