યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદર માત્ર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ નહીં પરંતુ દેશના સ્વાતંત્ર્ય આંદોલનનો પ્રેરણાસ્ત્રોત પણ છે : ડૉ. મનસુખ માંડવીયા


સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પોરબંદરમાં રાજ્યપાલ, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં “વંદન તને પોરબંદર” ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ

Posted On: 14 AUG 2025 7:31PM by PIB Ahmedabad

પોરબંદરના માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં 180થી વધુ કલાકારોએ કથ્થક, ભરતનાટ્યમ્, લોકનૃત્ય, દેશભક્તિ ગીતો અને નાટ્યાંશો દ્વારા પોરબંદરની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગાથા રજૂ કરી. સમાજ માટે ઉત્તમ કાર્ય કરનાર સમાજસેવીઓનું શાલ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્નથી અદકેરું સન્માન કરાયું.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે સ્વતંત્રતા પર્વ એ વીરોને યાદ કરવાનો અવસર છે અને સ્વદેશી અપનાવી આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ માટે કટિબદ્ધ થવું સમયની જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સૈનિક શક્તિનો પરચો આપવામાં આવ્યો છે. તેમણે રાષ્ટ્રીય ભાવના મજબૂત કરવા, વ્યસનમુક્ત સમાજ, પર્યાવરણ રક્ષણ અને સારા સંસ્કારોનું સિંચન કરવાનો આહવાન કર્યો.

મુખ્યમંત્રીશ્રીએ પોરબંદરને રૂ. 174 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, જેમાં મોકરસાગર જળાશયને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો, ચોપાટી–કીર્તીમંદિર વિકાસ, એરપોર્ટ રનવે લંબાઈ વધારો અને પૂર-ખારાશ નિવારણ માટેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમણે “વિકાસ ભી, વિરાસત ભી”નો મંત્ર આપતા પોરબંદરની આઝાદીમાં આપેલા યોગદાન અને સાંસ્કૃતિક ગૌરવનો ઉલ્લેખ કર્યો.

શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોતાના સંબોધનમાં પોરબંદરની ઐતિહાસિક મહત્તા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે આ ભૂમિ માત્ર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જ નહીં પરંતુ દેશના સ્વાતંત્ર્ય આંદોલનનો પ્રેરણાસ્ત્રોત પણ છે. તેમણે જણાવ્યું કે પોરબંદર જિલ્લાએ માત્ર આઝાદીની લડતમાં નહીં પરંતુ રાષ્ટ્રના વિકાસમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. દેશના આરોગ્ય, પર્યાવરણ અને પર્યટન ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા યોજનાઓમાં પોરબંદરનો વિશેષ લાભ થયો છે.

તેમણે ખાસ કરીને "ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ" અને “સ્વચ્છ ભારત અભિયાન” જેવી પહેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પોરબંદરના નાગરિકોએ આ અભિયાનને જીવનશૈલી તરીકે અપનાવીને દેશને પ્રેરણા આપી છે. સમુદ્રકાંઠે પર્યટન સુવિધાઓનો વિકાસ, માછીમાર સમાજના કલ્યાણ માટેની યોજનાઓ અને દરિયાઈ સુરક્ષા માટે આધુનિક સુવિધાઓના વિસ્તરણ પર પણ તેમણે વિગતવાર વાત કરી હતી.

શ્રી માંડવીયાએ યુવાનોને સંબોધતાં કહ્યું કે દેશના ભવિષ્યના નિર્માણમાં તેમનું યોગદાન અગત્યનું છે. ટેકનોલોજી, નવીનતા અને પર્યાવરણ સંતુલનના મિશ્રણથી ભારત 21મી સદીમાં વિશ્વને માર્ગદર્શન આપનાર રાષ્ટ્ર બની શકે છે. તેમણે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે “જનભાગીદારી”ના મંત્રને સર્વોત્તમ ગણાવ્યો.

કાર્યક્રમમાં ગાંધીજીની ગૌરવગાથા, સુદામા-કૃષ્ણ મિલન, મીઠાનો સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન, ઓપરેશન સિંદૂર સહિત પોરબંદરની શૌર્ય અને સેવા પરંપરા ઉજાગર થઈ. નૃત્ય-સંગીત અને નાટ્યાંશો દ્વારા શહેરનો ઐતિહાસિક વારસો અને લોકસંસ્કૃતિ જીવંત થઈ.

આ તકે ‘પોરબંદર પરિવર્તનના પંથે’ કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું અને મહાનુભાવોએ પોરબંદરની પ્રગતિ તથા રાષ્ટ્રીય ચેતનાની ઉજવણી માટે શુભકામનાઓ પાઠવી હતી.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2156692)