આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
સ્વચ્છ સર્વેક્ષણ-2024માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન મેળવતા સુરતમાં સફાઈકર્મીઓના સન્માન સાથે ઉજવણી
વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાણા, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ, મેયર દક્ષેશ માવાણીએ સ્વચ્છતાના સેનાનીઓનું બહુમાન કર્યું
સ્વચ્છતા આપણા જીવનની આદત બનવી જોઈએ: સ્વચ્છતા સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
સુરતને ‘ખૂબસુરત’ બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ: નાણા, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
શહેરની તમામ માતા-બહેનોએ પોતાના ઘરમાંથી શરૂ થતા સ્વચ્છતાની જ્યોત અને સંસ્કારને જીવંત રાખ્યા છે: મેયર દક્ષેશ માવાણી
Posted On:
17 JUL 2025 9:32PM by PIB Ahmedabad
ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે “સ્વચ્છ સર્વેક્ષણ – 2024” અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદહસ્તે એવોર્ડ એનાયત થયો છે. આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જનસહભાગિતાની ઉજવણી રૂપે ડુમસ-મગદલ્લા રોડ પર આવેલા વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇ, સાંસદશ્રી મુકેશભાઇ દલાલ, મેયર શ્રી દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મહાનુભાવોએ સ્વચ્છતા યોદ્ધાઓને ફૂલોથી વધાવી સન્માનિત કર્યા હતા તેમજ શ્રમયોગી સફાઈ કર્મચારીઓને મીઠું મોં કરાવી આ સિદ્ધિની ઉજવણી કરી હતી.

સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરી સફળતા મેળવી છે. ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથોસાથ દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિના આગ્રહી રહ્યા હતા. ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કમર કસી છે. સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ બને છે.
W6BL.jpeg)
સ્વચ્છતા આપણા જીવનની આદત બની જવી જોઈએ. આજે મળેલી સિદ્ધિ માત્ર એક પડાવ નથી, પણ સતત જાગૃતિ અને પ્રેરણા છે. ઘન કચરાના વ્યવસ્થાપનમાં સુરત અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત બનશે એમ જણાવી સુરત મનપા, અધિકારીઓ, પદાધિકારીઓ, તમામ કર્મચારીઓ અને વિશેષત: સુરતને સ્વચ્છ, સુઘડ રાખવામાં જેમનું સરાહનીય યોગદાન છે એવા સફાઈ કર્મચારીઓને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતાં
CS3J.jpeg)
નાણા મંત્રી કનુભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતને ‘ખૂબસુરત’ બનાવવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. 2014માં પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા સપનાને સાકાર કરવા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું અને આજે સુરત એ દિશામાં એક અગ્રણી ઉદાહરણ બનીને ઉભર્યું છે. શહેરે તમામ પરિસ્થિતિઓમાં સૌથી સ્વચ્છ શહેર બનવાની ક્ષમતા સાબિત કરી છે. સુરતીઓનો સહયોગ અને સમજદારી આ સફળતાના મૂળમાં છે.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ, પ્રવિણભાઇ ઘોઘારી, ડે. મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, પો. કમિશનર અનુપમસિંહ ગહલૌત, મનપા કર્મચારીઓ,સફાઈ કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.
(Release ID: 2145671)