મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના પરત આવવા માટે સ્વાગત કરતો મંત્રીમંડળનો ઠરાવ

Posted On: 16 JUL 2025 3:02PM by PIB Ahmedabad

15 જુલાઈ 2025ના રોજ, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા તેમની અવકાશ યાત્રામાંથી સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે, જે ભારતની અનંત આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વ, ગૌરવ અને આનંદની ક્ષણ છે.

આજે, મંત્રીમંડળ, રાષ્ટ્ર સાથે મળીને, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને પૃથ્વી પર સફળ વાપસી બદલ અભિનંદન આપે છે. તેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર 18 દિવસનું ઐતિહાસિક મિશન પૂર્ણ કર્યું.

આ મિશન 25 જૂન 2025 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા મિશન પાઇલટ તરીકે જોડાયા હતા. આ મિશન દ્વારા, પ્રથમ વખત કોઈ ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા હતા. જે ભારતના અવકાશ કાર્યક્રમમાં એક નવો અધ્યાય છે. આ અવકાશમાં ભારતની એક મોટી ઉડાન છે અને આપણા અવકાશ કાર્યક્રમના ભવિષ્યની સુવર્ણ ઝલક આપે છે.

મંત્રીમંડળ ભારતીય અવકાશ સંશોધન સંગઠન અને આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના સમગ્ર સમુદાયની પ્રશંસા કરે છે, જેમના અવિરત પ્રયાસોથી આ સિદ્ધિ શક્ય બની છે.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના સમય દરમિયાન, ગ્રુપ કેપ્ટન શુક્લાએ એક્સિઓમ-4 ક્રૂ અને એક્સપિડિશન 73ના સાથી સભ્યો સાથે એકીકૃત રીતે કામ કર્યું, જે આંતરરાષ્ટ્રીય અવકાશ સહયોગમાં ભારતના વધતા નેતૃત્વને મૂર્તિમંત કરે છે.

તેમણે સ્નાયુ પુનર્જીવન, શેવાળ અને સૂક્ષ્મજીવાણુ વૃદ્ધિ, પાકની સધ્ધરતા, સૂક્ષ્મજીવાણુ અસ્તિત્વ, અવકાશમાં જ્ઞાનાત્મક કામગીરી અને સાયનોબેક્ટેરિયાના વર્તન જેવા વિષયો પર સૂક્ષ્મગુરુત્વાકર્ષણમાં અગ્રણી પ્રયોગો કર્યા. આ અભ્યાસો માનવ અવકાશ ઉડાન અને સૂક્ષ્મગુરુત્વાકર્ષણ વિજ્ઞાનની વૈશ્વિક સમજને વધુ ઊંડી બનાવશે અને ભારતના ભાવિ મિશન માટે મહત્વપૂર્ણ ઇનપુટ પ્રદાન કરશે.

આ સફળ મિશન અવકાશ સંશોધનમાં ભારતની વૈશ્વિક સ્થિતિને નોંધપાત્ર રીતે ઉન્નત કરે છે. તે ગગનયાન અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન સહિત ભારતની પોતાની માનવ અવકાશ ઉડાન મહત્વાકાંક્ષા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તે માનવ અવકાશ સંશોધનમાં મોખરે રહેવાના ભારતના સંકલ્પની પુનઃપુષ્ટિ કરે છે.

મંત્રીમંડળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી અને નિર્ણાયક નેતૃત્વની પ્રશંસા કરે છે, જેમની વ્યૂહાત્મક દૂરંદેશી, ભારતની અવકાશ ક્ષમતામાં અતૂટ વિશ્વાસ અને સતત માર્ગદર્શનને કારણે દેશ નવી સીમાઓ પાર કરી શક્યો છે અને અવકાશયાત્રી દેશોમાં અગ્રણી તરીકે ઉભરી આવ્યો છે.

મંત્રીમંડળ ભારતની તાજેતરની સીમાચિહ્નરૂપ સિદ્ધિઓને પણ ગર્વથી યાદ કરે છે. જેમાં 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન-3નું ઐતિહાસિક ઉતરાણનો સમાવેશ થાય છે, જે ઇતિહાસમાં ભારતના રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે અંકિત દિવસ છે. તેવી જ રીતે, 2023માં શરૂ કરાયેલ ભારતના આદિત્ય-L1 મિશન દ્વારા સૌર પ્રવૃત્તિ પ્રત્યે માનવજાતની સમજમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિદ્ધિઓ વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સ્વ-નિર્ભરતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

અવકાશ ક્ષેત્રમાં સતત સુધારાઓ દ્વારા, સરકારે ભારતના અવકાશ અર્થતંત્રમાં અભૂતપૂર્વ વૃદ્ધિને ખુલ્લી મૂકી છે. આ ક્ષેત્રમાં લગભગ 300 નવા સ્ટાર્ટ-અપ્સના ઉદભવથી માત્ર મોટા પાયે રોજગારીનું સર્જન થયું નથી, પરંતુ નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજી-સંચાલિત વિકાસના જીવંત ઇકોસિસ્ટમને પણ પોષવામાં આવ્યું છે.

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું મિશન ફક્ત વ્યક્તિગત વિજય નથી - તે યુવા ભારતીયોની નવી પેઢી માટે પ્રેરણાની દીવાદાંડી છે. તે વૈજ્ઞાનિક સ્વભાવને પ્રજ્વલિત કરશે, જિજ્ઞાસાને વેગ આપશે અને અસંખ્ય યુવાનોને વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા અને નવીનતાને અપનાવવા માટે પ્રેરણા આપશે.

મંત્રીમંડળ દ્રઢપણે માને છે કે આ મિશન વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા આપશે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને નવી શક્તિ મળશે.

AP/IJ/GP/JD


(Release ID: 2145167)