શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 'પ્રધાનસેવક' તરીકે જનકલ્યાણ અર્થે સતત કાર્યશીલ છે : કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા


ભાયાવદરમાં કેન્દ્રીય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રૂ. 10.50 કરોડના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

Posted On: 05 JUL 2025 4:48PM by PIB Ahmedabad

ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ભાયાવદરના સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહેરની પ્રાથમિક સુવિધા માટે રૂ. 10.50 કરોડના વિકાસ કાર્યોના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રસ્તા, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો વિકાસ ઉપરાંત જનતાના હિતાર્થે સામાજિક દૃષ્ટિકોણથી પ્રગતિ પણ સાધી છે. સરકારે સામાન્ય જનતા પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમની જરૂરિયાત પ્રમાણે અને જીવન ધોરણ ઊંચું લાવવા ઉપયોગી થાય એવી અનેક યોજનાઓ અમલી કરી છે. આમ, સરકારે વ્યક્તિના માનવીય, સામાજિક અને આર્થિક એમ સર્વાંગી વિકાસને ધ્યાને લીધો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 'પ્રધાનસેવક' તરીકે જનકલ્યાણ અર્થે સતત કાર્યશીલ છે. પ્રધાનમંત્રી શ્રીની દુરંદેશીતાના કારણે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બનવા સજ્જ થઈ રહ્યો છે. જનપ્રતિનિધિઓ જનતા સાથે ખભેખભે મિલાવીને તેમની પડખે રહે છે. ત્યારે લોકોની પણ નૈતિક ફરજ બને છે કે સરકાર સાથે જોડાઈને પોતાનું નગર હરિયાળું, સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત બનાવવામાં યોગદાન આપે.

 

ઉપલેટાધોરાજી પંથકના ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે ભાયાવદર સુંદર શહેર તો છે જ, સાથેસાથે જાગૃત શહેર પણ છે. અહીંની પ્રજા સરકારના અભિયાનોને જનભાગીદારીથી સફળ બનાવે છે. ગુજરાત સરકારે શહેરમાં અનેક વિકાસ પ્રકલ્પો પૂર્ણ કર્યા છે અને ઘણાં વિકાસ પ્રકલ્પો પ્રગતિ હેઠળ છે. વિકાસ કાર્યોના પરિણામે જનતાનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે.

આ કાર્યક્રમનો, મંચસ્થ મહેમાનશ્રીઓએ દીપ પ્રાગટ્યથી આરંભ કર્યો હતો. મહાનુભાવોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. નગરપાલિકાના સદસ્યો તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓએ વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ભાયાવદર નગરપાલિકા પ્રમુખ શ્રી રેખાબેન સીણોજીયાએ શાબ્દિક અભિવાદન કર્યું હતું. સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સ્વાગત નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. પ્રાદેશિક નગરપાલિકાઓના નિયામક શ્રી એમ. એસ. જાની તથા અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. નગરપાલિકાની બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી સરજુભાઈ માકડિયાએ આભારવિધિ કરી હતી.

આ તકે નવનિયુક્ત કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સીમરનબેન ભારદ્વાજ, પ્રાંત અધિકારી શ્રી એન. એમ. તરખાલા, ચીફ ઓફિસર શ્રી ડી. એન. કંડોરીયા, મામલતદાર શ્રી નિખિલભાઈ મહેતા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રૂ. 10.50 કરોડમાં સમાવિષ્ટ 14 વિકાસ કાર્યો

  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 350 લાખના ખર્ચે નવા ડેવલપ થયેલા વિસ્તારોને ભૂગર્ભ ગટર સાથે જોડવા.
  • અમૃત 2.0 યોજના અન્વયે રૂ. 225 લાખના ખર્ચે પી.વી.સી. પાઇપલાઇ, પમ્પિંગ મશીનરી સહિતની કામગીરી.
  • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભીના અને સૂકા કચરા માટે સોલિડ વેસ્ટ પ્લાન્ટના જુદાજુદા કમ્પોનેન્ટ બનાવવા.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 70 લાખના ખર્ચે સી.સી. રોડ તથા પેવિંગ બ્લોક રોડ.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 70 લાખના ખર્ચે ટોયલેટ બ્લોક રીનોવેશન પાઇપ કલ્વર્ટ, વૃક્ષારોપણ.
  • નાણાપંચ યોજના અન્વયે રૂ. 31 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ તથા ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ.
  • નાણાપંચ યોજના અન્વયે રૂ. 30 લાખના ખર્ચે પેવિંગ બ્લોક રોડ ફૂટપાથ તથા ટ્રીમિક્સ સાથે સી.સી. રોડ.
  • નાણાપંચ યોજના અન્વયે રૂ. 27 લાખના ખર્ચે પાણીનો ટાંકો, પાણીની લાઈન, ઈલેક્ટ્રીક રૂમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તથા પીવાના પાણીનો બોર બનાવવો.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 23.97 લાખના ખર્ચે સી.સી. રોડ રીસર્ફેસિંગ / રિપેરિંગ.
  • સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી રૂ. 17.73 લાખના ખર્ચે માંડાસણ રોડ પર કોઝવે બનાવવાનો ભાવ અને આંબેડકરનગરથી સિવિલ હોસ્પિટલ વચ્ચે કોઝવે બનાવવાના કામ પેકિંગ બોક્સ કન્વર્ટ બનાવવાનું કામ.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 17.06 લાખના ખર્ચે સરદાર પટેલ ચોક પાટીદાર પાનથી આશાપુરા મટીરીયલલ્સ સુધી સીસી રોડ સર્ફેસિંગ / રીપેરીંગ.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 15.77 લાખના ખર્ચે આંબેડકર નગરથી સિવિલ હોસ્પિટલ વચ્ચે કોઝવે બનાવવાના કામ પૈકી રીટેઇનિંગ વોલ બનાવવી.
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 13.58 લાખના ખર્ચે લાખાભાઈ બગડાના ઘરથી ખાખીજાળીયા રોડ સુધી અને ગોકુલ સાયકલ સ્ટોર સામેની શેરીમાં સી.સી. રોડ રીપેરીંગ.
  • ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ માંથી રૂ. 7.68 લાખના ખર્ચે પીપળેશ્વર મંદિર પાસે કોઝવે તથા ખારાનેસ, વાવડીની વાવ નેસ, ઉગમણા નેસ વિસ્તારમાં પીવાના પાણીની મોટર, કેબલ અને પાઈપલાઈનનું કામ.

 


(Release ID: 2142487)