પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ ગુજરાતમાં મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી


ડૉ. મિશ્રાએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેને સમયસર પૂર્ણ કરવા માટે નિરીક્ષણ કર્યું

ડૉ. મિશ્રાએ ધોલેરાને વૈશ્વિક સ્તરે સ્માર્ટ ઔદ્યોગિક શહેર તરીકે વિકસાવવા માટેની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

ડૉ. મિશ્રાએ લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

प्रविष्टि तिथि: 16 JUN 2025 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ આજે ​​ગુજરાતના ધોલેરા અને લોથલમાં મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરતી સ્થળ નિરીક્ષણ અને ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકો યોજી હતી. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટેના વિઝન સાથે સુસંગત છે.

ડૉ. મિશ્રાએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા અમલમાં મુકાયેલા નિર્માણાધીન અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદ અને ધોલેરા વચ્ચેના મુસાફરીના સમયને 45 મિનિટ સુધી ઘટાડવા માટે એક્સપ્રેસવેની સંભાવના પર પ્રકાશ પાડ્યો અને વૈશ્વિક-ગુણવત્તાવાળા રોડ ધોરણો સાથે સમયસર અમલીકરણ પર ભાર મૂક્યો હતો.

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ખાતે, ડૉ. મિશ્રાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમજ અધિકારીઓએ તેમને માહિતી આપી કે કાર્ગો કામગીરી ઓક્ટોબર 2025 સુધીમાં શરૂ થશે. તેમણે અધિકારીઓને સમયરેખાનું પાલન કરવા અને એક્સપ્રેસવે સાથે સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

ડૉ. મિશ્રાએ ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન (ફેબ) પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું, જે સ્થાનિક ચિપ ઉત્પાદનમાં એક મુખ્ય પહેલ છે. તેમણે તેના ઉત્પાદન ક્ષેત્રની સમીક્ષા કરી, જેમાં મોબાઇલ ઉપકરણો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે ચિપ્સનો સમાવેશ થાય છે. તેમણે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL) દ્વારા વિકસિત સામાજિક માળખાગત પ્રોજેક્ટ્સ - શાળાઓ, હોસ્પિટલો અને રહેણાંક સંકુલની પણ મુલાકાત લીધી હતી. તેમણે વપરાશકર્તા અનુભવ પર ભાર મૂક્યો, હિસ્સેદારોના પ્રતિસાદના એકીકરણ માટે હાકલ કરી હતી.

ડૉ. મિશ્રાએ DICDL, DIACL, NHAI, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારતીય રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વ્યાપક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે, ભીમનાથ-ધોલેરા ફ્રેઇટ રેલ લિંક, અમદાવાદ-ધોલેરા સેમી-હાઇ-સ્પીડ રેલ લાઇન, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના મુખ્ય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. શ્રી મિશ્રાએ ધોલેરાને વૈશ્વિક ધોરણે સ્માર્ટ ઔદ્યોગિક શહેર તરીકે વિકસાવવા માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા, કુશળ કાર્યબળની ઉપલબ્ધતા અને મજબૂત આયોજનના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ડૉ. મિશ્રાએ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની એક મુખ્ય પહેલ, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)નું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમણે શ્રી ટી. રામચંદ્રન, સચિવ, MoPSW અને મંત્રાલય, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, NHAI અને ભારતીય રેલ્વેના અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. શ્રી મિશ્રાએ ભાર મૂક્યો કે NMHC એ ભારતના દરિયાઇ ભૂતકાળને વિદ્વતાપૂર્ણ સન્માન તરીકે સેવા આપવી જોઈએ, ઊંડાણપૂર્વક સંશોધન, શૈક્ષણિક સહયોગ અને વિચારપૂર્વક આયોજન કરેલ મુલાકાતીઓનાં અનુભવના મહત્વ પર ભાર મૂક્યો હતો.

શ્રી મિશ્રાએ સ્થાનિક પ્રજાતિઓના વૃક્ષોના વાવેતર અને પાણી વ્યવસ્થાપન પ્રણાલીઓ સહિત પર્યાવરણીય ટકાઉપણું પગલાંની પણ સમીક્ષા કરી હતી. તેમણે NMHCના અપ્રતિમ કદ અને મહત્વ પર પ્રકાશ પાડ્યો, હડપ્પા સંસ્કૃતિથી લઈને ભારતના દરિયાઈ વારસાને વર્ણવતી કલાકૃતિઓને ક્યુરેટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડૉ. મિશ્રાએ છ ગેલેરીઓ સહિત ફેઝ I-A બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું અને ઓગસ્ટ 2025 સુધીમાં તેને પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ડૉ. મિશ્રાની સાથે પીએમઓના અધિકારીઓ પ્રધાનમંત્રીના સલાહકાર શ્રી તરુણ કપૂર અને પીએમઓના નાયબ સચિવ શ્રી મંગેશ ઘિલડિયાલ પણ હતા.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2136786) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam