નાણા મંત્રાલય
છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડી તેને મુખ્ય ધારામાં લાવવાનું આપણું સામાજિક દાયિત્વ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો
નાગરિકોના સુરક્ષિત-સુખી અને ગરિમા પૂર્ણ જીવન માટેની વિવિધ જનસુરક્ષા યોજનાઓના લાભ તમામ જરૂરતમંદ લોકોને સુનિશ્ચિત કરવાનો હેતુ
નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ
01 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 સુધી રાષ્ટ્ર વ્યાપી અભિયાન યોજાશે
Posted On:
01 JUL 2025 7:30PM by PIB Ahmedabad
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બધી જ કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય માનવીને રાખ્યા છે. આવી કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવાથી કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ વંચિત ન રહી જાય તેની કાળજી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકાર લે છે. એટલું જ નહીં, લાભાર્થીઓના ઘરે સામે ચાલીને સરકાર જાય છે અને તેમને મળવાપાત્ર સામાજિક- આર્થિક સુરક્ષા યોજનાઓના લાભ પહોંચાડે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણલક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

તા. 01 જુલાઈથી 30 સપ્ટેમ્બર એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા આ અભિયાન અન્વયે નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અભિયાનના પ્રારંભ વેળાએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાના ત્રણ લાભાર્થીઓને પ્રત્યેકને મૃત્યુ સહાયના રૂપિયા 2 લાખના ચેક તેમજ જનધન યોજનાના લાભાર્થીને બેન્ક ખાતાની પાસબુકનું વિતરણ કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરકારની જન કલ્યાણની યોજનાઓના લાભ મેળવવાથી હજુ પણ વંચિત હોય તેવા જરૂરતમંદ લોકોને આ અભિયાન દરમ્યાન લાભ પહોંચાડવાનું સામાજિક દાયિત્વ આપણે નિભાવવાનું છે. તેમણે જણાવ્યું કે, આવા જરૂરતમંદ લોકોના સામાજિક-આર્થિક ઉત્કર્ષની આપણી જવાબદારી છે તેને સુપેરે અદા કરીને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું પૂણ્ય કાર્ય કરવાની આ એક મોટી તક છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તેને જરૂરતમંદ લાભાર્થીઓ, સમાજના અંતિમ છોરના વ્યક્તિ સુધી કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડીને વિકસિત ગુજરાતના નિર્માણથી સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓશ્રીઓ, શહેરી સત્તા મંડળો અને બેંકના અધિકારીઓ ડિસ્ટ્રીકટ એક્શન પ્લાન બનાવીને આ યોજનાઓમાં સંતૃપ્તિના લક્ષ્યાંકો પાર પાડે તે માટેના દિશાનિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યાં હતાં.
નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજને આ જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા રાજ્યમાં નાણાંકીય સમાવેશનની વિવિધ કલ્યાણ યોજનાઓની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે, આ અભિયાન દરમિયાન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, હાલના જનધન ખાતાઓ માટે કે.વાય.સી. ફરીથી પૂર્ણ કરવું તેમજ બિન નાણાંકીય પુખ્ત વયના લોકોના જનધન ખાતા ખોલવા ઉપરાંત ડીજીટલ ફ્રોડ સામે જાગૃતિ જેવા વિષયોને આવરી લેવાશે.
તેમણે રાજ્યમાં 1.93 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે તેની માહિતી આપતા ઉમેર્યું કે, છેવાડાના માનવીના ઉત્કર્ષ અને કલ્યાણની વિવિધ કેન્દ્રીય યોજનાઓના 21 હજાર 409 કરોડના લાભો ડી.બી.ટી.થી આ ખાતાઓમાં ચૂકવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 90 લાખ જેટલા લોકોએ આ વીમા કવચનો લાભ લીધો છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનો 1.92 કરોડ જેટલા લોકોએ લાભ લઈને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી છે તેની પણ માહિતી નાણાં અગ્ર સચિવશ્રીએ આપી હતી.
આ અભિયાનના પ્રારંભે રાજ્યના જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, લિડ બેન્કર્સ અને ગાંધીનગર જિલ્લાના પુન્દ્રાસણ ગામના ગ્રામજનો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.
મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, નાણાં વિભાગના આર્થિક બાબતોના સચિવ શ્રીમતી આરતી કંવર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને લીડ બેંક-બેંક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ આ અભિયાનના શુભારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2141344)