શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ, મેડીકલ કેમ્પ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો


સેવા સેતુ કાર્યક્રમ એટલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે:કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા

કેન્દ્રીય મંત્રીશ્રી અને ધારાસભ્ય સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગર પાલિકાના રૂ.11.96 કરોડના 16 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું

Posted On: 07 JUN 2025 8:55PM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગ, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર જિલ્લાના સાંસદ શ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને તાજાવાલ હોલ, પોરબંદર ખાતે પોરબંદર શહેરી કક્ષાનો સેવાસેતુ, મેડીકલ કેમ્પ અને ઇ-ખાતમુહૂર્ત -લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે,સેવા સેતુ કાર્યક્રમ એટલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો સામાન્ય અને મધ્યમ વર્ગ માટેના વિકાસનો સંકલ્પ છે. અને સેવાસેતુ કાર્યક્રમ થકી લોકોના રેશનકાર્ડ,આધાર કાર્ડ, સહિતની સેવાઓ એકજ જગ્યાએ મળી રહે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરવાની પદ્ધતિ બદલી છે સામાન્ય માણસના કામ સરકાર દ્વારા થાય અને તેમની જરૂરિયાત મુજબની સેવાઓનો લાભ તેમને કોઈ અગવડતા વિના મળે તે દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.તેમણે સ્વનિધિ યોજના સફળતાની વાત કરતા જણાવ્યું હતું કે, સ્વનિધિ યોજનાને કારણે  નાના માણસોને ધંધો રોજગાર કરવા માટે જ્યારે આર્થિક જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમને કોઈપણ ગેરંટી વિના લોન આપવામાં આવે છે જેથી નાના માણસોને ઊંચા વ્યાજે નાણા લેવામાંથી મુક્તિ મળી છે. અને સેવાસેતુ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પને જોડીને લોકોના હેલ્થની પણ ચેકઅપ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓથી લોકોને ફાયદો થઈ રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સેવાસેતુ સહિતના કાર્યક્રમાંથી લોકોની સુવિધામાં વધારો કરીને લોકોની સુખાકારી વધે અને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં વિકાસ કાર્યો કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું. કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પારદર્શક વહીવટના કારણે ખેડૂતોને તેમની પેદાશોના પોષણક્ષમ ભાવો તેમજ નાગરિકોને વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે અને પોરબંદરનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું તે બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે વિકસિત ભારત 2047ના સંકલ્પ માટે ગુજરાતે પણ આગળ વધવું પડશે  તેના માટે પોરબંદરનો પણ વિકાસ જરૂરી છે.તે માટે પોરબંદરમાં અનેક વિકાસ કાર્યો હાથ ધરીને પોરબંદર જિલ્લો પ્રવાસન ક્ષેત્રે પણ આગળ વધે તે માટે પોરબંદરમાં મૂળ દ્વારકા પાસે બીચ બનવા જઈ રહ્યો છે સાથે પોરબંદરની બંને બાજુએ આવેલા દ્વારકા અને સોમનાથ ખૂબ વિશાળ પ્રવાસન ધરાવે છે તેનો પણ લાભ પોરબંદરને મળે તે માટે પોરબંદરમાં ગાંધી કોરિડોર બનાવવા આવશે અને પ્રવાસનક્ષેત્રે જિલ્લાનો વિકાસ થાય તે  દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. અને તેમણે સૌએ સહિયારા પ્રયાસોથી હકારાત્મક અભિગમ અપનાવીને આપણા પોરબંદરને ગુજરાતનું શ્રેષ્ઠ શહેર બનાવવા અપીલ કરી હતી.

કેન્દ્રીય મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પોરબંદર મહાનગર પાલિકાના રૂ.11.96 કરોડના 16 કામોનું ઇ-ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાઓના સહાય હુકમ અને કીટ વિતરણ અને સેવાભાવી સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમની આભારવિધિ નાયબ મ્યુ.કમિશનર શ્રી મનન ચતુર્વેદીએ કરી હતી. અને ત્યારબાદ નટવરસિંહ ક્લબ પોરબંદર ખાતે કેન્દ્રીયમંત્રીશ્રીએ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીરીબેન ખુટી,પુર્વ કેબીનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી ચૌધરી, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, રીજીઓનલ ડાયરેક્ટર શ્રી હેમંત કુમાર પાંડેઅધિક કલેકટર શ્રી જે. બી. વદર,પોરબંદર મહાનગર પાલિકાના નાયબ કમિશનર શ્રી હર્ષ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


(Release ID: 2134927) Visitor Counter : 5