માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઇઆઇટી ગાંધીનગરે તેનો ત્રીજો સ્થાપના દિવસ ઉજવ્યો, નવોચાર અને અસરકારકતાના 17 વર્ષ ઉજવ્યાં

Posted On: 06 AUG 2025 4:08PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન) 2 ઓગસ્ટ, 2025ના રોજ જસુભાઈ મેમોરિયલ ઓડિટોરીયમમાં ત્રીજો સ્થાપના દિવસ ઉજવીને તેની સ્થાપનાના 17 વર્ષ પૂર્ણ થાને યાદગાર બનાવ્યો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થી, ફેકલ્ટી, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ એકઠા થયા અને આઇઆઇટીજીએનની શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધનક્ષમતા અને સમુદાય માટેના યોગદાનની યાત્રાને યાદ કરી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રો પ્રાધિકરણ (IFSCA)ના અધ્યક્ષ શ્રી કે. રાજારામન ઉપસ્થિત રહ્યા હતા. તેમના પ્રેરણાદાયક ભાષણમાં તેમણે ભારતમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આઇઆઇટીજીએનના ઝડપથી થયેલા વિકાસની પ્રશંસા કરી અને સંસ્થાના ફેકલ્ટી, વિદ્યાર્થી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ટેકનોલોજી પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી, જે દેશની વિકસતી ટેકનોલોજીકલ મહત્ત્વકાંક્ષાઓ સાથે સુસંગત છે. ઉપરાંત, તેમણે સર્કિટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી જેવા નવીન અભ્યાસક્રમોની ચર્ચા પણ કરી.

આઇઆઇટીજીએનના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂના પણ ઉપસ્થિતોને સંબોધિત કરતા સંસ્થાના 2008માં 90 વિદ્યાર્થીઓથી શરુ થયેલા નમ્ર આરંભથી લઈને આજે તેના જીવંત અને વિકાસશીલ સમુદાય સુધીના પ્રગતિપથ પર પ્રકાશ પાથર્યો. તેમણે આઇઆઇટીજીએનના સર્જનાત્મકતા, સંશોધન અને નવોચાર પ્રત્યેના દૃઢ પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો અને શૈક્ષણિક વિકાસ માટે સંયુક્ત ડિગ્રી કાર્યક્રમો અને ભાગીદારીના આરંભની માહિતી આપી. તેમણે કેમ્પસમાં હોસ્ટેલ, રહેઠાણ અને શૈક્ષણિક સુવિધાઓના વિસ્તરણ વિશે પણ માહિતી આપી. ઉપરાંત, તેમણે જણાવ્યું કે આઇઆઇટીજીએનના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટી નવીનતા અને સ્ટાર્ટઅપના ક્ષેત્રે સક્રિય રીતે જોડાયેલા છે અને સંસ્થાના રિસર્ચ પાર્કમાં હાલ 20થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે.

આ ઉજવણીમાં શિવ ધ્રુપદ, સરગમ ક્લબ દ્વારા સંગીતાત્મક કાર્યક્રમો, અભિનય ક્લબ દ્વારા માઇમ, સ્ટેપ-અપ ક્લબ દ્વારા નૃત્ય અને મેઘ સંદેશનામનું નાટ્યાવલોકન જેવી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રચનાથી કેમ્પસ જીવનની ઝાંખી મળી. આ દરમિયાન સ્થાપના દિવસ કૅલેન્ડરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર વિતરણ સમારંભ તથા મુખ્ય અતિથિ સાથે સમૂહ ફોટો શેશન યોજાયું.

વિદ્યાર્થી પરિષદો અને ક્રિએટિવ લર્નિંગ સેન્ટરના ઇન્ટરએક્ટિવ સ્ટૉલ્સ જેમાં રમતો, પઝલ્સ અને રસપ્રદ પ્રવૃત્તિઓ હતી, એ ઉજવણીમાં વધુ રંગ ભર્યો.

જેમ જેમ આઇઆઇટીજીએન આગળ વધે છે, તેમ તેમ તેનો સ્થાપના દિવસ સંસ્થાની સંયુક્ત દૃષ્ટિ, અવિરત સમર્પણ અને શિક્ષણની રૂપાંતરક શક્તિનું સ્મારક બની રહ્યો છે.

 

 


(Release ID: 2153026)