પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અભિનંદન પાઠવ્યા
Posted On:
13 JUL 2025 10:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરાયેલા ચાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ દરેક ઉમેદવારના યોગદાન પર પ્રકાશ પાડ્યો.
પ્રધાનમંત્રીએ શ્રી ઉજ્જવલ નિકમની કાનૂની વ્યવસાય પ્રત્યેના તેમના અનુકરણીય સમર્પણ અને બંધારણીય મૂલ્યો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે શ્રી નિકમ એક સફળ વકીલ રહ્યા છે. જેમણે મહત્વપૂર્ણ કાનૂની કેસોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સામાન્ય નાગરિકોના ગૌરવને જાળવી રાખવા માટે અથાક મહેનત કરી હતી. શ્રી મોદીએ રાજ્યસભામાં તેમના નામાંકનનું સ્વાગત કર્યું અને તેમને તેમની સંસદીય ભૂમિકામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી ઉજ્જવલ નિકમનું કાયદાના ક્ષેત્ર અને આપણા બંધારણ પ્રત્યેનું સમર્પણ અનુકરણીય છે. તેઓ માત્ર એક સફળ વકીલ જ નથી રહ્યા પરંતુ મહત્વપૂર્ણ કેસમાં ન્યાય આપવામાં પણ અગ્રણી રહ્યા છે. તેમના સમગ્ર કાનૂની કારકિર્દી દરમિયાન, તેમણે હંમેશા બંધારણીય મૂલ્યોને મજબૂત બનાવવા અને સામાન્ય નાગરિકો સાથે હંમેશા આદરપૂર્વક વર્તન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. હું તેમને તેમની સંસદીય કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું."
શ્રી સી. સદાનંદન માસ્ટર વિશે પ્રધાનમંત્રીએ તેમના જીવનને હિંમત અને અન્યાય સામે પ્રતિકારનું પ્રતિક ગણાવ્યા. તેમણે કહ્યું કે હિંસા અને ધાકધમકીનો સામનો કરવા છતાં, શ્રી સદાનંદન માસ્ટર રાષ્ટ્રીય વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યા હતા. પ્રધાનમંત્રીએ શિક્ષક અને સામાજિક કાર્યકર તરીકેના તેમના યોગદાનની પણ પ્રશંસા કરી અને યુવા સશક્તિકરણ માટેના તેમના જુસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત થવા બદલ તેમણે તેમને અભિનંદન આપ્યા અને તેમની નવી જવાબદારીઓમાં તેમને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી સી. સદાનંદન માસ્ટરનું જીવન હિંમત અને અન્યાય સામે ન ઝૂકવાની ભાવનાનું પ્રતિક છે. હિંસા અને ધાકધમકી રાષ્ટ્રીય વિકાસ માટેના તેમના જુસ્સાને ઓછો કરી શક્યા નહીં. શિક્ષક અને સામાજિક કાર્યકર તરીકેના તેમના પ્રયાસો પણ પ્રશંસનીય છે. તેમને યુવા સશક્તિકરણમાં ઊંડો રસ છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત થવા બદલ તેમને અભિનંદન. સંસદ સભ્ય તરીકેની તેમની ભૂમિકામાં શુભેચ્છાઓ.”
શ્રી હર્ષવર્ધન શ્રૃંગલાના નામાંકન અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે રાજદ્વારી, બૌદ્ધિક અને વ્યૂહાત્મક વિચારક તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેમણે ભારતની વિદેશ નીતિમાં શ્રી શ્રૃંગલાના યોગદાન અને ભારતના G-20 પ્રમુખપદમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને રાજ્યસભામાં નામાંકિત કરવામાં ખુશી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની આંતરદૃષ્ટિ સંસદીય ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી હર્ષવર્ધન શ્રૃંગલાએ રાજદ્વારી, બૌદ્ધિક અને વ્યૂહાત્મક વિચારક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. વર્ષોથી, તેમણે ભારતની વિદેશ નીતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને G-20 પ્રમુખપદમાં પણ યોગદાન આપ્યું છે. મને આનંદ છે કે તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે. તેમના અનન્ય દ્રષ્ટિકોણ સંસદીય કાર્યવાહીને વધુ સમૃદ્ધ બનાવશે.
@harshvshringla”
ડૉ. મીનાક્ષી જૈનના નામાંકન પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ખૂબ જ આનંદની વાત છે. તેમણે એક વિદ્વાન, સંશોધક અને ઇતિહાસકાર તરીકેના તેમના વિશિષ્ટ કાર્યની પ્રશંસા કરી અને શિક્ષણ, સાહિત્ય, ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનમાં તેમના યોગદાનની નોંધ લીધી. તેમણે રાજ્યસભામાં તેમના કાર્યકાળ માટે તેમને શુભેચ્છા પાઠવી.
પ્રધાનમંત્રીએ કહ્યું;
"ડૉ. મીનાક્ષી જૈનજીને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે. તેમણે એક વિદ્વાન, સંશોધક અને ઇતિહાસકાર તરીકે પોતાની ઓળખ બનાવી છે. શિક્ષણ, સાહિત્ય, ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનના ક્ષેત્રોમાં તેમના કાર્યથી શૈક્ષણિક ચર્ચામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમના સંસદીય કાર્યકાળ માટે શુભેચ્છાઓ.
@IndicMeenakshi"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2144334)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam