પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાતના’ 125મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (31-08-2025)

Posted On: 31 AUG 2025 11:44AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ચોમાસાની આ ઋતુમાં કુદરતી આફતો દેશની કસોટી કરી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે પૂર અને જમીન ધસી પડવાના ભારે કહેર જોયો છે. ક્યાંક ઘરો નાબૂદ થઇ ગયા, ક્યાંક ખેતરો ડૂબી ગયા, પરિવારોના પરિવારો ઉજડી ગયા, પાણીના ઝડપી પ્રવાહમાં ક્યાંક પૂલ તણાઇ ગયા, રસ્તા ધોવાઇ ગયા, લોકોનું જીવન સંકટોમાં ફસાઇ ગયું. આ ઘટનાઓએ દરેક હિંદુસ્તાનીને દુઃખી કર્યો છે. જે પરિવારોએ પોતાના પ્રિયજન ખોયા તેમનું દર્દ આપણા બધાનું દર્દ છે. જ્યાં પણ સંકટ આવ્યું ત્યાંના લોકોને બચાવવા માટે આપણા NDRF-SDRFના જવાનો અન્ય સલામતી દળ વગેરે તમામ દિવસરાત રોકાયેલા રહ્યા. જવાનોએ ટેકનોલોજીનો પણ સહારો લીધો છે. થર્મલ કેમેરા, લાઇવ ડિટેક્ટર, સ્નિફર ડોગ્સ અને ડ્રોન સર્વેલન્સ આવા અનેક આધુનિક ઉપકરણોની મદદથી રાહત કાર્યમાં ઝડપ લાવવાની ભરપૂર કોશિષ કરવામાં આવી. આ દરમિયાન હેલીકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી, ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા. આફતના આ સમયે સેના મદદરૂપ બનીને આગળ આવી. સ્થાનિક લોકો, સામાજીક કાર્યકરો, ડોકટરો, વહીવટીતંત્ર, વગેરે સૌએ સંકટની આ ઘડીમાં શક્ય તમામ મદદનો પ્રયાસ કર્યો. હું આવા તમામ નાગરિકોને દીલથી ધન્યવાદ આપું છું. જેમણે આ મુશ્કેલ સમયમાં માનવતાને સૌથી વધુ મહત્વ આપ્યું છે.

મારા વ્હાલા દેશવાસીઓ, પૂર અને વરસાદની આ તબાહી વચ્ચે જમ્મુ-કાશ્મીરે બે ખૂબ ખાસ સિદ્ધિઓ મેળવી છે. તેના પર બહુ વધારે લોકોનું ધ્યાન નથી ગયું, પરંતુ જ્યારે તમે આ સિદ્ધિઓ વિશે જાણશો તો તમને પણ ખૂબ ખુશી થશે. જમ્મુ કાશ્મીરના પુલવામાના એક સ્ટેડિયમમાં વિક્રમરૂપ સંખ્યામાં લોકો એકઠા થયા. ત્યાં પુલવામાની પહેલી દિવસરાત્રિ ક્રિકેટમેચ રમાઇ ગઇ. અગાઉ આમ થવું અશક્ય હતું, પરંતુ હવે મારો દેશ બદલાઇ રહ્યો છે. આ મેચ રોયલ પ્રિમિયર લીગનો ભાગ છે. જેમાં જમ્મુ કાશ્મીરની અલગ અલગ ટીમો રમી રહી છે. આટલા બધા લોકો, ખાસ કરીને યુવાનો, પુલાવામામાં રાતના સમયે, હજારોની સંખ્યામાં ક્રિકેટનો આનંદ લેતાં હોય એ દ્રશ્ય ખરેખર જોવાલાયક હતું.

સાથીઓ, બીજું આયોજન કે જેણે ધ્યાન ખેંચ્યું તે છે, દેશમાં યોજાયેલો પહેલો  ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટીવલઅને તે પણ શ્રીનગરના દલ સરોવર પર યોજાયો. ખરેખર, આવો ઉત્સવ આયોજીત કરવા માટે આ કેટલું ખાસ સ્થળ છે. તેનો ઉદ્દેશ્ય છે જમ્મુકાશ્મીરમાં જળ રમતોને વધુ લોકપ્રિય બનાવવાનો. તેમાં સમગ્ર ભારતમાંથી 800થી વધુ રમતવીરોએ ભાગ લીધો. મહિલા રમતવીરાંગનાઓ પણ પાછળ નથી રહી, તેમની ભાગીદારી પણ લગભગ પુરૂષો જેટલી જ હતી. હું આ બધા ખેલાડીઓને ધન્યવાદ આપવા માંગુ છું, જેમણે તેમાં ભાગ લીધો. ખાસ અભિનંદન મધ્યપ્રદેશને કે જેણે સૌથી વધુ ચંદ્રકો જીત્યા, ત્યારપછી હરિયાણા અને ઓરિસ્સાનું સ્થાન રહ્યું. જમ્મુ કાશ્મીરની સરકાર અને ત્યાંની જનતાની આત્મિયતા તથા આતિથ્યભાવની હું ખૂબ ખૂબ પ્રશંસા કરૂં છું.

સાથીઓ, આ આયોજન સાથે જોડાયેલા અનુભવને આપના સુધી પહોંચાડવા માટે મે વિચાર્યું છે કે, આવા બે ખેલાડીઓ સાથે પણ વાત કરૂં, જેમણે તેમાં ભાગ લીધો, તેમાંથી એક છે ઓડિશાનાં રશ્મિતા સાહૂ અને બીજા છે શ્રીનગરના મોહસિન અલી, આવો સાંભળીએ. તેઓ શું કહે છે.

