માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વપ્રસિદ્ધ અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન


બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં 11 વર્ષ અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે

Posted On: 01 SEP 2025 3:52PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રઢ સંકલ્પ થકી દેશના જન - જનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા તેમજ સરકારની છેલ્લા 11 વર્ષની જન કલ્યાણ અને સુખાકારીની યોજનાઓની સિદ્ધિઓ, લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનોની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા આ મલ્ટીમીડિયા પ્રદર્શનને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.

મેળામાં આવતા લોકોને ઓગમેન્ટડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ આકર્ષણો, આકર્ષક રમતો, સરકારી યોજનાઓની જાણકારી આપતા વિવિધ વિભાગોના સ્ટોલ્સ, યોજનાકીય જાણકારી આપતું સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

વધુમાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુરના અધિકારી જે. ડી ચૌધરીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તા.07 સપ્ટેમ્બર 2025 સુધી અંબાજી ખાતે ચાલનારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, એક પેડ મા કે નામ તેમજ ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો, મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે.           

અંબાજી મેળામાં આયોજિત આ મલ્ટિમિડીયા પ્રદર્શનના પૂર્વ પ્રચાર કાર્યક્રમોમાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા દાંતા તાલુકાની  ડીડી ચોકસી વિદ્યાલય નવાવાસ , દાંતા, સર મદનસિહજી વિદ્યાલય, ગંગવા જેવી સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા, યોગાસન સ્પર્ધા, એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ સાથે અન્ય પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. મેળા દરમિયાન આગામી દિવસોમાં પણ સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તેમજ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે.

આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતા નિ:શુલ્ક પ્રવેશ મેળવી શકશે. જેનો વધુને વધુ લાભ મેળવવા લોકોને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી છે.


(Release ID: 2162676) Visitor Counter : 2