ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી આયોજિત વરિષ્ઠ નાગરિકોના એસેસમેન્ટ કેમ્પને બહોળો પ્રતિસાદ, પ્રથમ બે દિવસમાં 43 લાખથી વધુની સાધન સહાય માટે લાભાર્થી નક્કી થયા
ગુરુવારે સર ટી. હોસ્પિટલ ખાતે યોજાશે એસેસમેન્ટ કેમ્પ, ત્યારબાદ જુદા-જુદા તાલુકા મથકો ખાતે આયોજન : મંત્રી નિમુબેન બાંભણિયાનું સતત માર્ગદર્શન
Posted On:
02 JUL 2025 5:17PM by PIB Ahmedabad
ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી (અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ) શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ તા. 30 જૂનથી ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે શરૂ થયો છે. ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લેતો આ કેમ્પ 3 જુલાઈ સુધી ચાલશે. આજે ત્રીજો દિવસ પૂર્ણ થયો છે અને આવતીકાલ ગુરુવારે અંતિમ દિવસ રહેશે.
પ્રથમ બે દિવસ દરમિયાન 2,655 સાધનોની સહાય માટે લાભાર્થીઓનું નિદાન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 43 લાખથી વધુ છે.

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ અવસરનો લાભ લેવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી ભાવનગર શહેર તથા તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે.

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ (ફોલ્ડિંગ ખુરશી) સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે. લાભાર્થીઓની (1) આધાર કાર્ડ અને (2) રૂ. 15,000 કે તેથી ઓછી આવકના દાખલાના આધારે મફત નોંધણી કરવામાં આવે છે.

શુક્રવારથી જુદા-જુદા તાલુકા મથકો ખાતે કેમ્પનું વિસ્તૃત આયોજન
આ કેમ્પ 4 જુલાઈએ ઘોઘા, 5 જુલાઈએ શિહોર, 7 જુલાઈએ વલ્લભીપુર, 8 જુલાઈએ ઉમરાળા, 9 જુલાઈએ તળાજા, 10 જુલાઈએ મહુવા, 11 જુલાઈએ જેસર, 14 જુલાઈએ ગારીયાધાર અને 15 જુલાઈએ પાલીતાણા તાલુકાના આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાશે. તાલુકા મથકો પર કેમ્પનું આયોજન કરવાથી છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

યોજનાના અનેક લાભો પણ સ્થળ પર ઉપલબ્ધ
એસેસમેન્ટ કેમ્પ સાથે વૃદ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, આયુષ્માન કાર્ડ, તેમજ આવકના દાખલા કાઢવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ છે. સાથે લાભાર્થીઓને આવવા – જવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ આયોજનને કારણે નાગરિકો તરફથી કેન્દ્ર સરકાર અને મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે.
ભાવનગરના કલેક્ટર શ્રી મનીષ કુમાર બંસલ તેમજ અન્ય અધિકારીઓએ પણ કેમ્પની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કેમ્પના વ્યવસ્થાપન અને સુગમ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો તથા તમામ ટીમને શુભેચ્છાઓ આપી હતી.
સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને લીલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન કોમલકાંત શર્માએ પણ કેમ્પની મુલાકાત લઈ પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી.
AP/IJ/GP/JD
(Release ID: 2141603)