પ્રધાનમંત્રીઃ- રશ્મિતાજી, નમસ્તે.

રશ્મિતાઃ- નમસ્તે, સર.

પ્રધાનમંત્રીઃ- જય જગન્નાથ.

રશ્મિતાઃ- જય જગન્નાથ સર.

પ્રધાનમંત્રીઃ- રશ્મિતાજી, સૌથી પહેલા તો તમને રમત જગતમાં સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

રશ્મિતાઃ- ખૂબ આભાર સર.

પ્રધાનમંત્રીઃ- રશ્મિતા, અમારા શ્રોતાઓ તમારા વિશે અને તમારી રમતગમત સફર વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક છે, હું પણ બહુ ઉત્સુક છું. જણાવો.

રશ્મિતાઃ- સર હું રશ્મિતા સાહુ છું. ઓડિશાથી. અને હું કેનોઇંગ પ્લેયર છું. મેં 2017થી રમવાનું શરૂ કર્યું હતું. કેનોઇંગ શરૂં કર્યું હતું. અને હું નેશનલ લેવલમાં નેશનલ ચેમ્પિયનશીપ અને નેશનલ ગેમ્સમાં ભાગ લીધો છે. મારા 41 મેડલ્સ છે. 13 ગોલ્ડ, 14 સિલ્વર અને 14  બ્રોન્ઝ મેડલ્સ છે, સર.

પ્રધાનમંત્રીઃ- આ રમતમાં રસ કેવી રીતે પડ્યો ?  સૌથી પહેલા કોણે તમને તેના તરફ પ્રેરિત કર્યાં ? શું તમારા પરિવારમાં રમતગમતનું વાતાવરણ છે ખરું ? 

રશ્મિતાઃ- ના સર. હું જે ગામમાંથી આવું છું તેમાં રમતગમત માટે આ કંઇ નહોતું, તો ત્યાં નદીમાં બોટીંગ થઇ રહ્યું હતું. તો હું એમ જ તરવા માટે ગઇ હતી. એવામાં મારા દોસ્તો પણ સ્વિમીંગ કરી રહ્યા હતા. તો એક હોડી કેનોઇંગ - કાયાકિંગ માટે ગઇ હતી. તો મને તેના વિશે ખાસ કંઇ જાણકારી નહોતી. તો મેં મારા દોસ્તને પૂછ્યું કે, આ શું છે ? તો મિત્રે કહ્યું કે, ત્યાં જગતપુરમાં SAI સ્પોર્ટસ સેન્ટર છે. તેમાં રતમગમત શીખવાડાય છે. તેમાં હું પણ જવાની છું. મને બહુ રસપ્રદ લાગ્યું. તો એ શું છે તેની મને ખબર જ નહોતી, આ તો પાણીમાં છોકરા કેવી રીતે કરતા હશે ? હોડી ચલાવે છે ? તો મેં એને કહ્યું કે, મારે પણ જવું છે. કેવી રીતે જવાય છે ? મને પણ જણાવ ? તો એણે કહ્યું કે, ત્યાં જઇને વાત કર. પછી મેં તરત જ જઇને પપ્પાને કહ્યું કે, મારે પણ જવું છે. પપ્પા મારે પણ રમવા જવું છે. એટલે પપ્પા લોકોએ કહ્યું સારૂં જા. તે સમયે તો પ્રવેશ પરિક્ષા તો નહોતી. એટલે કોચ લોકોએ કહ્યું કે, ટ્રાયલ ફેબ્રુઆરીમાં થાય છે. એટલે ફેબ્રુઆરી માર્ચમાં તમે આ પ્રવેશ પરિક્ષાના સમયે આવી જજો. પછી હું પ્રવેશ કસોટી વખતે આવી.

પ્રધાનમંત્રીઃ- અચ્છા રશ્મિતા, કાશ્મીરમાં યોજાયેલા ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલમાં તમારો પોતાનો અનુભવ કેવો રહ્યો ? તમે પહેલીવાર કાશ્મીર ગયા હતા ?

રશ્મિતાઃ- હા સર, હું પહેલીવાર કાશ્મીર ગઇ હતી. અમને લોકોને ત્યાં પહેલીવાર યોજાયેલા ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ભાગ લેવા મળ્યો. તેમાં મારી બે સ્પર્ધાઓ હતી. સિગલ્સ 200 મીટર અને 500 મીટર ડબલ્સમાં. અને હું આ બંનેમાં ગોલ્ડ મેડલ જીતી ગઇ છું સર.

પ્રધાનમંત્રીઃ- અરે વાહ, બંનેમાં ગોલ્ડ મેડલ લાવ્યા છો.

રશ્મિતાઃ- હા સર.

પ્રધાનમંત્રીઃ- ખૂબ ખૂબ અભિનંદન.

રશ્મિતાઃ- આભાર સર.

પ્રધાનમંત્રીઃ- સારૂં રશ્મિતા પાણીની રમતો સિવાય તમને બીજા કયા શોખ છે ?

