રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ

Posted On: 14 AUG 2025 7:40PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્તે!

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી, તમામ ભારતીયો ઉત્સાહ અને ઉમંગથી કરે છે. આ દિવસો આપણને ભારતીય હોવાના ગૌરવની વિશેષ યાદ અપાવે છે.

પંદર ઓગસ્ટની તારીખ આપણી સામૂહિક સ્મૃતિમાં ઊંડાણ સુધી અંકિત છે. બ્રિટિશ શાસનના લાંબા સમયગાળા દરમિયાન, દેશવાસીઓની કેટલીય પેઢીઓએ સપનું જોયું હતું કે એક દિવસ દેશ સ્વતંત્ર થશે. દેશના દરેક ભાગમાં રહેતા પુરુષો અને મહિલાઓ, વડીલો અને યુવાનો, વિદેશી શાસનના બંધનોની બેડીઓ તોડી નાખવા માટે વ્યાકુળ હતા. તેમના સંઘર્ષમાં નિરાશા નહીં પરંતુ આશાની મજબૂત ભાવના હતી. આશાની એ જ ભાવના, સ્વતંત્રતા પછી આપણી પ્રગતિને ઊર્જા આપતી રહી છે. કાલે, જ્યારે આપણે આપણા તિરંગાને સલામી આપીશું, ત્યારે આપણે એ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ શ્રદ્ધાંજલિ આપીશું, જેમના બલિદાનના બળ પર ભારતે 78 વર્ષ પહેલાં પંદર ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી.

આપણી સ્વતંત્રતા પાછી મેળવ્યા પછી, આપણે લોકશાહીના એક એવા માર્ગ પર આગળ વધ્યા જેમાં પુખ્ત વયના બધા લોકોને મતદાનનો અધિકાર હતો. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે, ભારતના લોકોએ, પોતાને આપણું ભાગ્ય ઘડવાનો અધિકાર આપ્યો. ઘણી લોકશાહી વ્યવસ્થાઓમાં, લિંગ, ધર્મ અને અન્ય આધારો પર લોકોના મતાધિકારો પર પ્રતિબંધો મૂકવામાં આવતા હતા. પરંતુ, આપણે એવું ન કર્યું. પડકારો હોવા છતાં, ભારતના લોકોએ લોકશાહીને સફળતાપૂર્વક અપનાવી. લોકશાહી અપનાવવી એ આપણા પ્રાચીન લોકશાહી મૂલ્યોની સહજ અભિવ્યક્તિ હતી. ભારતની ભૂમિ વિશ્વના સૌથી પ્રાચીન પ્રજાસત્તાકોની ભૂમિ રહી છે. તેને લોકશાહીની જનેતા કહેવી તદ્દન યોગ્ય છે. આપણા દ્વારા અપનાવવામાં આવેલા બંધારણના પાયા પર, આપણી લોકશાહીની ઇમારતનું નિર્માણ થયું છે. આપણે લોકશાહી પર આધારિત એવી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે જેનાથી લોકશાહી કાર્યશૈલીને મજબૂતી મળી છે. આપણા માટે, આપણું બંધારણ અને આપણી લોકશાહી સર્વોપરી છે.

અતિત પર નજર કરીએ તો, આપણે દેશના ભાગલાથી થયેલા દુ:ખને ક્યારેય ભૂલવું ન જોઈએ. આજે આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવ્યો. ભાગલાના કારણે ભયાનક હિંસા થઈ અને લાખો લોકોને સ્થળાંતરણ કરવાની ફરજ પડી. આજે આપણે ઇતિહાસની ભૂલોનો ભોગ બનેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

