શ્રમ અને રોજગાર મંત્રાલય
16મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો, પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ચુયલ માધ્યમથી 51000 થી વધુ નિમણુંક પત્રો એનાયત કર્યા
અમદાવાદ ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં 144 યુવાનોને નિમણૂક પત્રો વિતરિત કરાયા
આજે નોકરી મેળવવા માટે મેરિટ એજ એક માત્ર લાયકાતઃ ડો. માંડવિયા
Posted On:
12 JUL 2025 3:39PM by PIB Ahmedabad
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ, શાહીબાગ ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં રેલવે, ફાયનાન્સ, બેંક, પોસ્ટ, એગ્રીકલ્ચર સેક્ટર સહિતના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા 144 યુવાનોને તેમની લાયકાતના આધારે નિમણૂક પત્રો આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવી નિયુક્તિ પ્રાપ્ત કરનાર યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કર્યા.

પોતાના ઉદબોધનમાં ડો. માંડવિયાએ જણાવ્યું કે, “આજે નોકરી મેળવવા માટે મેરિટ એ એક માત્ર લાયકાત છે. અગાઉ નોકરી મેળવવા માટે પધ્ધતિથી વગરના માર્ગો અપનાવાતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિકાસશીલ ભારતમાં મેરિટ આધારિત રોજગારી વ્યવસ્થા ઉભી કરીને યુવાનોને રોજગારીની તકો આપવામાં આવી રહી છે. 16માં રોજગાર મેળા બાદ હવે કુલ 11 લાખથી વધુ યુવાઓને ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપવામાં આવી છે ”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં રોજગારીનું સ્તર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. 2004થી 2014 દરમિયાન પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સેક્ટરમાં જ્યાં માત્ર 6.5 કરોડ રોજગારીઓનું સર્જન થયું હતું, ત્યારે છેલ્લા દશકમાં 17.50 કરોડથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. દરેક મહિને સરેરાશ 12થી 15 લાખ નવી રોજગારીઓ સર્જાઈ રહી છે. માત્ર એગ્રીકલ્ચર સેક્ટરમાંજ 19 ટકાથી વધુ રોજગારીનું સર્જન થયું છે. દેશમાં મેનુફેક્ચરિંગસ, એગ્રીકલ્ર અને સર્વિસ સેક્ટરમાં નોધપાત્ર રોજગારીનું પ્રમાણ વધ્યુ છે. જેના પરિણામે જ્યાં વિશ્વના વિકસિત દેશોનો વિકાસદર ઘટી રહ્યો છે ત્યાં ભારતની ઇકોનોમી 7થી 8 ટકાના દરે સતત વિકાસ કરી રહી છે.

હાલમાં જ Employment Linked Incentive (ELI) યોજના અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે આ યોજનાથી 3.5 કરોડથી વધુ નવા રોજગારના નિર્માણ કરવામાં મદદ મળશે
આ 16મો રોજગાર મેળો દેશવ્યાપી “રોજગાર મેળા” અભિયાનનો હિસ્સો છે, જેના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ 47 સ્થળોએ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને આશરે 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો મળ્યા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરી તેમને સંબોધિત કર્યા હતા.
કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, અમદાવાદ પૂર્વના સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વશ્રી અમિત ઠાકર, હસમુખભાઈ પટેલ, દિનેશ કુશવાહા તથા શ્રીમતી દર્શાનાબેન વાઘેલા, ડીઆરએમ શ્રી સુધીર શર્માં તેમજ જીએસટી, બેંક, એગ્રીક્લચર તથા પોસ્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
AP/IJ/NP/GP/JD
(Release ID: 2144225)