રશ્મિતાઃ- પાણીની રમતો ઉપરાંત મને રમતગમતમાં દોડવાનું બહુ ગમે છે. હું જ્યારે પણ રજાઓમાં જાઉં છું ત્યારે હું દોડવા માટે જાઉં છું. મારૂં જે જૂનું મેદાન છે, તેમાં હું પહેલાં થોડું ઘણું ફૂટબોલ શીખી હતી. ત્યાં જ્યારે પણ જતી હતી હું ખૂબ દોડતી હતી અને ફૂટબોલ પણ રમું છું સર. થોડું ઘણું.

પ્રધાનમંત્રીઃ- એટલે કે, રમતગમત તમારી નસેનસમાં છે.

રશ્મિતાઃ- હા સર, હું જયારે પહેલાથી 10મા ધોરણ સુધી શાળામાં હતી, તો જેમાં પણ ભાગ લેતી હતી તે બધામાં પ્રથમ આવતી હતી. ચેમ્પિયન બનતી હતી સર.

પ્રધાનમંત્રીઃ- રશ્મિતા, જે લોકો તમારી જેમ રમતગમતમાં આગળ વધવા માંગે છે, તેમને જો કોઇ સંદેશ આપવો હોય તો તમે શું સંદેશ આપશો ?

રશ્મિતાઃ- સર. ઘણા બધા બાળકો કે જેમને ઘરેથી  નીકળવાની પણ મનાઇ હોય છે. અને છોકરીઓને બહાર કેવી રીતે જશો, તેવો સવાલ હોય છે. અને કોઇકોઇને તો પૈસાની પણ મુશ્કેલી હોય છે. તે લોકો રમતગમત છોડી દે છે. અને આ જે ખેલો ઇન્ડિયાની યોજના અમલમાં છે, તેમાં ઘણા બધા બાળકોને પૈસાની પણ મદદ મળે છે. અને ઘણા બધા બાળકોને સારી એવી મદદ મળી રહી છે. તેના પરિણામે ઘણા બધા બાળકો આગળ જઇ શક્યાં છે. અને હું બધાને કહીશ કે, રમતને છોડો નહિં. રમતગમતથી ઘણું આગળ જઇ શકીએ છીએ. તો રમત તો એક રમત છે, પરંતુ તેમાં શરીરનું દરેક અંગ સ્વસ્થ પણ રહે છે, અને રમતગમતમાં આગળ વધીને ભારતને ચંદ્રક અપાવવાનું અમારૂં કર્તવ્ય છે સર.

પ્રધાનમંત્રીઃ- ચાલો રશ્મિતાજી, મને બહુ ગમ્યું. તમને ફરીએક વાર ખૂબખૂબ અભિનંદન. અને તમારા પિતાજીને પણ મારા તરફથી પ્રણામ કહેશો. કારણ કે, તેમણે ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ એક દીકરીને આગળ વધવા માટે આટલું પ્રોત્સાહન આપ્યું. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ધન્યવાદ.

રશ્મિતાઃ- આભાર સર.

પ્રધાનમંત્રીઃ- જય જગન્નાથ.

રશ્મિતાઃ- જય જગન્નાથ. સર.

પ્રધાનમંત્રીઃ- મોહસીન અલી નમસ્તે.

મોહસીન અલીઃ- નમસ્તે સર.

પ્રધાનમંત્રીઃ- મોહસીનજી તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક અનેક શુભેચ્છાઓ.

મોહસીન અલીઃ- આભાર સર.

પ્રધાનમંત્રીઃ- મોહસીન તમે પહેલા જ ખેલો ઈન્ડિયા વોટર સ્પોર્ટસ ફેસ્ટીવલ ઉત્સવ અને તેમાં પણ સૌથી પહેલો ગોલ્ડ મેડલ જીતનારા તમે છો. તો તમને કેવું લાગી રહ્યું છે ?

મોહસીન અલીઃ- સર. ખૂબ જ ખુશ છું હું, મેં ગોલ્ડ મેડલ જીત્યો, ખેલો ઇન્ડિયા ઉત્સવમાં જે પહેલી વાર યોજાયો છે, અહિં કાશ્મીરમાં.

પ્રધાનમંત્રીઃ- લોકો શું ચર્ચા કરે છે ?

મોહસીન અલીઃ- બધે ખુબ ચર્ચા છે સર. પૂરો પરિવાર ખુશ છે જી.

પ્રધાનમંત્રીઃ- તમારી સ્કૂલવાળા.

મોહસીન અલીઃ- સ્કૂલવાળા પણ બધા ખુશ છે, કાશ્મીરમાં બધા કહે છે કે, હવે તમે ગોલ્ડ મેડાલીસ્ટ છો.

પ્રધાનમંત્રીઃ- તો તો તમે હવે બહુ મોટી સેલીબ્રીટી બની ગયા !

મોહસીન અલીઃ-  હા સર.

પ્રધાનમંત્રીઃ- સારૂં એ કહો કે, વોટર સ્પોર્ટસમાં રસ કેવી રીતે પડ્યો, અને તેના શું ફાયદા, તમને દેખાઇ રહ્યા છે ?

મોહસીન અલીઃ- પહેલાં બચપણમાં હું જોતો તો, ડલ સરોવરમાં નૌકા ચાલતી, પપ્પા પૂછતાં કે, તું કરીશ, તો મે પણ કહ્યું કે, હા. મને પણ શોખ છે. પછી હું પણ ત્યાં ગયો, કેન્દ્રમાં મેડમ પાસે, અને મેડમે, બિલ્કીસ મેમે મને શીખવ્યું.

