ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભાવનગરમાં કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષ સ્થાને વરિષ્ઠ નાગરિકો માટે એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ


વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ‌ લેવા કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ની અપીલ

રાષ્ટ્રીય વયો શ્રી યોજના અંતર્ગત તા. 30 જૂન થી તા.15 જૂલાઇ સુધી વિવિધ‌ તાલુકાઓમાં એસેસમેન્ટ કેમ્પ યોજાશે

Posted On: 30 JUN 2025 4:20PM by PIB Ahmedabad

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના‌ અંતર્ગત વરીષ્ઠ નાગરીકો માટેના એસેસમેન્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા‌ એ વરિષ્ઠ નાગરિકોને એસેસમેન્ટ કેમ્પનો મહત્તમ લાભ‌ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે વયો શ્રી યોજના વરીષ્ઠ નાગરીકો સુધી પહોંચે અને એમના જીવનમાં સકારાત્મક બદલાવ આવી શકે તે માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ, એલિમ્કોના સહયોગથી તા. 30 જૂન થી તા.15 જૂલાઇ-2025 સુધી ભાવનગર શહેર અને તાલુકાઓમાં વિવિધ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે તા. 30 જૂન‌થી તા. 3 જૂલાઈ દરમ્યાન ભાવનગર સિટી, પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્યના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સર્ટી. ટી. જનરલ હોસ્પિટલ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ એસેસમેન્ટ દ્વારા ભારતીય  કૃત્રિમ અંગ નિર્માણ  નિગમ, એલિમ્કો સહાયક ઉત્પાદન કેન્દ્ર ઉજ્જૈન દ્વારા વરીષ્ઠ નાગરીકોને ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગની સંભાળ માટે કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ સાથે ફોલ્ડિંગ ખુરશી વગેરે 15 પ્રકારના ઉપકરણો  પરીક્ષણ  માટે (1) આધાર કાર્ડ અને (2) રૂ. 15 હજાર કે તેથી ઓછી આવકના દાખલા સાથે નિ:શુલ્ક નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

એસેસમેન્ટ કેમ્પ તા. 4 જૂલાઇએ ઘોઘા તાલુકાના સામૂહિક કેન્દ્ર ખાતે, તા. 5 જૂલાઇએ શિહોર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 7 જૂલાઇએ વલ્લભીપુર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 8 જૂલાઇએ ઉમરાળા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 9 જૂલાઇએ તળાજા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 10 જૂલાઇએ મહુવા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 11 જૂલાઇએ જેસર તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, તા. 14 જૂલાઈએ ગારીયાધાર તાલુકાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને તા. 15મી જૂલાઇએ પાલિતાણા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે જુદા જુદા સ્થળોએ એસેસમેન્ટ કેમ્પ થશે. આ એસેસમેન્ટ સાથે સાથે વૃદ્ધ પેન્શન યોજનાના ફોર્મ, પ્રધાન મંત્રી વય વંદના આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલ કાઢવામાં આવશે. 

આ તકે મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી એન. કે. મીણા, પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી એન. ડી. ગોવાણી, આગેવાન શ્રી કુમારભાઈ શાહ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ. જી. ચૌધરી સહિતના આગેવાનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સર ટી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.   

AP/IJ/GP/JD


(Release ID: 2140800)
Read this release in: English