મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી
નર્મદા ડેમની મુલાકાત કરી બાદમાં સરદાર સાહેબના જીવન - કવનને દર્શાવતો લેસર શો નિહાળ્યો
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર અને મધ્યપ્રદેશના મંત્રી શ્રીમતી નિર્મલા ભુરિયા પણ જોડાયા હતા
Posted On:
12 JUL 2025 10:35PM by PIB Ahmedabad
ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી ઝોનલ કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા. મંત્રીશ્રી કોન્ફરન્સ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા SoU ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા, જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદી, પ્રાયોજના વહીવટદાર ડૉ. અંચુ વિલ્સન અને SoU ના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રીએ પ્રદર્શની કક્ષમાં ગાઈડ પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી.

મંત્રીશ્રીએ બાદમાં સરદાર સાહેબના હ્રદય સ્થળ વ્યૂઈંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિંદ્યાચલ અને સાતપુડાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરનાં દર્શન કરી ખૂશી વ્યક્ત કરી હતી.

એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીશ્રીઓ પાસેથી માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે સંવાદ કરી આ મુલાકાત માટે શુભકામના પાઠવી હતી.
મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના પગ પાસે પહોંચી નમન કરી ધન્યતા અનુભવી હતી. સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિહાળ્યા બાદ મંત્રીશ્રીએ મુલાકાત પોથીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પોતાનો અભિપ્રાય નોંધ્યો હતો. આ અવસરે SoU ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરાએ મંત્રીશ્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી.

મંત્રીશ્રીએ બાદમાં સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત કરી અધિકારીશ્રીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. ત્યાંથી પરત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના જીવન કવનની ઝાંખી કરાવતો લેશર શો નિહાળ્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રીની આ મુલાકાત દરમિયાન રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર, મધ્યપ્રદેશના મંત્રી શ્રીમતી નિર્મલા ભુરિયા, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ જોડાયા હતા.

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2144315)