શ્રમ અને રોજગાર મંત્રાલય
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ગૌરવભેર ઉજવણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 79મો સ્વતંત્રતા પર્વ પોરબંદર જિલ્લાવાસીઓ માટે યાદગાર બન્યો
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણીમાં રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ
Posted On:
15 AUG 2025 7:59PM by PIB Ahmedabad
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 79મા સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સહિત વિવિધ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

મુખ્યમંત્રીશ્રીએ 1960માં ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી શરૂ થયેલી વિકાસયાત્રાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 21મી સદીમાં નવી દિશા, નવી ઉર્જા અને વેગ મળ્યા છે, તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે રાજ્યના નાગરિકોને 79મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જાહેર કર્યું કે, વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થાય છે, ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને વધુ લોકાભિમુખ વહીવટના નવા આયામો સિદ્ધ કરવા ‘સમૃદ્ધ રાજ્ય, સમર્થ નાગરિક’ના ધ્યેય સાથે ‘એજન્ડા ફોર 2035 સરકાર લાવી રહી છે.

પ્રધાનમંત્રીશ્રીએ આપેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યના આધારે ‘વિકસિત ગુજરાત 2047’ના વિઝનને સાકાર કરવા માટે આ ‘એજન્ડા 2035 હોલ ઓફ ગવર્મેન્ટના અભિગમ સાથે દિશાસૂચક બનશે એમ પણ તેમણે સ્વતંત્રતા દિવસ અવસરે નાગરિક સંબોધનમાં ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ ‘એજન્ડા 2035’ના ફ્રેમવર્કમાં રાજ્ય વ્યાપી આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવી, નાગરિકોને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ કરવા ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઇનોવેશન આધારિત વિકાસ માટેની ઇકો સિસ્ટમ અને નવી ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે યુવા વર્ગને તૈયાર કરવા સહિતના પાસાઓને આવરી લેવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય શ્રમ–રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા, ભાગવત કથાકાર સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી અર્જુન મોઢવાડિયા અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડની રાષ્ટ્રગીત સુરાવલી અને પરેડ સાથે આ ધ્વજવંદના કરાવી હતી.
MQMG.JPG)
તેમણે આ અવસરે પોરબંદરને આંગણેથી રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ અને સમયબદ્ધ શહેરી વિકાસ આયોજનની મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શહેરોની સાથે ગામોના પણ વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટ માટે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ જાહેર કરતા જણાવ્યું કે જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરીને તેને શહેરી તર્જ ઉપર વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 100 કરોડની ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ લાવ્યા છીએ.
મુખ્યમંત્રીએ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે 12 ‘ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર’, ડીસાથી પીપાવાવ ‘નમો શક્તિ એક્સપ્રેસ વે’ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજનની વાતો વર્ણવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સુરક્ષા–સલામતી, આરોગ્ય સુખાકારી, બાળકોને પૌષ્ટિક પુરક આહાર માટેની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની સફળતાઓ પણ પ્રસ્તુત કરી હતી.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ 2.0’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી રમેશભાઈ ઓઝાએ માધવાણી કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વનાં રાજ્ય કક્ષાનાં આ સમારોહમાં રાજ્યપાલ મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ભાગવતાચાર્યશ્રી રમેશભાઈ ઓઝા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પૂર્વ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર શ્રી એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી.ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી એચ.જે.પ્રજાપતિ, જિલ્લા પોલીસવડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અગ્રણીશ્રી ચેતનાબેન તિવારી, શ્રી સાગર મોદી સહિત પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2156974)