પ્રિય દેશવાસીઓ,

આપણા બંધારણમાં એવા ચાર મૂલ્યોનો ઉલ્લેખ છે, જે આપણી લોકશાહીને મજબૂત બનાવી રાખતા ચાર સ્તંભો છે. આ મૂલ્યો ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો છે. આ આપણી સભ્યતાના એવા સિદ્ધાંતો છે જેને આપણે સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન પુનર્જીવિત કર્યા હતા. મારું માનવું છે કે, આ બધા મૂલ્યોના મૂળમાં વ્યક્તિની ગરિમાનો ખ્યાલ રહેલો છે. દરેક વ્યક્તિ સમાન છે, અને દરેકનો અધિકાર છે કે તેમની સાથે ગરિમાપૂર્ણ વર્તન થાય. સ્વાસ્થ્ય સંભાળ અને શિક્ષણ સુવિધાઓ સુધી દરેકની સમાન પહોંચ હોવી જોઈએ. સૌને સમાન તકો મળવી જોઈએ. જે લોકો પરંપરાગત વ્યવસ્થાને કારણે વંચિત રહી ગયા હતા, તેમને મદદની જરૂર હતી.

આ સિદ્ધાંતોને સર્વોપરી રાખીને, આપણે 1947 માં એક નવી સફરની શરૂઆત કરી. લાંબા સમય સુધી વિદેશી શાસન પછી, સ્વતંત્રતા સમયે, ભારત અત્યંત ગરીબીનો સામનો કરી રહ્યું હતું. પરંતુ, ત્યારથી અત્યાર સુધીનાં 78 વર્ષમાં, આપણે તમામ ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે. ભારત આત્મનિર્ભર રાષ્ટ્ર બનવાના માર્ગ પર ઘણું આગળ નીકળી ગયું છે અને વધુ પ્રબળ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.

આર્થિક ક્ષેત્રમાં, આપણી સિદ્ધિઓ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ગયા નાણાકીય વર્ષમાં 6.5 ટકાના કુલ ઘરેલુ ઉત્પાદ વૃદ્ધિ દર સાથે ભારત, વિશ્વના મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી પ્રગતિ કરનારો દેશ છે. વૈશ્વિક અર્થતંત્રમાં સમસ્યાઓ પ્રવર્તેલી હોવા છતાં, સ્થાનિક માંગ ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ફુગાવો નિયંત્રણમાં છે. નિકાસ વધી રહી છે. બધા મુખ્ય સૂચકાંકો અર્થતંત્રની મજબૂત સ્થિતિ બતાવે છે. આ, આપણા શ્રમિકો અને ખેડૂત ભાઈ-બહેનોના સખત પરિશ્રમ અને સમર્પણની સાથે-સાથે, સારી રીતે વિચારીને કરેલા સુધારા અને કાર્યક્ષમ આર્થિક મેનેજમેન્ટનું પણ પરિણામ છે.

સુશાસનના માધ્યમથી, મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સરકાર ગરીબો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. જે લોકો ગરીબી રેખાથી ઉપર તો આવી ગયા છે પરંતુ મજબૂત સ્થિતિમાં નથી, તેમને પણ આવી યોજનાઓની સુરક્ષા ઉપલબ્ધ છે જેથી તેઓ ફરીથી ગરીબી રેખાથી નીચે ન જતા રહે. આ કલ્યાણકારી પ્રયાસો સામાજિક સેવાઓ પર વધી રહેલા ખર્ચમાં પ્રતિબિંબિત થાય છે. આવકની અસમાનતા ઘટી રહી છે. પ્રાદેશિક અસમાનતાઓ પણ ઘટી રહી છે. જે રાજ્યો અને પ્રદેશો અગાઉ નબળા આર્થિક દેખાવ માટે જાણીતા હતા તેઓ હવે તેમનું સાચું સામર્થ્ય બતાવી રહ્યા છે અને અગ્રણી રાજ્યોની બરાબરી કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

