માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ભાવનગરના મેયરશ્રીના હસ્તે થયું ઉદ્ઘાટન


વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને સ્વતંત્રતાનો ઉત્સવ, સ્વચ્છતાને સંગ એ અંગે માહિતીપ્રદ પ્રદર્શન

રાષ્ટ્રીય અભિયાનોમાં જન ભાગીદારી વધારવા પ્રદર્શન સાથે સ્પર્ધાઓ સહિત વિભિન્ન કાર્યક્રમોનું આયોજન

Posted On: 14 AUG 2025 4:42PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્રારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમનું  ઉદઘાટન ભાવનગરના મેયર ભરતભાઈ બારડનાં હસ્તે કરવામાં આવ્યું. શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ, આયુષ્માન નર્સિંગ કોલેજનાં ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા, MCI સ્કૂલનાં ટ્રસ્ટી દીપકભાઈ કલસરિયા,આયુષ્માન નર્સિંગ કોલેજનાં ટ્રસ્ટી ભરતસિંહ મોરી, રણજીતસર પ્રોફેશનલ ઇન્સ્ટિટયૂટનાં રણજિતસિંહ  વાળા તેમજ આયુષ્માન નર્સિંગ કોલેજનાં પ્રિન્સિપાલ સોનલબેન પાટીલની ઉપસ્થિતિમાં બે દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.

પ્રદર્શનને નિહાળી કાર્યક્રમને સંબોધતા ભાવનગરના મેયર ભરતભાઈ બારડે દેશના વિભાજન સમયની એ દારૂણ કથા અને અસંખ્ય લોકોના બલિદાનની ગાથા ને સચિત્ર માહિતી સાથે વર્ણવતા આ પ્રદર્શનની સરાહના કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે 14 ઓગસ્ટની દેશના ભાગલા સમયની એ પરિસ્થિતિ અને એ સમયના પરિવારોની વેદના અને વિસ્થાપિતો વિશેની જાણકારી જનજજન સુધી પહોંચાડે તેવા આ પ્રકારના કાર્યક્રમો ખરા અર્થમાં દેશના નાગરિકોને આપણા ઇતિહાસથી વાકેફ કરે છે અને દેશના લોકોમાં રાષ્ટ્ર ભાવનાની જ્યોતને પ્રજવલિત કરે છે.

કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 14 અને 15 બે દિવસ સુધી ભાવનગર શહેરમાં આયુષ્માન નર્સિંગ કોલેજ કેમ્પસ ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિતનાં કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ, સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાને સંગ અને હર ઘર તિરંગા અભિયાન એ ત્રણ મુખ્ય વિષયો સાથે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શનના પૂર્વ પ્રચારના ભાગરૂપે વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઊપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાના સંકલ્પ લેવામાં આવ્યા હતા સાથે જ ઉપસ્થિત સૌ લોકોએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી સ્વચ્છ ભારતના નિર્માણના શપથ લીધા હતા. કાર્યક્રમમાં કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

SM/DT/GP/JD


(Release ID: 2156415)