પ્રધાનમંત્રીઃ- અચ્છા મોહસીન, આખા દેશમાંથી લોકો આવ્યા હતા, આ પહેલીવાર યોજાયેલા વોટરસ્પોર્ટસ કાર્યક્રમમાં, અને તે પણ શ્રીનગરમાં અને તે પણ ડલ સરોવરમાં, તો દેશમાંથી આટલા બધા લોકો આવ્યા અને ત્યાંના લોકોને શું અનુભવ થતો હતો ?

મોહસીન અલીઃ- ખૂબ આનંદ છે સર. બધા કહેતા હતા કે, સારું સ્થળ છે. અને બધું સારૂં છે. અહિંયા સગવડ પણ કંઇક સારી છે. બધા લોકોને અહિંયા સારૂં લાગ્યું, ખેલો ઇન્ડિયામાં.

પ્રધાનમંત્રીઃ- તો તમે ક્યાંય રમવા માટે ક્યારેય કાશ્મીરની બહાર ગયા છો ?

મોહસીન અલીઃ-  હા સર. હું ભોપાલ ગયો છું. ગોવા ગયો છું. કેરળ ગયો છું. હિમાચલ ગયો છું.

પ્રધાનમંત્રીઃ- અરે વાહ, તો તો તમે પૂરૂં હિંદુસ્તાન જોઇ લીધું છે.

મોહસીન અલીઃ- હા સર.

પ્રધાનમંત્રીઃ- તો આટલા બધા ખેલાડીઓ ત્યાં આવ્યા હતા !

મોહસીન અલીઃ-  હા સર.

પ્રધાનમંત્રીઃ- તો પછી નવા દોસ્તો બનાવ્યા કે ન બનાવ્યા ?

મોહસીન અલીઃ- સર ઘણા દોસ્તો બનાવી લીધા, એક સાથે અહીં ફર્યા પણ ખરા. ડલ સરોવરમાં, લાલચોકમાં બધી જગ્યાએ અમે ફર્યા સર, પહેલગામ પણ ગયા હતા, હા સર. બધી જગ્યાએ.

પ્રધાનમંત્રીઃ- જુઓ મેં તો જોયું છે કે, જમ્મુ કાશ્મીરમાં રમતગમત પ્રતિભા ગજબની પડેલી છે.

મોહસીન અલીઃ- હા સર.

પ્રધાનમંત્રીઃ- જમ્મુ કાશ્મીરના આપણા જે નવયુવાઓ છે તે દેશનું નામ રોશન કરે તેટલું સામર્થ્ય છે તેમનામાં અને તમે તે કરીને બતાવ્યું છે.

મોહસીન અલીઃ- સર. મારૂં સ્વપ્નું છે ઓલ્મપિકમાં ચંદ્રક જીતવાનું, એ જ સપનું છે.

પ્રધાનમંત્રીઃ- વાહ શાબાશ.

મોહસીન અલીઃ- એ જ સપનું છે સર.

પ્રધાનમંત્રીઃ- જુઓ, તમારા આ શબ્દો સાંભળીને તો મારા તો રૂંવાડા ઉભા થઇ ગયા.

મોહસીન અલીઃ- સર. એ જ સપનું છે મારૂં. ઓલમ્પિકમાં ચંદ્રક જીતવાનું. દેશ માટે રાષ્ટ્રગીત વગાડવાનું. બસ એ જ સપનું છે મારૂં.

પ્રધાનમંત્રીઃ- મારા દેશના એક શ્રમજીવી પરિવારનો સુપુત્ર આટલું મોટું સપનું જુવે છે, એનો અર્થ જ એ કે આ દેશ ખૂબ આગળ વધવાનો છે.

મોહસીન અલીઃ- સર. બહુ આગળ વધવાનો છે. અમે આભારી છીએ ભારત સરકારના કે જેણે, અહિંયા ખેલો ઇન્ડિયાનું આયોજન કર્યું છે. એ પહેલીવાર થયું છે સર.

પ્રધાનમંત્રીઃ- તો  તો તમારી સ્કૂલમાં પણ જયજયકાર થતો હશે.

મોહસીન અલીઃ- હા સર.

પ્રધાનમંત્રીઃ- ચલો મોહસીન તમારી સાથે વાત કરીને મને બહુ સારૂં લાગ્યું અને મારા તરફથી તમારા પિતાજીને પણ વિશેષરૂપે મારા ધન્યવાદ કહેજો, કારણ કે, એમણે મહેનત મજૂરીની જીંદગી જીવીને પણ તમારી જીંદગી બનાવી છે અને તમે તમારા પિતાજીના શબ્દોને યાદ રાખીને જરા પણ આરામ કર્યા વિના 10 વર્ષ સુધી તપસ્યા કરી છે તે આ ખેલાડીઓ માટે બહુ મોટી પ્રેરણા બને છે. અને તમારા કોચને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું કે, જેમણે તમારી પાછળ આટલી મહેનત કરી, મારા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન ભાઇ.

મોહસીન અલીઃ- આભાર સર. નમસ્કાર સર. જયહિંદ.