આપણા અગ્રણી ઉદ્યોગપતિઓ, નાના અને મધ્યમ ઉદ્યોગ-સાહસિકો અને વેપારીઓએ હંમેશા કંઈક કરી બતાવવાની ભાવનાનો પરિચય આપ્યો છે. સમૃદ્ધિ સર્જનના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાની જરૂર હતી. વિતેલા દાયકા દરમિયાન, માળખાગત વિકાસમાં આ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. આપણે ભારતમાલા પરિયોજના હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કનું વિસ્તરણ અને મજબૂતીકરણ કર્યું છે. રેલ્વેએ પણ આવિષ્કારને પ્રોત્સાહન આપ્યું છે અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ નવા પ્રકારની ટ્રેનો અને કોચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર ખીણમાં રેલ કનેક્ટિવિટીનો શુભારંભ એક મોટી સિદ્ધિ છે. ભારતના બાકીના હિસ્સા સાથે ખીણનો રેલ સંપર્ક, આ ક્ષેત્રમાં વેપાર અને પર્યટનને વેગ આપશે તેમજ નવી આર્થિક સંભાવનાઓના દરવાજા ખોલશે. કાશ્મીરમાં, એન્જિનિયરિંગની આ અસાધારણ સિદ્ધિ આપણા દેશ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.

દેશમાં શહેરીકરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. તેથી, શહેરોની સ્થિતિ સુધારવા પર સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. શહેરી પરિવહનનાં મુખ્ય ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપીને, સરકારે મેટ્રો રેલની સુવિધાઓનું વિસ્તરણ કર્યું છે. છેલ્લા દાયકા દરમિયાન, મેટ્રો રેલ સેવાની સુવિધાથી સજ્જ શહેરોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. શહેરોના કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટે અટલ મિશન, એટલે કે 'અમૃત'થી સુનિશ્ચિત થયું છે કે, વધુને વધુ ઘરોમાં નળ દ્વારા પાણીનો ભરોસાપાત્ર પુરવઠો પહોંચે અને ગટરના જોડાણની સુવિધા ઉપલબ્ધ થાય.

સરકાર માને છે કે, જીવનની મૂળભૂત સુવિધાઓ પર નાગરિકોનો હક છે. 'જલ જીવન મિશન' હેઠળ, ગામડાંના ઘરોમાં નળ દ્વારા પાણી પૂરું પાડવામાં પ્રગતિ થઈ રહી છે.

પોતાની રીતે વિશ્વની સૌથી મોટી આરોગ્ય-સેવા યોજના, 'આયુષ્માન ભારત' હેઠળ, વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તે પ્રયાસોનાં પરિણામ સ્વરૂપે, આપણે આરોગ્ય-સેવા ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનો જોઈ રહ્યા છીએ. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં, 55 કરોડથી વધુ લોકોને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે, તેમની આવકને ધ્યાનમાં લીધા વિના, આ યોજના ઉપલબ્ધ કરાવી છે. આરોગ્ય-સેવાઓની પહોંચ સાથે જોડાયેલી અસમાનતા દૂર થવાથી, ગરીબ અને નીચલા-મધ્યમ વર્ગના લોકો પણ શ્રેષ્ઠ શક્ય આરોગ્ય-સેવાઓ મેળવી રહ્યા છે.

આ ડિજિટલ યુગમાં, સ્વાભાવિક છે કે, ભારતમાં સૌથી વધુ પ્રગતિ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં થઈ છે. લગભગ તમામ ગામડાંમાં 4G મોબાઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. બાકી રહેલા કેટલાક હજાર ગામડાઓમાં પણ આ સુવિધા ટૂંક સમયમાં પહોંચાડી દેવામાં આવશે. આનાથી ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજીને મોટા પાયે અપનાવવાનું શક્ય બન્યું છે. ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારત, ટૂંકા ગાળામાં જ વિશ્વનો અગ્રણી દેશ બની ગયો છે. આનાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરને પણ પ્રોત્સાહન મળ્યું છે, અને કોઈપણ અવરોધ અને લીકેજ વિના લક્ષિત લાભાર્થીઓ સુધી કલ્યાણકારી ચુકવણીઓ પહોંચાડવાનું સુનિશ્ચિત થઈ રહ્યું છે. દુનિયામાં થઈ રહેલા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી અડધાથી વધુ વ્યવહારો ભારતમાં થાય છે. આવા ફેરફારોથી, એક ગતિશીલ ડિજિટલ અર્થતંત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું યોગદાન, દેશના કુલ ઘરેલુ ઉત્પાદમાં દર-વર્ષે વધી રહ્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ટેકનોલોજીકલ પ્રગતિનું આગળનું પગલું છે, જેણે આપણા જીવનમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. સરકારે દેશની AI ક્ષમતાઓને મજબૂત કરવા માટે India-AI મિશન શરૂ કર્યું છે. આ મિશન હેઠળ, એવા મોડેલો વિકસાવવામાં આવશે જે ભારતની વિશિષ્ટ જરૂરિયાતોને પૂરી કરશે. આપણે 2047 સુધીમાં ભારતને ગ્લોબલ AI હબ બનાવવા માંગીએ છીએ. આ દિશામાં, સામાન્ય લોકો માટે ટેકનોલોજીકલ પ્રગતિનો સર્વોત્તમ ઉપયોગ અને વહીવટી તંત્રમાં સુધારો કરીને તેમના જીવનને બહેતર બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

