સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
યુવાનોની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા ડાક વિભાગ કરી રહ્યું છે પહેલ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
04 JUL 2025 7:16PM by PIB Ahmedabad
ગુજરાતના અમદાવાદ શહેરમાં સમસા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત 'સમૃદ્ધ ગુજરાત-૨૦૨૫' મેગા પ્રદર્શન (3 થી 5 જુલાઈ 2025)માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ, બાળકો 'માય સ્ટેમ્પ' હેઠળ ડાક ટિકિટો પર પોતાના ચિત્રો જોઈને ખુશ છે, તો બીજી તરફ, તેઓ પોતાના પ્રિયજનોને પત્રો લખીને લેટર બોક્સમાં મુકતી વખતે ઘણી બધી સેલ્ફી લઈ રહ્યા છે. આમાંથી ઘણા બાળકોએ પહેલીવાર લેટર બોક્સમાં પત્રો મૂક્યા. આ પ્રસંગે, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તમ પત્રો લખનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ભેટ આપીને સન્માનિત કર્યા, જ્યારે મેગા પ્રદર્શન દરમિયાન, તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલનાર છોકરીઓને પાસબુક અને ભેટ આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સેવા સમાજ ખાતે આયોજિત 'સમૃદ્ધ ગુજરાત-2025' મેગા પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતીઓને વિવિધ સરકારી યોજનાઓ, કાર્યક્રમો અને પહેલો વિશે માહિતી પૂરી પાડવાનો છે. ખાસ કરીને, આ પ્રદર્શન સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી, ટેકનોલોજીકલ અપગ્રેડેશન, ડિજિટલ કોમ્યુનિકેશન, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ અને તાલીમ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં માહિતી પ્રસારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
GO9H.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી રહ્યું છે. પોસ્ટ વિભાગના સ્ટોલ પર બાળકોની ભીડ તેમની સર્જનાત્મકતા તેમજ ટપાલ સેવાઓમાં તેમની જિજ્ઞાસા અને રુચિ દર્શાવે છે. મેગા પ્રદર્શનમાં સ્થાપિત આ સ્ટોલ યુવાનોમાં પત્ર લેખન, ડાક ટિકિટ સંગ્રહ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે, જે જ્ઞાન અને સાહિત્યના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકો સાથે વાતચીત કરી અને તેમને ડાક સેવાઓમાં થઈ રહેલા ફેરફારોથી માહિતગાર કર્યા. સોશિયલ મીડિયાના યુગમાં પત્રોની ભાવનાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ડાક વિભાગ હવે ફક્ત પત્રો પૂરતો મર્યાદિત નથી રહ્યું, પરંતુ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બચત બેંક, પોસ્ટલ જીવન વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, ડાક નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જાહેરલક્ષી કાર્યો પોસ્ટ ઓફિસોમાં કરવામાં આવી રહ્યા છે. 'ડાકિયા ડાક લાયા’ થી 'ડાકિયા બેંક લાયા’ સુધીની સફરમાં ડાક સેવાઓએ ઘણા નવા પરિમાણો બનાવ્યા છે. ડાક નિર્યાત કેન્દ્રો દ્વારા ODOP, GI, MSME ના ઉત્પાદનો વિદેશમાં પહોંચી રહ્યા છે અને ‘વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત' ની કલ્પનાને મજબૂત બનાવી રહ્યા છે.
અમદાવાદ સિટી મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું કે ડાક વિભાગના સ્ટૉલ પર નાગરિકો માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાઓમાં પાર્સલ અને સ્પીડ પોસ્ટ બુકિંગ, આધાર નોંધણી અને સુધારણા, ડાક જીવન વીમા, માય સ્ટેમ્પ, ગંગાજળ, ડાક ટિકિટ તથા ફિલેટેલી સંબંધિત વસ્તુઓની વેચાણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નાણાકીય સમાવેશનના ભાગરૂપે વિવિધ પ્રકારના ખાતાઓ ડિજિટલ રીતે ખોલવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સ્ટૉલ ડાક વિભાગની નાગરિક કેન્દ્રિત સેવાઓનું પ્રતિબિંબ છે, જે આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સતત વિસ્તરતી રહી છે.
KBKZ.jpeg)
આ અવસરે પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ડાક ઉપઅધિક્ષક શ્રી એસ.કે. વર્મા, સહાયક ડાક અધિક્ષક શ્રી વિશાલ ચૌહાણ, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી રમેશ પરમાર, શ્રી હિતેશ પરીખ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી રોનક શાહ, શ્રી ભાવીન પ્રજાપતિ તથા સમસા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર શ્રી દીપક સિંહ ઉપરાંત વિવિધ શાળાઓના પ્રિન્સિપાલશ્રી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
(Release ID: 2142326)