સાથીઓ, એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના, દેશની એકતા, દેશના વિકાસ માટે બહુ જરૂરી છે અને નિશ્ચિતપણે રમતગમત તેમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે. અને એટેલે જ તો હું કહું છું કે, જે ખેલે છે તે ખીલે છે. આપણો દેશ પણ જેટલી સ્પર્ધાઓ રમશે તેટલો ખીલશે. તમે બંને ખેલાડીઓને અને તમારા સાથીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

મારા વ્હાલા દેશવાસીઓ, તમે યુપીએસસીનું નામ તો જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થા દેશની સૌથી મુશ્કેલ પરિક્ષાઓમાંથી એક સનદી સેવાઓની પરિક્ષા પણ લે છે. આપણે બધાએ સનદી સેવાઓની પરિક્ષાઓમાં ટોચના પરિક્ષાર્થીઓની પ્રેરણાદાયક વાતો અનેકવાર સાંભળી છે. આ નવયુવાનો મુશ્કેલ સંજોગોમાં અભ્યાસ કર્યા પછી પોતાની મહેનતથી આ સેવામાં સ્થાન મેળવે છે. પરંતુ સાથીઓ, યુપીએસસીની પરિક્ષાની એક સચ્ચાઇ બીજી પણ છે. હજ્જારો એવા ઉમેદવાર પણ હોય છે, જેઓ અત્યંત કાબેલ હોય છે, તેમની મહેનત પણ કોઇથી ઓછી નથી હોતી. પરંતુ મામૂલી અંતરથી તેઓ આખરી યાદી સુધી પહોંચી શકતા નથી. આ ઉમેદવારોએ બીજી પરિક્ષાઓ માટે નવેસરથી તૈયારી કરવી પડે છે. તેમાં તેમનો સમય અને પૈસા બંને વપરાતા હતા. એટલા માટે હવે એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પણ એક ડીજીટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. અને તેનું નામ છે. “પ્રતિભા સેતુ”.

“પ્રતિભા સેતુ”માં આ ઉમેદવારોની માહીતી રાખવામાં આવેલી છે, જેમણે યુપીએસસીની વિવિધ પરિક્ષાઓના બધા તબક્કા પાસ કર્યા હોય પરંતુ અંતિમ પાત્રતા યાદીમાં તેમનું નામ ન આવી શક્યું હોય. આ પોર્ટલ પર 10 હજારથી વધુ એવા પ્રતિભાવાન યુવાઓની ડેટાબેંક તૈયાર છે. કોઇ સનદી સેવાની તૈયારી કરી રહ્યું હતું, કોઇ ઇજનેરી સેવામાં જવા ઇચ્છતું હતું, કોઇ તબીબી સેવાઓના દરેક તબક્કાને વટાવી ચૂક્યું હતું. પરંતુ ફાઇનલમાં તેમની પસંદગી નહોતી થઇ. આવા તમામ ઉમેદવારોની જાણકારી હવે, પ્રતિભા સેતુ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પોર્ટલથી ખાનગી કંપનીઓ આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની જાણકારી મેળવીને તેમને પોતાને ત્યાં નિમણુંક આપી શકે છે. સાથીઓ, આ પ્રયાસના પરિણામો પણ મળવા લાગ્યા છે. સેંકડો ઉમેદવારોને આ પોર્ટલની મદદથી તરત નોકરી મળી છે, અને મામૂલી અંતરથી રહી ગયેલા યુવાનો હવે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજ આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ છે. ભારતમાં પડેલી સુષુપ્ત સંભાવનાઓ પર દુનિયાભરની નજર છે. તેની સાથે જોડાયેલો એક સુખદ અનુભવ હું તમને કહેવા માંગુ છું. તમે જાણો છો કે, આજકાલ પોડકાસ્ટની બહુ ફેશન છે. વિવિધ વિષયો સાથે જોડાયેલા પોડકાસ્ટને જાતજાતના લોકો જુએ છે, અને સાંભળે છે. પાછલા દિવસોમાં હું પણ કેટલાક પોડકાસ્ટમાં સામેલ થયો હતો. એવું જ એક પોડકાસ્ટ દુનિયાના બહુ ખ્યાતનામ પોડકાસ્ટર લેકસ ફ્રિડમેન સાથે થયું હતું. આ પોડકાસટમાં ઘણીબધી વાતો થઇ. અને દુનિયાભરના લોકોએ એને સાંભળી પણ ખરી. જ્યારે પોડકાસ્ટ પર વાત થઇ રહી હતી ત્યારે વાતવાતમાં મેં એવો જ એક વિષય ઉઠાવ્યો હતો. જર્મનીના એક ખેલાડીએ આ પોડકાસ્ટને સાંભળી અને તેનું ધ્યાન તેમાં મેં જે વાત કહી હતી તેના પર કેન્દ્રિત થઇ ગયું. આ મુદ્દો તેમને એટલો બધો સ્પર્શી ગયો કે, પહેલાં તેમણે આ મુદ્દા પર સંશોધન કર્યું. અને પછી જર્મનીમાં ભારતીય દૂત્તાવાસનો સંપર્ક કર્યો. અને તેમણે પત્ર લખીને કહ્યું કે, તેઓ આ વિષય બાબતે ભારત સાથે જોડાવા માંગે છે. તમે વિચારી રહ્યા હશો કે, મોદીજીએ પોડકાસ્ટમાં એવો વળી કેવો વિષય કહી દીધો, જે જર્મનીના એક ખેલાડીને પ્રેરિત કરી ગયો. એ કયો વિષય હતો ? તો હું તમને યાદ કરાવું છું, મેં પોડકાસ્ટમાં વાતવાતમાં મધ્યપ્રદેશના શહડોલના ફૂટબોલની દિવાનગી સાથે જોડાયેલા એક ગામનું વર્ણન કર્યું હતું. વાત એમ છે કે, બે વર્ષ પહેલાં હું શહડોલ ગયો હતો, ત્યાંના ફૂટબોલના ખેલાડીઓને મળ્યો હતો. પોડકાસ્ટ દરમ્યાન, એક સવાલના ઉત્તરમાં મેં શહડોલના ફૂટબોલ ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાત જર્મનીના ફૂટબોલ ખેલાડી અને પ્રશિક્ષક ડાયટમાર બેયર્સડોર્ફરે પણ સાંભળી. શહડોલના યુવા ફૂટબોલ ખેલાડીઓની જીવનયાત્રાએ તેમને બહુ પ્રભાવિત અને પ્રેરિત કર્યા. હકીકતમાં કોઇએ કલ્પના પણ નહોતી કરી કે, ત્યાંના પ્રતિભાશાળી ખેલાડી બીજા દેશોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. હવે, જર્મનીના આ પ્રશિક્ષકે શહડોલના કેટલાક ખેલાડીઓને જર્મનીની એક અકાદમીમાં તાલિમ આપવાની તજવીજ કરી છે. ત્યારબાદ મધ્યપ્રદેશની સરકારે પણ તેમનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ શહડોલના આપણા કેટલાક યુવા સાથી તાલિમ માટે જર્મની જશે. મને પણ આ જોઇને ખૂબ આનંદ થાય છે કે, ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા સતત વધી રહી છે. હું ફૂટબોલ પ્રેમીઓને આગ્રહ કરૂં છું કે, જ્યારે સમય મળે ત્યારે તેઓ શહડોલ જરૂર જાય અને ત્યાં સર્જાઇ રહેલી રમતગમત ક્રાંતિને નજીકથી જુએ.