સામાન્ય માણસના જીવનને બહેતર બનાવવા માટે, વ્યવસાયને સરળ બનાવવાની સાથે-સાથે જીવનને સરળ બનાવવા પર પણ એટલો જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિકાસ ત્યારે જ સાર્થક બને છે જ્યારે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી મદદ પહોંચે અને તેમના માટે નવી તકો ઉપલબ્ધ થાય. આ ઉપરાંત, આપણે દરેક શક્ય ક્ષેત્રમાં, આપણી આત્મનિર્ભરતા વધારી રહ્યા છીએ. આનાથી, આપણો આત્મવિશ્વાસ વધ્યો છે અને વિકસિત ભારત બનવાની આપણી સફરની ગતિ ઝડપી બની છે.

ગયા અઠવાડિયે, 7 ઓગસ્ટના રોજ, દેશમાં 'રાષ્ટ્રીય હાથશાળ દિવસ' ઉજવવામાં આવ્યો. આ દિવસ ઉજવવાનો હેતુ આપણા વણકરોનું અને તેમના ઉત્પાદનોનું સન્માન કરવાનો છે. આપણા સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન, 1905માં શરૂ કરવામાં આવેલી સ્વદેશી ચળવળની યાદમાં, વર્ષ 2015થી, દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીએ ભારતીય કારીગરો અને કસબીઓના લોહી અને પરસેવાથી બનેલા ઉત્પાદનો અને તેમના અજોડ કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશીની ભાવનાને વધુ મજબૂત કરી હતી. સ્વદેશીનો વિચાર 'મેક-ઇન-ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત અભિયાન' જેવા રાષ્ટ્રીય પ્રયાસોને પ્રેરણા આપી રહ્યો છે. આપણે બધાએ સંકલ્પ લેવાનો છે કે આપણે આપણા દેશમાં બનેલા ઉત્પાદનો ખરીદીશું અને તેનો ઉપયોગ કરીશું.

પ્રિય દેશવાસીઓ,

સામાજિક ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોથી સર્વાંગી આર્થિક વિકાસના બળ પર ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે, અમૃતકાળના આ સમયમાં, આગળ વધવાની રાષ્ટ્રીય યાત્રામાં બધા દેશવાસીઓ તેમની ક્ષમતા મુજબ મહત્તમ યોગદાન આપશે. મારું માનવું છે કે, સમાજના ત્રણ એવા વર્ગો છે જે આપણને પ્રગતિના આ માર્ગ પર આગળ લઈ જશે. આ ત્રણ વર્ગો છે - આપણા યુવાનો, મહિલાઓ અને એવા સમુદાયો, જે લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા રહ્યા છે.

