પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે
આ પ્રોજેક્ટ્સ શહેરી વિકાસ, ઉર્જા, રસ્તાઓ અને રેલવે અનેક ક્ષેત્રોને આવરી લે છે
મેક ઇન ઇન્ડિયાની સફળતાના મુખ્ય ઉદાહરણ તરીકે, પ્રધાનમંત્રી હાંસલપુર ખાતે 100થી વધુ દેશોમાં નિકાસ માટે સુઝુકીના પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન "ઇ વિટારા"ને લીલી ઝંડી આપશે
પ્રધાનમંત્રી ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે - જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક ઐતિહાસિક પગલું છે
Posted On:
24 AUG 2025 1:08PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. 25 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે, તેઓ અમદાવાદના ખોડલધામ મેદાન ખાતે 5,400 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
26 ઓગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુર ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને 100 દેશોમાં બેટરી ઇલેક્ટ્રિક વાહનોના નિકાસને લીલી ઝંડી આપશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.
વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી 1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. આમાં 530 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 65 કિલોમીટર લાંબી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, 860 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 37 કિલોમીટર લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઇન અને 40 કિલોમીટર લાંબી બેચરાજી-રનુજ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. બ્રોડ-ગેજ ક્ષમતાના ઉમેરા સાથે, આ પ્રોજેક્ટ્સ પ્રદેશમાં સરળ, સલામત અને વધુ સીમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે. આનાથી પ્રાદેશિક આર્થિક એકીકરણને પ્રોત્સાહન મળતાં દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરીમાં ઘણી સરળતા રહેશે. વધુમાં કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપવાથી ધાર્મિક સ્થળો સુધી સારી પહોંચ મળશે અને પાયાના સ્તરે આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે. બેચરાજીથી કોચ ફ્રેઇટ ટ્રેન સેવા રાજ્યના ઔદ્યોગિક કેન્દ્રો સાથે કનેક્ટિવિટી વધારશે, લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.
કનેક્ટિવિટી સુધારવા, મુસાફરોની સલામતી વધારવા અને પ્રાદેશિક વિકાસને વેગ આપવાના પોતાના વિઝનને આગળ ધપાવતા, પ્રધાનમંત્રી વિરમગામ-ખુદાદ-રામપુરા રોડ કે જે પહોળો કરવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર છ-લેન વાહન અંડરપાસ અને અમદાવાદ-વિરમગામ રોડ પર રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે શિલાન્યાસ પણ કરશે. સામૂહિક રીતે, આ પહેલો પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે પરિવહન કાર્યક્ષમતા અને આર્થિક તકોમાં સુધારો કરશે.
રાજ્યમાં વીજ ક્ષેત્રને મોટો પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળ વીજ વિતરણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ નુકસાન ઘટાડવા, નેટવર્કનું આધુનિકીકરણ અને માળખાગત સુવિધાને મજબૂત બનાવવાનો છે. 1000 કરોડ રૂપિયાથી વધુના આ પ્રોજેક્ટ્સ પ્રતિકૂળ હવામાન દરમિયાન વીજળીના વિક્ષેપો અને કાપ ઘટાડશે, જાહેર સલામતી, ટ્રાન્સફોર્મર સલામતી અને વીજ પુરવઠા નેટવર્કની વિશ્વસનીયતામાં સુધારો કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન કમ્પોનન્ટ હેઠળ રામાપીરના ટેકરા સેક્ટર-3 ખાતે સ્લમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદની આસપાસ સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિક હળવો કરવા અને કનેક્ટિવિટી સુધારવા માટે અમલમાં મુકવામાં આવી રહેલા મુખ્ય માર્ગ પહોળા કરવાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. તેઓ પાણી અને ગટર વ્યવસ્થાપન પ્રણાલીઓને મજબૂત કરવા માટે મુખ્ય શહેરી માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.
વહીવટી કાર્યક્ષમતા અને જાહેર સેવા વિતરણને મજબૂત બનાવવા માટે, પ્રધાનમંત્રી ગુજરાતમાં મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. આમાં અમદાવાદ પશ્ચિમમાં એક નવા સ્ટેમ્પ અને નોંધણી ભવનનું નિર્માણ સામેલ હશે, જેનો હેતુ નાગરિક-કેન્દ્રિત સેવાઓમાં સુધારો કરવાનો છે અને ગાંધીનગરમાં રાજ્ય-સ્તરીય ડેટા સ્ટોરેજ સેન્ટરની સ્થાપનાનો સમાવેશ થાય છે જેનો હેતુ સમગ્ર ગુજરાતમાં સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ અને ડિજિટલ શાસન ક્ષમતાઓને વધારવાનો છે.
26 ઓગસ્ટના રોજ, પ્રધાનમંત્રી અમદાવાદના હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે બે ઐતિહાસિક સીમાચિહ્નોનું ઉદ્ઘાટન કરશે. આ ઐતિહાસિક પહેલો એકસાથે ભારતના ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ઉદભવને રેખાંકિત કરે છે અને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પણ આગળ ધપાવે છે.
મેક ઇન ઇન્ડિયાની સફળતાના મુખ્ય ઉદાહરણ તરીકે, પ્રધાનમંત્રી સુઝુકીના પ્રથમ વૈશ્વિક વ્યૂહાત્મક બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) "e Vitara"નું ઉદ્ઘાટન અને પ્રસ્થાન કરશે. ભારતમાં ઉત્પાદિત આ BEVs યુરોપ અને જાપાન જેવા અદ્યતન બજારો સહિત સોથી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ સિદ્ધિ સાથે, ભારત હવે સુઝુકીના ઇલેક્ટ્રિક વાહનો માટે વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સેવા આપશે.
ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક મોટું પગલું ભરતા, પ્રધાનમંત્રી ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું ઉદ્ઘાટન પણ કરશે. તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસથી બનેલ આ પ્લાન્ટ સ્થાનિક ઉત્પાદન અને સ્વચ્છ ઉર્જા નવીનતાને વેગ આપશે. આ વિકાસ સુનિશ્ચિત કરે છે કે એંસી ટકાથી વધુ બેટરીઓ હવે ભારતમાં બનાવવામાં આવશે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2160295)
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam