પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મંત્રીમંડળે આસામ અને ત્રિપુરા માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજના ખાસ વિકાસ પેકેજ (SDP) હેઠળ રૂ. 4,250 કરોડના કુલ ખર્ચ સાથે ચાર નવા ઘટકોને મંજૂરી આપી
Posted On:
08 AUG 2025 4:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આસામ અને ત્રિપુરા માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજના ખાસ વિકાસ પેકેજ (SDP) હેઠળ રૂ. 4,250 કરોડના કુલ ખર્ચ સાથે ચાર નવા ઘટકોને મંજૂરી આપી છે.
વિગતો:
- ભારત સરકાર અને આસામ સરકાર દ્વારા આસામના આદિવાસી જૂથો સાથે સહી કરાયેલ સમાધાન કરાર (MoS) અનુસાર આસામના આદિવાસી વસ્તીવાળા ગામડાઓ/વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 500 કરોડ.
- ભારત સરકાર અને આસામ સરકાર દ્વારા દિમાસા નેશનલ લિબરેશન આર્મી (DNLA) / દિમાસા પીપલ્સ સુપ્રીમ કાઉન્સિલ (DPSC) ગ્રુપ્સ ઓફ આસામ સાથે કરાયેલા MoS મુજબ, દિમાસા નેશનલ લિબરેશન આર્મી/દિમાસા પીપલ્સ સુપ્રીમ કાઉન્સિલના નોર્થ કેચર હિલ્સ ઓટોનોમસ કાઉન્સિલ (NCHAC) વિસ્તારમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 500 કરોડ.
- ભારત સરકાર અને આસામ સરકાર દ્વારા આસામના ઉલ્ફા ગ્રુપ્સ ઓફ આસામ સાથે કરાયેલા MoS મુજબ, આસામ રાજ્યમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે રૂ. 3,000 કરોડ.
- ભારત સરકાર અને ત્રિપુરા સરકાર દ્વારા નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્વિપ્રા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ (ATTF) ગ્રુપ્સ ઓફ ત્રિપુરા સાથે કરાયેલા MoS મુજબ, ત્રિપુરાના આદિવાસીઓના વિકાસ માટે રૂ. 250 કરોડ.
નાણાકીય અસર:
પ્રસ્તાવિત ચાર નવા ઘટકોનો કુલ ખર્ચ રૂ. 7,250 કરોડ હશે, જેમાંથી રૂ. 4250 કરોડ આસામ (રૂ. 4000 કરોડ) અને ત્રિપુરા (રૂ. 250 કરોડ) માટે હાલની કેન્દ્રીય ક્ષેત્ર યોજનાના ખાસ વિકાસ પેકેજ હેઠળ પૂરા પાડવામાં આવશે, અને બાકીના રૂ. 3000 કરોડ આસામ રાજ્ય સરકાર દ્વારા તેમના સંસાધનોમાંથી આપવામાં આવશે.
ભારત સરકાર, આસામ અને ત્રિપુરા રાજ્ય સરકારો વચ્ચે સંબંધિત રાજ્યના સંબંધિત વંશીય જૂથો સાથે થયેલા સમાધાન કરાર મુજબ, નાણાકીય વર્ષ 205-26થી 2029-30 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. 4,000 કરોડનો ખર્ચ આસામના ત્રણ ઘટકો માટે છે અને નાણાકીય વર્ષ 2025-26 થી 2028-29 સુધીના ચાર વર્ષના સમયગાળા માટે રૂ. 250 કરોડનો ખર્ચ ત્રિપુરાના એક ઘટક માટે છે.
રોજગાર સર્જનની સંભાવના સહિત અસર:
- માળખાકીય સુવિધાઓ અને આજીવિકા પ્રોજેક્ટ્સ રોજગારનું સર્જન કરશે
- કૌશલ્ય વિકાસ, આવક સર્જન અને સ્થાનિક ઉદ્યોગસાહસિકતા દ્વારા યુવાનો અને મહિલાઓને લાભ થશે
- સ્થિરતા લાવવા અને અસરગ્રસ્ત સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવાની અપેક્ષા
લાભ:
આ યોજના ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યો આસામ અને ત્રિપુરા તરફ લક્ષ્યાંકિત છે. તે આના દ્વારા સમાનતાને પ્રોત્સાહન આપશે:
- વિવિધ વર્તમાન સરકારી યોજનાઓનો પૂરતો લાભ ન મેળવનારા લોકોના નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવો;
- યુવાનો અને મહિલાઓ માટે રોજગારીની તકો વધારવી, આરોગ્ય સેવાઓ પૂરી પાડવી, શિક્ષણ અને કૌશલ્યવર્ધન અને આજીવિકા પ્રવૃત્તિઓ દ્વારા આવકને પ્રોત્સાહન આપવું;
- દેશના અન્ય ભાગોમાંથી પ્રવાસીઓનો પ્રવાહ વધારવો, જેનાથી ઉત્તર પૂર્વીય ક્ષેત્રના લોકો માટે રોજગાર અને આજીવિકાની વધારાની તકો ઊભી થશે.
આ દ્વારા, આસામના આદિવાસી અને દિમાસા સમુદાયોના લાખો લોકો, આસામના વિવિધ જિલ્લાઓમાં રહેતા લોકો અને ત્રિપુરાના આદિવાસી સમુદાયોને લાભ થશે.
આ ખાસ વિકાસ પેકેજોની ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના હેઠળ એક નવી પહેલ છે. અગાઉના MoS-આધારિત પેકેજો (દા.ત., બોડો અને કાર્બી જૂથો માટે) શાંતિ નિર્માણ અને વિકાસમાં સકારાત્મક પરિણામો દર્શાવે છે.
પૃષ્ઠભૂમિ:
ભારત સરકાર, આસામ રાજ્ય સરકાર અને ત્રિપુરા વચ્ચે સંબંધિત વંશીય જૂથો (આદિવાસી જૂથો - 2022, DNLA/DPSC - 2023, ULFA - 2023, NLFT/ATTF - 2024) સાથે સમાધાનના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MoSsનો ઉદ્દેશ્ય માળખાગત સુવિધાઓ અને સામાજિક-આર્થિક પ્રોજેક્ટ્સ દ્વારા શાંતિ, સમાવિષ્ટ વિકાસ અને પુનર્વસનને પ્રોત્સાહન આપવાનો છે.
SM/NP/GP/JD
(Release ID: 2154167)