મારા વ્હાલા દેશવાસીઓ, સુરતમાં રહેતા જીતેન્દ્રસિંહ રાઠોડ વિશે જાણીને તમને બહુ સુખદ અહેસાસ થશે. મન ગર્વથી ભરાઇ જશે. જીતેન્દ્રસિંહ રાઠોડ એક સિક્યુરીટી ગાર્ડ છે. અને તેમણે એક એવી અદભૂત પહેલ કરી છે. જે દરેક દેશભક્ત માટે બહુ મોટી પ્રેરણા સમાન છે. વિતેલા કેટલાક વર્ષોથી તેઓ એવા તમામ જવાનો વિશે માહીતી એકઠી કરે છે, જેમણે ભારતમાતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. આજે તેમની પાસે પહેલા વિશ્વયુદ્ધથી લઇને અત્યારસુધી શહીદ થયેલા હજ્જારો વીર જવાનો વિશે જાણકારી ઉપલબ્ધ છે. તેમની પાસે શહીદોની હજ્જારો તસવીરો પણ છે. એકવાર એક શહીદના પિતા દ્વારા કહેવાયેલી વાત તેમના હૃદયને સ્પર્શી ગઇ. શહીદના પિતાએ કહ્યું હતું “દિકરો ગયો તો શું થયું, વતન તો સલામત છે ને” આ એક વાતે જીતેન્દ્રસિંહના મનમાં દેશભક્તિનું એક અદભૂત જનૂન ભરી દીધું. આજે તેઓ કેટલાય શહીદોના પરિવારોના સંપર્કમાં છે. તેમણે લગભગ અઢી હજાર શહીદોના માતાપિતાની ચરણરજ પણ પોતાની પાસે લાવીને રાખી છે. સશસ્ત્રદળો પ્રત્યેના તેમના આ ગાઢ પ્રેમ અને લગાવનું જીવંત ઉદાહરણ છે. જીતેન્દ્રસિંહનું જીવન આપણને દેશભક્તિનો વાસ્તવિક ઉપદેશ આપે છે.

મારા વ્હાલા દેશવાસીઓ, આજકાલ તમે જોયું હશે, ઘણા મકાનોની છત પર, મોટી ઇમારતો પર, સરકારી ઓફિસોની છત પર સોલાર પેનલ ચમકતી જોવા મળે છે. લોકો હવે તેનું મહત્વ સમજી રહ્યા છે. અને ખુલ્લા દિલે અપનાવી રહ્યા છે. આપણા દેશ પર સૂર્યદેવની જ્યારે આટલી કૃપા છે તો, કેમ આપણે તેમની ભેટ સમી આ ઉર્જાનો પૂરો ઉપયોગ ન કરીએ.

સાથીઓ, સૌરઉર્જાથી ખેડૂતોની જીંદગી પણ બદલાઇ રહી છે. એ જ ખેતર, એ જ મહેનત, એ જ ખેડૂત પરંતુ હવે મહેનતનું ફળ અનેકગણું છે. આ પરિવર્તમન આવી રહ્યું છે સોલારપંપથી અને સોલાર રાઇસમીલથી. આજે દેશના કેટલાય રાજ્યોમાં સેંકડો સોલાર રાઇસમીલ લાગી ચૂકી છે. આ સોલારરાઇસ મીલોએ  ખેડૂતોની આવકની સાથે તેમના ચહેરાની રોનક પર વધારી દીધી છે.