આખરે, આપણા યુવાનોને તેમનાં સપનાં સાકાર કરવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ મળી ગઈ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી દૂરગામી ફેરફારો લાવવામાં આવ્યા છે. શિક્ષણને જીવન મૂલ્યો અને કૌશલ્યને પરંપરા સાથે જોડવામાં આવ્યું છે. રોજગારની તકો ઝડપથી વધી રહી છે. ઉદ્યોગસાહસિકતાની આકાંક્ષા ધરાવતા લોકો માટે સરકારે સૌથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે. યુવા પ્રતિભાઓની ઊર્જાથી શક્તિ મેળવીને, આપણા અવકાશ કાર્યક્રમનું અભૂતપૂર્વ રીતે વિસ્તરણ થયું છે. મને વિશ્વાસ છે કે, શુભાંશુ શુક્લાની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની યાત્રાએ એક આખી પેઢીને ઊંચા સપનાં જોવાની પ્રેરણા આપી છે. આ અવકાશ યાત્રા ભારતના આગામી માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ 'ગગનયાન' માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. નવા આત્મવિશ્વાસથી ભરપૂર આપણા યુવાનો રમતજગતમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ચેસમાં હવે ભારતના યુવાનો પહેલાં ક્યારેય નહોતું એટલું પ્રભુત્વ ધરાવે છે. રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025માં સમાવેલા વિઝનને અનુરૂપ, અમે એવા આમૂલ ફેરફારોની કલ્પના કરી રહ્યા છીએ જેના આધારે, ભારત વૈશ્વિક રમતગમત મહાસત્તા તરીકે ઉભરી આવશે.

આપણી દીકરીઓ આપણું ગૌરવ છે. તેઓ સંરક્ષણ અને સુરક્ષા સહિત દરેક ક્ષેત્રમાં અવરોધોને ઓળંગીને આગળ વધી રહી છે. રમતગમતને શ્રેષ્ઠતા, સશક્તિકરણ અને ક્ષમતાઓનું મહત્વપૂર્ણ સૂચક માનવામાં આવે છે. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ માટે 'ફિડે મહિલા વિશ્વ કપ'ની ફાઇનલ મેચ, ભારતની 19 વર્ષની એક દીકરી અને 38 વર્ષની એક ભારતીય મહિલા વચ્ચે રમાઈ હતી. આ સિદ્ધિ, પેઢી-દર-પેઢી, આપણી મહિલાઓમાં રહેલી વિશ્વ કક્ષાની નિરંતર શ્રેષ્ઠતાને રેખાંકિત કરે છે. રોજગારમાં લૈંગિક અંતરાય પણ ઘટી રહ્યો છે. 'નારી શક્તિ વંદન અધિનિયમ'થી, નારી સશક્તિકરણ હવે માત્ર એક સૂત્ર નથી રહ્યું, પરંતુ વાસ્તવિકતા બની ગયું છે.

આપણા સમાજનો એક મોટો હિસ્સો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને અન્ય સમુદાયોના લોકો છે. આ સમુદાયોના લોકો હવે હાંસિયામાં ધકેલાયેલા હોવાની છાપને દૂર કરી રહ્યા છે. તેમની સામાજિક અને આર્થિક આકાંક્ષાઓને સાકાર કરવા માટે, સક્રિય પ્રયાસો દ્વારા, સરકાર તેમની મદદ કરી રહી છે.

ભારત હવે તેની સાચી ક્ષમતા પ્રાપ્ત કરવાની દિશામાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આપણા સુધારાઓ અને નીતિઓથી, વિકાસનો એક અસરકારક મંચ તૈયાર થયો છે. આ તૈયારીના બળે, હું એક ઉજ્જવળ ભવિષ્ય જોઈ શકું છું, જ્યાં આપણે બધા આપણી સામૂહિક સમૃદ્ધિ અને સુખાકારીમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપી રહ્યા હોઈશું.

તે ભવિષ્ય તરફ, આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા અપનાવીને, અટલ સુશાસન સાથે આગળ વધી રહ્યા છીએ. આ સંદર્ભમાં, મને મહાત્મા ગાંધીની એક મહત્વપૂર્ણ વાત યાદ આવી રહી છે. ગાંધીજીએ કહ્યું હતું અને હું પુનરાવર્તન કરું છું:

"ભ્રષ્ટાચાર અને દંભ, લોકશાહીના અનિવાર્ય પરિણામો ન હોવા જોઈએ."

આપણે બધા સંકલ્પ લઈએ કે, આપણે ગાંધીજીના આ આદર્શને અમલમાં મૂકીશું અને ભ્રષ્ટાચારને ધરમૂળમાંથી નાબૂદ કરીશું.

