માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા આયોજીત મલ્ટીમીડિયા પ્રદર્શનનો આજથી પ્રારંભ


અંબાજી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એક જ સ્થળે સરકારશ્રીની લોકઉપયોગી યોજનાઓની જાણકારી તેમજ માર્ગદર્શન આપવાનું ઉમદા આયોજનઃ શ્રી મિહિર પટેલ, જિલ્લા કલેકટર

Posted On: 03 SEP 2025 7:18PM by PIB Ahmedabad

વિકસિત ભારતનો અમૃતકાળ,  સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ વિષય અંતર્ગત ભારત સરકારની સિદ્ધિઓને વર્ણવતા તેમજ જનકલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે અંબાજી ખાતેના વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને એક જ સ્થળ પર આકર્ષક મલ્ટીમીડિયા પ્રદર્શન અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જાણકારી તેમજ માર્ગદર્શન મળે એ માટે ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન અને આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા આયોજિત "વિકસિત ભારતનો અમૃતકાળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ" વિષય અંતર્ગત આયોજિત આ મલ્ટીમીડિયા કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે અંબાજી ખાતે વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમના આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનાર્થે પધારે છે ત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો,પાલનપુર દ્વારા આયોજીત પાંચ દિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનની મુલાકાત લેનાર આ શ્રદ્ધાળુઓ સરકારશ્રીની લોક કલ્યાણકારી 11 વર્ષ ના સુવર્ણકાળની સિદ્ધિઓ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશે. આ સાથે સરકારશ્રીની આ યોજનાઓનું અમલીકરણ સામાન્ય જન માટે ફળદાયી નીવડે એ માટે આ કાર્યક્રમ થકી મળતી માહિતી અને માર્ગદર્શન ખૂબ ઉપયોગી થઈ પડશે. આ માટે હું કેન્દ્રીય સંચાર બ્યૂરો પાલનપુરની ટીમને અભિનંદન પાઠવુ છું.  આ ઉપરાંત જિલ્લા કલેકટર શ્રી મિહીર પટેલે પ્રદર્શનની મુલાકાત લઈ એમાં વિવિધ આકર્ષણોનું નિદર્શન કર્યું હતું સાથે મેળા આવતા શ્રદ્ધાળુઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ જાણકારી મેળવે એ માટે જાહેર અપીલ પણ કરી હતી. આ ઉપરાંત જિલ્લા વહવટી તંત્રના વિવિધ વિભાગો જેવા કે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, સમાજ કલ્યાણ વિભાગ , સમાજ સુરક્ષા વિભાગ , ભારતીય પોસ્ટ , જિલ્લા શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોના સ્ટોલની મુલાકાત કરી તેમના વિભાગની યોજનાઓને વધુમાં વધુ શ્રદ્ધાળુઓ જાણે એ માટે પ્રયાસરત રહેવા જણાવ્યું હતું.

મેળામાં આવતા શ્રદ્ધાળુઓને તેમજ કાર્યક્રમ માં ઉપસ્થિત જનતાને સ્વચ્છતાનો અભિગમ અપનાવી મેળાને સ્વચ્છ મેળો બનાવવા માટેના વ્યક્તિગત પ્રયાસો કરવાની અપીલ કરી હતી આ માટે કાર્યક્રમ માં સાબરકાંઠા જિલ્લા યુવા પરિવાર, હિંમતનગરની ટીમને સ્વચ્છતાની નાટિકાની પ્રસ્તુતિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત ઈન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દાંતા, બનાસકાંઠા દ્વારા પોષણ માસ અંતર્ગત આંગણવાડી માંથી વિના મૂલ્યે લાભાર્થીને આપવામાં આવતા THR  પેકેટમાંથી પૌષ્ટિક વાનગી બનાવનાર બહેનોમાંથી વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત યોગ બોર્ડ, બનાસકાંઠાના પૂર્વ કો ઓર્ડીનેટર શ્રી સ્મિતા બેન જોષી દ્વારા જાહેર જનતા માટે બનાસકાંઠા જિલ્લામાં તેમજ ગુજરાતમાં ચાલતી શારીરિક તેમજ માનસિક વિકાસ માટે વિવિધ યોગ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી સાથે યોગ થકી યુવાનોને આર્થિક ઉપાર્જન સાથે ઉજ્વળ કારકિર્દી માટે પૂરી પાડવામાં આવતી તકો ની સંપૂર્ણ જાણકારી પણ આપી હતી આ ઉપરાંત સ્મિતાબેન જોષી , યોગ ટ્રેનર શ્રી તારા બા બારડ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા પણ  જિલ્લા કલેકટર શ્રી તેમજ ફિલ્ડ અધિકારી શ્રી જે. ડી ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર તેમજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા , ડીસાના સંયુક્ત ઉપક્રમે  "સ્વચ્છ ભારત અભિયાન"  "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત કાર્યક્રમ સ્થળ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના હોદ્દેદારો શ્રી દિનેશભાઈ ઠક્કર (પ્રમુખ) શ્રી પ્રવીણભાઈ સાધુ (મંત્રી) કમલેશભાઈ રાચ્છ , મહેશભાઈ રાઠોડ ભારત વિકાસ પરિષદ પાલનપુર દક્ષિણ ના પ્રમુખ ભરતભાઈ જોશી અને સફાઈકર્મી પણ જોડાયા હતા.

વધુમાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર ના અધિકારી શ્રી જે. ડી ચૌધરી આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 03થી 7 સપ્ટેમ્બર 2025 સુધી અંબાજી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શન માં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, વિકસિત ભારત @2047, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, એક પેડ માં કે નામ તેમજ 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો , મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે.

આ ઉપરાંત વિભાગ દ્વારા કાર્યક્રમ સ્થળ પર વાંચન સાહિત્ય જેવું કે કેલેન્ડર, ચોપાનિયા, ચોપડીઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આગામી ચાર દિવસો માં દિવસો માં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવુતિઓ આયોજીત કરવામાં આવશે તેમજ સ્પર્ધા ના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે.

આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતથીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી.


(Release ID: 2163457) Visitor Counter : 2