સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય નૌકાદળ પલાઉ-ફ્લેગ ટેન્કર MT યી ચેંગ - 6 પર મહત્વપૂર્ણ અગ્નિશામક અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યુ


ઉત્તર અરબી સમુદ્રમાં ભારતીય ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી

Posted On: 01 JUL 2025 9:30AM by PIB Ahmedabad

ઝડપી ઓપરેશનલ તૈયારી અને દરિયાઈ સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા, ભારતીય નૌકાદળે 29 જૂન 2025ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાં પલાઉ ફ્લેગ ટેન્કર MT યી ચેંગ - 6 પર વધુ પડતી જોખમી અગ્નિશામક અને બચાવ કામગીરી હાથ ધર્યા બાદ સફળતાપૂર્વક પરિસ્થિતિને કાબૂ કરી અને 14 ભારતીય ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરી હતી.

29 જૂન 2025ની સવારે મિશન-આધારિત ફરજ પર તૈનાત INS તબરને MT યી ચેંગ 6 તરફથી મે ડે ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. યુએઈના ફુજૈરાહથી લગભગ 80 નોટિકલ માઇલ પૂર્વમાં કાર્યરત જહાજે તેના એન્જિન રૂમમાં મોટી આગની જાણ કરી હતી.

ઝડપથી પ્રતિક્રિયા આપતા INS તબર મદદ કરવા માટે મહત્તમ ગતિએ આગળ વધ્યું હતું. તેમજ મુશ્કેલીમાં મુકાયેલા જહાજની નજીક પહોંચ્યું અને ત્યારબાદ જહાજના માસ્ટર સાથે સંપર્ક સ્થાપિત કરી અને અગ્નિશામક કામગીરી શરૂ કરી હતી.

ક્રૂની સલામતીને પ્રાથમિકતા આપતા, સાત ક્રૂ સભ્યોને તાત્કાલિક જહાજની બોટનો ઉપયોગ કરીને INS તબરમાં ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કોઈ ઈજા થઈ ન હતી, તબરની તબીબી ટીમ દ્વારા તમામ ક્રૂની તપાસ કરવામાં આવી હતી. માસ્ટર સહિત બાકીના ક્રૂ સભ્યો આગને કાબુમાં લેવામાં મદદ કરવા માટે જહાજમાં જ રહ્યા. INS તબરે અગ્નિશામક સાધનો સાથે છ સભ્યોની અગ્નિશામક અને નુકસાન નિયંત્રણ ટીમ તૈનાત કરી હતી.

ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને જહાજના ક્રૂ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક અગ્નિશામક પ્રયાસોના પરિણામે આગની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો અને ધુમાડો એન્જિન રૂમમાં જ મર્યાદિત રહ્યો હતો. ભારતીય નૌકાદળના વધારાના 13 કર્મચારીઓ (5 અધિકારીઓ અને 8 ખલાસીઓ)ની મદદથી અગ્નિશામક પ્રયાસને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

ભારતીય નૌકાદળની અગ્નિશામક ટીમ અને ક્રૂ સભ્યોના સતત પ્રયાસોથી, આગને સફળતાપૂર્વક કાબુમાં લેવામાં આવી છે. તાપમાનની સતત તપાસ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. INS તબર સતત સહાય માટે સ્ટેશન પર રહ્યું છે.

ભારતીય નૌકાદળના કર્મચારીઓના બહાદુરીભર્યા પ્રયાસોએ જહાજ અને તમામ ભારતીય ક્રૂ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરી છે. આ ઘટના ફરી એકવાર ભારતીય નૌકાદળની ઝડપી પ્રતિભાવ ક્ષમતા, ઓપરેશનલ તૈયારી, દરિયાઈ સુરક્ષા પ્રત્યે માનવતાવાદી અભિગમને પ્રકાશિત કરે છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે ભારતની ભૂમિકાન પુનઃપુષ્ટિ કરે છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2141101)
Read this release in: Urdu , English , Hindi , Tamil