પ્રિય દેશવાસીઓ,

આ વર્ષે, આપણે આતંકવાદનો ડંખ સહન કરવો પડ્યો. કાશ્મીરમાં ફરવા આવેલા નિર્દોષ નાગરિકોની હત્યા, કાયરતાપૂર્ણ અને સંપૂર્ણપણે અમાનવીય હતી. ભારતે પોલાદી સંકલ્પ સાથે નિર્ણાયક રીતે તેનો જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂરે બતાવી દીધું કે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે, ત્યારે આપણા સશસ્ત્ર દળો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ હોય છે. વ્યૂહાત્મક સ્પષ્ટતા અને ટેકનિકલ કૌશલ્ય સાથે, આપણી સેનાએ સરહદ પાર આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. મને વિશ્વાસ છે કે, ઓપરેશન સિંદૂર, આતંકવાદ સામે માનવજાતની લડાઈમાં એક દૃષ્ટાંત તરીકે ઇતિહાસમાં અંકિત થશે.

આપણી એકતા જ આપણી જવાબી કાર્યવાહીની સૌથી મોટી વિશેષતા હતી. આ એકતા જ, એવા તમામ તત્વોને આપેલો સૌથી સ્પષ્ટ જવાબ પણ છે, જેઓ આપણને વિભાજિત જોવા માંગે છે. ભારતના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરવા માટે, વિવિધ દેશોમાં ગયેલા સંસદસભ્યોના બહુપક્ષીય પ્રતિનિધિમંડળોમાં પણ આ એકતા જોવા મળી હતી. વૈશ્વિક સમુદાયે ભારતની નીતિની નોંધ લીધી છે કે, આપણે આક્રમક નહીં બનીએ, પરંતુ આપણા નાગરિકોની સુરક્ષા માટે વળતી કાર્યવાહી કરવામાં સંકોચ નહીં રાખીએ.

ઓપરેશન સિંદૂર, સંરક્ષણ ક્ષેત્રમાં 'આત્મનિર્ભર ભારત મિશન'નું પરીક્ષણ કરવાની તક પણ હતી. હવે એ સાબિત થઈ ગયું છે કે, આપણે સાચા માર્ગે છીએ. આપણું સ્વદેશી વિનિર્માણ એક નિર્ણાયક સ્તરે પહોંચી ગયું છે, જ્યાં આપણે આપણી ઘણી સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં પણ આત્મનિર્ભર બની ગયા છીએ. આ સિદ્ધિઓ સ્વતંત્ર ભારતના સંરક્ષણ ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત છે.

પ્રિય દેશવાસીઓ,

આ અવસર પર, હું તમને બધાને પર્યાવરણના રક્ષણ માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરવાનો અનુરોધ કરું છું. આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવા માટે, આપણે આપણામાં પણ કેટલાક ફેરફારો કરવા પડશે. આપણે આપણી આદતો અને આપણા વૈશ્વિક દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવું પડશે. આપણે આપણી ધરતી, નદીઓ, પર્વતો, વૃક્ષો -છોડ અને જીવ-જંતુઓ સાથેના આપણા સંબંધોને પણ બદલવો પડશે. આપણે સૌ આપણા યોગદાનથી, એક એવી પૃથ્વી છોડીને જઈએ જ્યાં જીવન તેના કુદરતી સ્વરૂપમાં ખીલતું રહે.

પ્રિય દેશવાસીઓ,

આપણી સરહદોનું રક્ષણ કરનારા સૈનિકો, પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો પર મારું ધ્યાન વિશેષરૂપે જાય છે. હું ન્યાયતંત્ર અને નાગરિક સેવાઓના સભ્યોને પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું. હું, વિદેશમાં સ્થિત ભારતીય દૂતાવાસોમાં કાર્યરત ભારતીય અધિકારીઓ તેમજ પ્રવાસી ભારતીયોને પણ સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું!

ફરી એકવાર, હું તમને બધાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું.

ધન્યવાદ

જય હિન્દ!

જય ભારત!

 


(Release ID: 2156548)