સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ પછી પુખ્ત વયના લોકોના અચાનક મૃત્યુ પર ICMR અને AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસોએ એ નિષ્કર્ષ સ્થાપિત કર્યું છે કે કોવિડ-19 વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી
જીવનશૈલી અને પહેલાથી અસ્તિત્વમાં રહેલી પરિસ્થિતિઓ મુખ્ય પરિબળો હોવાનું જણાયું
Posted On:
02 JUL 2025 9:30AM by PIB Ahmedabad
દેશમાં અનેક એજન્સીઓ દ્વારા અચાનક ન સમજાય તેવા મૃત્યુના કેસોની તપાસ કરવામાં આવી છે. આ અભ્યાસો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે કોવિડ-19 વેક્સિન અને દેશમાં નોંધાયેલા અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસો પુષ્ટિ કરે છે કે, ભારતમાં કોવિડ-19 વેક્સિન સલામત અને અસરકારક છે, જેમાં ગંભીર આડઅસરોના ખૂબ ઓછા કેસ નોંધાયા છે. અચાનક હૃદયરોગથી થતા મૃત્યુ વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે, જેમાં આનુવંશિકતા, જીવનશૈલી, પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગો અને કોવિડ પછીની જટિલતાઓ સામેલ છે.
ICMR અને NCDC ખાસ કરીને 18 થી 45 વર્ષની વયના યુવાનોનાં અચાનક મૃત્યુ પાછળના કારણોને સમજવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેને શોધવા માટે, વિવિધ સંશોધન અભિગમોનો ઉપયોગ કરીને બે પૂરક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા - એક ભૂતકાળના ડેટા પર આધારિત અને બીજો વાસ્તવિક સમયની તપાસ સાથે સંકળાયેલો હતો. ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (NIE) દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રથમ અભ્યાસનું શીર્ષક હતું "ભારતમાં 18-45 વર્ષની પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુ સાથે સંકળાયેલા પરિબળો – અ મલ્ટિસેન્ટ્રિક મેચ્ડ કેસ કંટ્રોલ સ્ટડી છે." આ અભ્યાસ મે થી ઓગસ્ટ 2023 દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 તૃતીય સંભાળ હોસ્પિટલોમાં હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં એવા વ્યક્તિઓ પર ધ્યાન આપવામાં આવ્યું હતું જેઓ સ્વસ્થ દેખાતા હતા. પરંતુ ઓક્ટોબર 2021 અને માર્ચ 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. તારણો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે COVID-19 વેક્સિન યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધારતું નથી.
"યુવાનોમાં અચાનક અસ્પષ્ટ મૃત્યુના કારણો શોધવા" શીર્ષક ધરાવતો બીજો અભ્યાસ હાલમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS), નવી દિલ્હી દ્વારા ભંડોળ અને ICMRના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આ એક સંભવિત અભ્યાસ છે. જેનો હેતુ યુવાન પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુના સામાન્ય કારણો શોધવાનો છે. અભ્યાસના ડેટાના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે હાર્ટ એટેક અથવા મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (MI) આ વય જૂથમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, પાછલા વર્ષોની તુલનામાં કારણોની પેટર્નમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. મોટાભાગના અસ્પષ્ટ મૃત્યુના કેસોમાં, આનુવંશિક પરિવર્તનને આ મૃત્યુના સંભવિત કારણ તરીકે ઓળખવામાં આવ્યું છે. અભ્યાસ પૂર્ણ થયા પછી અંતિમ પરિણામો શેર કરવામાં આવશે.
આ બંને અભ્યાસો સાથે મળીને ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક ન સમજાય તેવા મૃત્યુની વધુ વ્યાપક સમજ આપે છે. એવું પણ બહાર આવ્યું છે કે કોવિડ-19 વેક્સિન જોખમ વધારતું નથી, જ્યારે અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ, આનુવંશિક વલણ અને જોખમી જીવનશૈલી પસંદગીઓ અસ્પષ્ટ અચાનક મૃત્યુમાં ભૂમિકા ભજવે છે.
વૈજ્ઞાનિક નિષ્ણાતોએ પુનરોચ્ચાર કર્યો છે કે કોવિડ વેક્સિનને અચાનક મૃત્યુ સાથે જોડતા નિવેદનો ખોટા અને ભ્રામક છે અને વૈજ્ઞાનિક સર્વસંમતિ દ્વારા સમર્થિત નથી. નિર્ણાયક પુરાવા વિનાના અનુમાનિત દાવાઓ રસીઓમાં જાહેર વિશ્વાસને ઓછો કરવાનું જોખમ ધરાવે છે. જેણે રોગચાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આવા પાયાવિહોણા અહેવાલો અને દાવાઓ દેશમાં વેક્સિન પ્રત્યે ખચકાટમાં મજબૂત ફાળો આપી શકે છે, જેનાથી જાહેર આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ભારત સરકાર તેના નાગરિકોની સુખાકારીનું રક્ષણ કરવા માટે પુરાવા-આધારિત જાહેર આરોગ્ય સંશોધન માટે પ્રતિબદ્ધ છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2141434)
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Tamil
,
Telugu
,
Malayalam