પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે: મહેસૂલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ₹1218 વિકાસકાર્યોની ભેટ આપશે
પ્રધાનમંત્રીશ્રી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં વીજ વિતરણને લગતા ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે; 4.25 લાખ ગ્રાહકોને થશે લાભ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે
Posted On:
23 AUG 2025 6:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.
અમદાવાદ: વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર
પ્રધાનમંત્રીશ્રીના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં ₹608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.
મહેસાણા: અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્કથી 1.36 લાખ ગ્રાહકોને લાભ થશે
મહેસાણામાં ₹221 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સેવાની ગુણવત્તા, જાહેર સલામતી અને પ્રતિકૂળ હવામાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટથી 1,36,072 ગ્રાહકોને લાભ થશે.
ગાંધીનગર શહેરમાં વીજળી વિતરણની ભૂગર્ભ સિસ્ટમનો પ્રોજેક્ટ ₹178 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જેનો લાભ 86,014 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય 2024-25 સુધીમાં વીજળીના નુકસાનને 12-15%ના રાષ્ટ્રીય બેન્ચમાર્ક સુધી ઘટાડવાનો, પુરવઠા ખર્ચ અને આવક વચ્ચેના અંતરને દૂર કરવાનો અને નાણાકીય રીતે ટકાઉ, કાર્યક્ષમ વીજ વિતરણ પ્રણાલી બનાવવાનો છે.
ઉત્તર ગુજરાતમાં કુલ 4,25,000 ગ્રાહકોને વિવિધ પ્રકલ્પોનો લાભ મળશે
આ ઉપરાંત, અમદાવાદમાં બે હાઈ-કૅપેસિટીવાળા સબસ્ટેશન શહેરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવશે. ₹75 કરોડનું 66 kV ગોતા સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,634 ગ્રાહકોને અવિરત વીજળી પૂરી પાડશે, જ્યારે ₹39 કરોડનું 66 kV ચાંદખેડા-II સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,149 ગ્રાહકોને વીજળી પૂરી પાડશે. આ ઉપરાંત, નવા જોડાણો બનાવવામાં અને શહેરી વીજળી પુરવઠાને વધુ સ્થિર બનાવવામાં પણ મદદ મળશે. ઉત્તર ગુજરાતમાં કુલ મળીને 4,25,000 ગ્રાહકોને આ પ્રકલ્પોનો લાભ થશે.
₹96 કરોડના ખર્ચે મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરશે. ગાંધીનગરમાં અંદાજિત ₹62 કરોડના ખર્ચે બનનારું રાજ્ય સ્તરીય લૅન્ડ ડેટા સ્ટોરેજ સેન્ટર છ માળનું હશે જેમાં કોમ્પેક્ટર્સ, સંગ્રહાલય અને કૉન્ફરન્સ હૉલ જેવી સુવિધા હશે. આ સેન્ટર જમીન અને મહેસૂલ સંબંધિત મહત્વપૂર્ણ રેકોર્ડ્સ સંગ્રહિત કરવા માટેનું એક સુરક્ષિત રાજ્ય-સ્તરીય કેન્દ્ર હશે. અહીં, મહેસૂલ વિભાગની નકલો વિશ્વસનીય બૅકઅપ તરીકે રાખવામાં આવશે, અને મહેસૂલ અને સર્વેક્ષણ વિભાગોની સંવેદનશીલ માહિતી ભવિષ્યના ઉપયોગ માટે સુરક્ષિત રીતે સાચવવામાં આવશે.
અમદાવાદ (પશ્ચિમ)માં જે સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવન ₹34 કરોડના ખર્ચે તૈયાર થશે, તેનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ભવન મહેસૂલને લગતી તમામ સેવાઓનું કેન્દ્રીકરણ કરશે, જેનાથી નાગરિકોને એક જ સ્થળેથી સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન વિભાગ સુધીની પહોંચ મળશે. આ બહુમાળી ભવનમાં એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ ઝોન), અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ જિલ્લો), અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ્સ-1 અને સ્ટેમ્પ્સ-2 તેમજ જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાંથી રજિસ્ટ્રેશન સંબંધિત રેકોર્ડ સાચવવાની સુવિધાઓ હશે. આ ભવનને બનવામાં લગભગ 17 મહિના લાગશે. ગુજરાતમાં ઊર્જા અને મહેસૂલ વિભાગના આ મુખ્ય પ્રોજેક્ટ્સ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને મહેસૂલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.
(Release ID: 2160184)