ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”કાર્યક્રમ યોજાયો


પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ બની રહી છે : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

ભાવનગર જિલ્લાના 1.5 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના 20માં હપ્તાની રકમ પેટે કુલ રૂ.26 કરોડ જમા થયાં

મંત્રીશ્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને નવા ટ્રેકટરના પૂર્વ મંજૂરીપત્રો એનાયત

Posted On: 02 AUG 2025 4:09PM by PIB Ahmedabad

ભાવનગરમાં અટલ ઓડિટોરિયમ હોલ ખાતે પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને  "પી.એમ.કિસાન ઉત્સવ દિવસ"નો કાર્યક્રમ યોજાયો હતો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ બની રહી છે તેવું કહેતા ભારત સરકારના ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના  રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતોના હિતમાં અને ખેડૂતોને સહાય માટે વર્ષ 2019માં ભારત સરકારે શરૂ કરેલી આ યોજના વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંથી એક યોજના હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિના 20માં હપ્તા સ્વરૂપે આજરોજ દેશભરના ખેડૂતોના ખાતામાં 20,500 કરોડથી પણ વધુ રકમ સીધી જ જમા થઈ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત 2.26 કરોડથી પણ વધુ મહિલા ખેડૂત લાભાર્થી તેનો લાભ લઈ રહ્યા છે જે સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ભારત સરકાર ખેડૂતોના પરિશ્રમનું સન્માન કરી તેમના સુખ-દુઃખમાં પડખે ઊભી રહી છે તેવું કહેતા મંત્રીશ્રીએ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા દેશભરમાં ચાલી રહેલ ભારત સરકારની વિભિન્ન કલ્યાણકારી યોજનાઓ અંગે પણ જાણકારી પૂરી પાડી હતી. સરકાર વિભિન્ન યોજનાઓ થકી વિકાસના નવા વિઝન સાથે ખેડૂતોને જોડી રહી છે અને તેનાથી વિકસિત ભારતની યાત્રામાં ખેડૂતો સહભાગી બની રહ્યા હોવાનું મંત્રીશ્રીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.

ભાવનગર  જિલ્લાના 1.5 લાખ ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્માન નિધિ યોજનાના 20માં હપ્તાની રકમ પેટે કુલ રૂ.26 કરોડ ડી.બી.ટી.થી જમા થયાં હતાં. તેમજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને નવા ટ્રેક્ટરના પૂર્વ મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ વેળાએ ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

પી.એમ.કિસાન ઉત્સવ દિવસના યોજાયેલાં કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, મેયરશ્રી ભરતભાઈ બારડ,જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિક્રમભાઈ ડાભી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,નાયબ બાગાયત નિયામકશ્રી એમ.બી. વધામશી,ખેતી નિયામક તાલીમ જે.એન.પરમાર,જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

AP/DT/GP/JD


(Release ID: 2151738)