પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને મળ્યા

Posted On: 06 JUL 2025 1:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહિમ જેવિયર માઈલીને મળ્યા હતા. કાસા રોસાડા ખાતે આગમન પર રાષ્ટ્રપતિ માઈલીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગઈકાલે બ્યુનોસ આયર્સ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે 57 વર્ષના અંતરાલ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા આર્જેન્ટિનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ભારત-આર્જેન્ટિના સંબંધો માટે આ એક મહત્વપૂર્ણ વર્ષ છે કારણ કે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ માઈલીનો અને તેમના પ્રતિનિધિમંડળને આપેલા ઉષ્માભર્યા આતિથ્ય બદલ આભાર માન્યો હતો.

બંને નેતાઓ મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મળ્યા હતા. તેમણે વ્યાપક ચર્ચાઓ કરી અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરી હતી. તેમણે મહત્વપૂર્ણ ખનીજો, તેલ અને ગેસ, સંરક્ષણ, પરમાણુ ઉર્જા, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિમાં ડ્રોનનો ઉપયોગ, મત્સ્યઉદ્યોગ અને પાવર ટ્રાન્સમિશન લાઇનનું નિરીક્ષણ, ICT, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા, UPI, અવકાશ, રેલવે, ફાર્મા, રમતગમત અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા હાકલ કરી હતી. નેતાઓએ ચાલી રહેલા આર્થિક સહયોગની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દ્વિપક્ષીય વેપાર સ્થિર ગતિએ ચાલી રહ્યો છે પરંતુ બંને પક્ષોએ વ્યાપારી જોડાણની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ કરવા માટે વેપાર બાસ્કેટના વૈવિધ્યકરણ પર કામ કરવાની જરૂર છે. આ સંદર્ભમાં, તેમણે ભારત-મર્કોસુર પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટના વિસ્તરણ અંગે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ રાષ્ટ્રપતિ માઈલીનો આભાર માન્યો અને આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે આર્જેન્ટિનાની એકતાની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ સંમત થયા કે આતંકવાદ માનવતા માટે ગંભીર ખતરો છે અને આ ખતરા સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.

નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા. તેમણે ગ્લોબલ સાઉથની ચિંતાઓને વધુ મજબૂત રીતે ઉઠાવવા હાકલ કરી હતી.

પ્રધાનમંત્રીએ તેમની મુલાકાત પૂર્ણ કરતા પહેલા બ્યુનોસ એરેસમાં મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ માઈલીએ પ્રધાનમંત્રીનો આર્જેન્ટિનાની ઐતિહાસિક મુલાકાત બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ માઈલીને પરસ્પર અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2142685)