ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી નિમુબેનના પ્રયાસોથી એસેસમેન્ટ કેમ્પમાં 5 દિવસના અંતે 2.48 કરોડથી વધુની સાધન સહાય માટે લાભાર્થી નક્કી થયા
મોદી સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના એસેસમેન્ટ કેમ્પને બહોળો પ્રતિસાદ : એસેસમેન્ટ કેમ્પનું હવે તાલુકા મથકોએ આયોજન
Posted On:
04 JUL 2025 8:39PM by PIB Ahmedabad
ભાવનગર- બોટાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેનો એસેસમેન્ટ કેમ્પ ગત તા.30 જૂનથી પ્રારંભ થયો છે. સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ ચાર દિવસ ભાવનગર શહેર, ગ્રામ્ય અને પશ્ચિમ વિસ્તારને આવરી લઈ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં બહોળો પ્રતિસાદ અને લાભાર્થીનો ધસારો રહેતા કેમ્પની મુદતમાં એક દિવસના વધારો કરાયો હતો. આમ, કુલ 5 દિવસ કેમ્પ યોજાયેલ જેના અંતે 1119 પુરુષો અને 1450 મહિલા લાભાર્થી મળી કુલ 2569 લાભાર્થીઓનું પસંદગીકૃત નિદાન કરવામાં આવ્યું છે, જેઓને જુદા જુદા પ્રકારના કુલ 15019 સાધનોની સહાય મળશે. જેની અંદાજિત કિંમત રૂ. 2.48.64.619 થાય છે.

ઉલ્લેખનીય છે કે, વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુખદ અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલિમ્કો), ઉજ્જૈન સહાયક ઉત્પાદન કેન્દ્રના સહયોગથી આ કેમ્પ 15 જુલાઈ-2025 સુધી હવે તાલુકાઓમાં અલગ-અલગ સ્થળોએ યોજાનાર છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માટે યોજાતા આ એસેસમેન્ટ કેમ્પમાં ચાલવાની લાકડી, કાખઘોડી, વોકર, કાનનું મશીન, કૃત્રિમ દાંત, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગ સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવાની લાકડી, કોમોડ ફોલ્ડિંગ ખુરશી સહિત 15 પ્રકારના ઉપકરણોનું નિદાન અને સહાયનું આયોજન છે.

છેવાડાના લોકો સુધી આ કેમ્પનો લાભ પહોંચાડવા જુદા-જુદા તાલુકા મથકો ખાતે પણ કેમ્પ યોજાનાર છે.સાંસદ એવમ કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયાએ વરિષ્ઠ નાગરિકોને આ ખાસ કેમ્પનો લાભ લેવા ખાસ અપીલ કરી છે.
(Release ID: 2142349)