ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી
રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે: નિમુબેન બાંભણીયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ રમત ક્ષેત્રે અનેક નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છેઃ નિમુબેન બાંભણીયા
ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ
Posted On:
29 AUG 2025 12:03PM by PIB Ahmedabad
ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રમતોથી ટીમ વર્ક, મહેનત, શિસ્ત અને ખેલદિલીની ભાવના કેળવાય છે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત રમત ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે.
29 ઓગસ્ટ, હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભાવનગરના સરદાર પટેલ રમત સંકુલ, સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નેશનલ સ્પોર્ટ્સ ડે શુભારંભ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગના કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, 29મી ઓગસ્ટને મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદજીએ તેમની રમત દરમિયાન 400થી વધુ ગોલ કર્યાં હતા, ભારત દેશને 3 જેટલાં ગોલ્ડ મેડલ અપાવવામાં તેમનું યોગદાન રહ્યું છે, ત્યારે આજે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોવાનું ગૌરવ છે.
તેમણે કહ્યું હતું કે, આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્પોર્ટ્સના કેન્દ્ર તરીકે ભારત રમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે અને નવા કિર્તીમાન સ્થપાઈ રહ્યાં છે. આજના સમયમાં રમતો માત્ર મનોરંજન માટે નથી, રમતો થકી ટીમ વર્ક, મહેનત, શિષ્ટાચાર અને ખેલદિલીની ભાવના ઉજાગર થાય છે. રમતોથી અનેક ગુણો વિકાસ પામે છે તેથી જ જીવનમાં સ્પોર્ટ્સનું ખુબ જ મહત્વ છે. તેમણે કહ્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સહુ સાથે મળીને આ સંકલ્પને સાકાર કરવા સહભાગી બનીએ.
તેમણે રમતવીરોને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, હું જ્યારે સર પી.પી.સાયન્સ કોલેજની વિદ્યાર્થિની હતી. ત્યારે એથલેટિક્સ ચેમ્પિયન રહી ચૂકી છું.

ખેલ મહાકુંભ સ્પર્ધા અને સાંસદ ખેલ મહોત્સવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ખેલ મહાકુંભ-2025 શુભારંભનો આજથી થયો છે. તેની સાથો સાથે સાસંદ ખેલ મહોત્સવ સ્પર્ધાના રજીસ્ટ્રેશનનો પણ પ્રારંભ થયો છે. જેમાં 8 જેટલી વ્યક્તિગત અને 5 જેટલી રમતો ટીમ દ્વારા રમાશે. જેમાં વધુને વધુ રમતોમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમતગમત અધિકારીશ્રી નરેશકુમાર ગોહિલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમિશનર શ્રી એન.કે.મીણા,મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, જિલ્લા શાસનાધિકારીશ્રી, સ્પોર્ટ્સ સંકુલના રમતવીરો,સંબંધિત અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2161770)
Visitor Counter : 36