જળશક્તિ મંત્રાલય
વંદે ભારત એક્સપ્રેસને નવસારી જિલ્લામાં સ્ટોપેજ મળ્યું, કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલે નવસારી સ્ટેશન પર ટ્રેનનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રેલવે ક્ષેત્રે સતત વિકાસ કાર્ય થઈ રહ્યા છે, જેના કારણે આજે રેલવેનો પ્રવાસ સૌથી સુખદ પ્રવાસ છે- કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ સહિત વિવિધ મહાનુભાવો દ્વારા ટ્રેનને ફ્લેગઓફ
મુંબઇ –અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવસારી જિલ્લામાં સ્ટોપેજ મળતા નાગરિકોમા ખુશી
Posted On:
23 AUG 2025 8:51PM by PIB Ahmedabad
પશ્ચિમ રેલવે દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નં. 20902/20901)ને નવસારી સ્ટેશન પર નિયમિત સ્ટોપેજ મળતા સમગ્ર નવસારીવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ શુભ અવસર પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે આજે નવસારી સ્ટેશને પ્રથમ વખત ટ્રેન આવતા ટ્રેનને નારીયેળ કુમકુમથી વધાવી લીધી હતી. આજે પહેલી વખત નવસારીથી વંદે ભારત ટ્રેનનો લાભ લેતા મુસાફરોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ટ્રેનને ઉપાડવાનો સમય થતા કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નરેશભાઇ, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત વિવિધ મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને નવસારી જિલ્લાની સેવાનો શુભારંભ કરાવ્યો હતો.

પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યું કે – વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેવી અદ્યતન સુવિધાયુક્ત, ઝડપી અને આરામદાયક ટ્રેનનો સ્ટોપેજ હવે નવસારીને મળ્યો છે. જેથી નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આજે આનંદનો દિવસ છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રેલવે ક્ષેત્રે સતત વિકાસ કાર્ય થઈ રહ્યા છે. જેના કારણે નાગરિકોની અપેક્ષા પણ વધી છે. જેનુ જીવંત ઉદાહરણ નવસારીના નાગરિકોને વંદેભારત ટ્રેનનું મળેલુ સ્ટોપેજ છે. લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઇ આજે નવસારી જિલ્લા સહિત આ વિસ્તારના નાગરિકોની માંગણી પૂર્ણ થઈ છે. જેનાથી વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે. રેલવે મંત્રાલય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સતત નવી સેવાઓ ઉમેરતું રહ્યું છે. જેના કારણે આજે રેલવેનો પ્રવાસ સૌથી સુખદ પ્રવાસ છે.
K989.jpeg)
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે નવસારી સ્ટેશન પર વંદે ભારતનું સ્ટોપેજ શરૂ થવાથી નવસારી જિલ્લાનું દેશના અન્ય મોટા શહેરો સાથેનું જોડાણ વધુ મજબૂત બનશે જેના થકી નવસારી જિલ્લાના વિકાસમા મોટો ફાયદો થશે. નવસારીના લોકો આ સુવિધાનો પૂરો લાભ લેશે. આ ટ્રેન આપણી પ્રગતિની ગતિને વધુ તેજ કરશે. તેમણે ઉમેર્યું કે, નવસારી જિલ્લાની જરૂરીયાતને ધ્યાને રાખે અન્ય બે નવી સુપરફાસ્ટ ટ્રેનો તથા મેમુ ટ્રેનો અને નવસારી સ્ટેશનના વિકાસ માટે અન્ય સુવિધાઓ ઉભી કરવા પણ રજુઆત કરવામાં આવી છે.
વંદે ભારત ટ્રેનને નવસારી જિલ્લામાં સ્ટોપેજ મળતા થનારા મુખ્ય લાભો
• નવસારીથી અમદાવાદ અને મુંબઈ સુધીની મુસાફરી વધુ ઝડપી અને આરામદાયક બનશે.
• દક્ષિણ ગુજરાતના વેપારીઓ, વિદ્યાર્થીઓ તથા રોજિંદા મુસાફરોને મોટી રાહત.
• વંદે ભારત એક્સપ્રેસની આધુનિક સુવિધાઓ જેમ કે આરામદાયક બેઠકો, અત્યાધુનિક ટેકનોલોજી, સ્વચ્છતા અને સલામતીના માપદંડો હવે નવસારી સહિત આ વિસ્તારના નાગરીકો માટે ઉપલબ્ધ.
આ કાર્યક્રમમાં જિલ્લાનાં વિવિધ પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરી સહિત રેલવે અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
(Release ID: 2160235)