સાથીઓ, બિહારના દેવકીજીએ સોલારપંપની મદદથી ગામનું નસીબ બદલી નાંખ્યું છે. મુઝફ્ફપુરના રતનપૂરા ગામમાં રહેતા દેવકીજીને લોકો હવે પ્રેમથી સોલારદીદી કહે છે. દેવકીજી કે જેમનું જીવન સરળ નહોતું. નાની ઉંમરે લગ્ન થઇ ગયા, નાનું એવું ખેતર, ચાર બાળકોની જવાબદારી અને ભવિષ્યની કોઇ ચોખ્ખી તસ્વીર નહીં. પરંતુ તેમની હિંમત અતૂટ હતી. તેઓ એક સ્વસહાય જૂથ સાથે જોડાયા, અને ત્યાંજ તેમને સોલારપંપ વિશે જાણકારી મળી. તેમણે સોલારપંપ માટે પ્રયત્નો શરૂ કર્યા. અને તેમાં સફળ પણ રહ્યા. સોલારદીદીના સોલારપંપે ત્યારપછી જાણે ગામની સિકલ જ બદલી નાંખી. પહેલાં જ્યાં થોડા એકર જમીનમાં સિંચાઇ થઇ શક્તી હતી ત્યાં હવે સોલારદીદીના સોલારપંપથી 40 એકરથી વધુ વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે. સોલારદીદીના આ અભિયાનમાં ગામના બીજા ખેડૂતો પણ જોડાઇ ગયા છે. તેમના મોલ પણ લીલાછમ્મ થવા લાગ્યા છે. અને આવક વધવા લાગી છે.

સાથીઓ, દેવકીજીની જીંદગી પહેલાં ચાર દિવાલો વચ્ચે સમાયેલી હતી. પરંતુ આજે તેઓ પૂરા આત્મવિશ્વાસથી પોતાનું કામ કરી રહ્યાં છે. સોલારદીદી બનીને પૈસા કમાઇ રહ્યાં છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે, તેઓ આ ક્ષેત્રના ખેડૂતોની પાસેથી યુપીઆઇની મદદથી પૈસા મેળવે છે. હવે, આખા ગામમાં તેમને બહુ સન્માનથી જોવામાં આવી રહ્યા છે. તેમની મહેનત અને દુરંદેશીએ બતાવી આપ્યું છે કે, સૌરઉર્જા કેવળ વિજળીનું સાધન નથી, બલ્કિ એ ગામેગામમાં નવી રોશની લાવનારી એક નવી શક્તિ પણ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 15 સપ્ટેમ્બરે ભારતના મહાન એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજીનો જન્મદિવસ આવે છે. તે દિવસને આપણે એન્જિનિયર્સ ડેના રૂપમાં ઉજવીએ છીએ. એન્જિનિયર માત્ર મશીન નથી બનાવતા, પરંતુ તેઓ તો સપનાને હકીકતમાં બદલી નાંખનારા કર્મયોગી હોય છે. હું ભારતના દરેક એન્જિનિયરની પ્રશંસા કરૂં છું. તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ, સપ્ટેમ્બરમાં ભગવાન વિશ્વકર્માની પૂજાનો પવિત્ર પ્રસંગ પણ આવશે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિ છે. આ દિવસ આપણા એ વિશ્વકર્મા બંધુઓને પણ સમર્પિત છે. જેઓ પરંપરાગત શિલ્પ, કૌશલ્ય અને જ્ઞાનવિજ્ઞાનને સતત એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે. આપણા સુથાર, લુહાર, સોની, કુંભાર, સોમપૂરા હંમેશા ભારતની સમૃદ્ધિના પાયામાં રહ્યા છે. આપણા આ વિશ્વકર્મા બંધુઓની મદદ માટે જ સરકારે વિશ્વકર્મા યોજના પણ ચલાવી છે.

સાથીઓ, હવે હું આપને એક ઓડિયો રેકોર્ડિંગ સંભળાવવા માંગુ છું.

(સરદાર વલ્લભભાઇનો અવાજમાં)

(तो ये जो मानपत्र में आपने लिखा है कि स्टेटों के बारे में मैंने जो कुछ किया या हैदराबाद के बारे में हमारी गवर्नमेंट ने जो कुछ किया, ठीक है किया, लेकिन आप जानते हैं कि ये हैदराबाद का किस्सा इस  तरह से है, हमने किया, उसमें कितनी मुश्किल हुई | सब स्टेटों के साथ, सब Princes के साथ हमने वायदा दिया था कि भाई कोई Prince का कोई राजा का हम ग़लत फैसला नहीं करेंगे | सबका एक ही साथ जैसा सबका होता है वैसा उनका भी होगा | लेकिन उनके लिए हमने वहाँ तक अलग समझौता किया |)

સાથીઓ, આ અવાજ લોહપૂરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો છે. હૈદરાબાદની ઘટનાઓ વિશે તેમના સ્વરમાં જે પીડા છે, તેને આપ અનુભવી શકો છો. આવતે મહિને સપ્ટેમ્બર માસમાં આપણે હૈદરાબાદ મુક્તિ દિવસ પણ ઉજવીશું. આ એ જ મહિનો છે, જ્યારે આપણે એ તમામ વીરોના સાહસને યાદ કરીએ છીએ. જેમણે ઓપરેશન પોલોમાં ભાગ લીધો હતો. આપ સૌ જાણો છો કે, જ્યારે ઓગષ્ટ 1947માં ભારતને સ્વતંત્રતા મળી તો હૈદરાબાદ અલગ જ સ્થિતિમાં હતું. નિઝામ અને રઝાકારોના અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા હતા. ત્રિરંગો લહેરાવવા કે, વંદે માતરમ કહેવા પર પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા. મહિલાઓ અને ગરીબો પર અત્યાચાર કરવામાં આવતા હતા. તે સમયે બાબા સાહેબ આંબેડકરે પણ ચેતવણી આપી હતી કે, આ સમસ્યા બહુ મોટી બનતી જઇ રહી છે. આખરે, સરદાર પટેલે આ મામલાને પોતાના હાથમાં લીધો. તેમણે સરકારને Operation Polo’ શરૂ કરવા માટે તૈયાર કર્યું. વિક્રમરૂપ સમયમાં આપણી સેનાઓએ હૈદરાબાદને નિઝામની તાનાશાહીથી આઝાદ કરાવ્યું. અને તેને ભારતનો હિસ્સો બનાવ્યો. સમગ્ર દેશે આ સફળતાનો ઉત્સવ ઉજવ્યો.

મારા વ્હાલા દેશવાસીઓ, તમે દુનિયાના કોઇપણ ખૂણામાં જાઓ, ત્યાં તમને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ ચોક્કસ જોવા મળશે. અને આ પ્રભાવ માત્ર દુનિયાના મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી, બલ્કે તેના નાના નાના શહેરોમાં પણ જોવા મળે છે. ઇટલીના એક નાનકડા શહેર કૈમ્પ-રોતોંદોમાં આવું જ જોવા મળ્યું છે. ત્યાં મહર્ષિ વાલ્મિકિજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ત્યાંના સ્થાનિક મેયર સહિત આ વિસ્તારના અનેક મહત્વના મહાનુભાવો પણ સામેલ થયા. કૈમ્પ-રોતોંદોમાં રહેનારા ભારતીય મૂળના લોકો મહર્ષિ વાલ્મિકીજીની પ્રતિમા સ્થપાવાથી ખૂબ ખુશ છે. મહર્ષિ વાલ્મિકીનો સંદેશ આપણને સૌને બહુ પ્રેરિત કરે છે.

સાથીઓ, આ મહિનાની શરૂઆતમાં કેનેડાના મિસીસાગામાં પ્રભુ શ્રીરામની એકાવન ફૂટ ઉંચી પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આ આયોજનને લઇને લોકોમાં બહુ ઉત્સાહ હતો. સોશિયલ મિડિયા પર પ્રભુ શ્રીરામની ભવ્ય પ્રતિમાના વિડિયો પણ ખૂબ મોકલવામાં આવ્યા હતા.

સાથીઓ, રામાયણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ હવે દુનિયાના ખૂણેખૂણામાં પહોંચી રહ્યો છે. રશિયામાં એક ખ્યાતનામ સ્થાન છે, વ્લાદિવોસ્તોક. ઘણા લોકો તેને એવા સ્થળના રૂપમાં જાણે છે જ્યાં શિયાળામાં ઉષ્ણતામાન માઇનસ 20થી માઇનસ 30 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચું ઉતરી જાય છે. આ મહિને વ્લાદિવોસ્તોકમાં એક અનોખું પ્રદર્શન યોજાયું. તેમાં રશિયન બાળકો દ્વારા રામાયણના અલગ અલગ વિષયવસ્તુ પર દોરવામાં આવેલા ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. ત્યાં એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. દુનિયાના વિવિધ ભાગોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધી રહેલી જાગૃતિ જોઇને બહુ આનંદ થાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ, મન કી બાત માં આ વખતે આટલું જ. અત્યારે દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે. આગામી દિવસોમાં ઘણાબધા તહેવારોની રોનક થશે. આ તહેવારોમાં તમારે સ્વદેશીની વાત ક્યારેય પણ ભૂલવાની નથી. ભેટ એ કહેવાય જે ભારતમાં બની હોય. પહેરવેશ એ છે જે, ભારતમાં વણાયો હોય. સજાવટ એ છે જે, ભારતમાં બનેલા સામાનની હોય, રોશની એ છે જે ભારતમાં બનેલી હોય, બીજું પણ એવું ઘણું બધું જીવનની દરેક જરૂરિયાતમાં બધું જ સ્વદેશી હોય. ગર્વથી કહો, આ સ્વદેશી છે. ગર્વથી કહો આ સ્વદેશી છે. ગર્વથી કહો આ સ્વદેશી છે. આ ભાવનાને લઇને આપણે આગળ વધવાનું છે. એક જ મંત્ર વોકલ ફોર લોકલ. એક જ રસ્તો આત્મનિર્ભર ભારત, એક જ લક્ષ્ય, વિકસિત ભારત.

સાથીઓ, આ ખુશીઓની વચ્ચે આપ સૌ સ્વચ્છતા પર ભાર મૂકતા રહો, કેમ કે, જ્યાં સ્વચ્છતા છે ત્યાં તહેવારોનો આનંદ પણ વધી જાય છે. સાથીઓ, મન કી બાત માટે મને આ રીતે જ બહુ મોટી સંખ્યામાં તમારા સંદેશ મોકલતા રહેજો. તમારૂં દરેક સૂચન આ કાર્યક્રમ માટે બહુ મહત્વનું છે. તમારો પ્રતિભાવ મારા સુધી જરૂર પહોંચાડતા રહેજો. આવતી વખતે જ્યારે આપણે મળીશું તો, બીજા પણ નવા વિષયોની ચર્ચા થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2162406) Visitor Counter : 2