ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
તળાજાના સરતાનપર ખાતે રૂ.5481 લાખના કામોનું ખાતમુહૂર્ત
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સમારોહ યોજાયો
ચેકડેમ (બંધારા) તથા શેત્રુંજી નહેરના આધુનિકરણથી ખેડૂતોને લાભ થશે : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
Posted On:
04 SEP 2025 4:36PM by PIB Ahmedabad
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ખાતે કેન્દ્રીય ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં અને ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ દ્વારા સરતાનપર ચેકડેમ (બંધારા) બનાવવાનું કામ અને શેત્રુંજી ડાબા કાંઠા તથા જમણાં કાંઠા નહેરના આધુનિકીકરણના કુલ રૂ.5481 લાખના કામોનો ખાતમુહૂર્ત સમારોહ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય શ્રી ગૌતમભાઇ ચૌહાણની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં સરતાનપર ચેકડેમ માટે રૂ. 2539 લાખ, શેત્રુંજી સિંચાઇ યોજના સી.સી. લાઈનીંગ 0 થી 55 સુધી રૂ.1646 લાખના ખર્ચે, શેત્રુંજી સિંચાઇ યોજના સી. સી. લાઈનીંગ 17થી 36 સુધી રૂ.1296 લાખના ખર્ચે બનાવવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

સરતાનપર ચેકડેમ (બંધારા) તથા શેત્રુંજી નહેરના આધુનિકીકરણના કામોના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં પાણી પહોંચ્યું છે ત્યારે એ જ દિશામાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કામગીરીને સતત આગળ વધારી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની સાથોસાથ સિંચાઈ વિભાગે રાજ્યના તમામ ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવા અનેકવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત કૃષિ, પશુપાલન, રોજગારી સહિતના ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ રાજ્ય બન્યું છે. “મા” નર્મદાના નીર છેક કચ્છના છેવાડાના વિસ્તારોમાં પહોંચાડ્યા છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સુજલામ-સુફલામ જળ અભિયાન, સૌરાષ્ટ્ર વિસ્તારના લોકો માટે સૌની યોજના કાર્યરત કરીને સૌરાષ્ટ્રની ધરાને હરિયાળી બનાવી છે. આમ ગુજરાતને પાણીદાર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ભાવનગરના તળાજા તાલુકાના સરતાનપર અને તરસરા ગામ પાસે આ ચેકડેમ યોજનાના કામમાં ત્રણ ચેકડેમ બનાવવામાં આવશે. આ ત્રણ ચેકડેમો પૈકી ફેજ-1 માં ચેકડેમ શેત્રુંજી નદી પર 450 મીટર લંબાઈ, બીજો ચેકડેમ ઢાઢ નદી પર 330 મીટર બનાવવામાં આવશે. ફેઝ-02માં એક ચેકડેમ ફાટલબારા નજીક 70 મીટર એમ કુલ મળીને 850 મીટર ચેકડેમ આ યોજનામાં બનાવવાનું આયોજન છે. આ યોજના માટે કુલ રૂ. 4943 લાખ ફાળવવામાં આવ્યાં છે. જે પૈકી ફેઝ-1ના બાંધકામમાં કુલ રૂ.2539 લાખનો ખર્ચ થશે. આ કામ પૂર્ણ થયાં પછી હજારો લોકોને તેનો સીધો તથા આડકતરી રીતે લાભ થશે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 2047 સુધીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ભાવનગર જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધીને સહભાગી બનવા અનુરોધ તેમણે કર્યો હતો. તેમણે ભાવનગર જિલ્લામાં પાણી-સિંચાઇ વિભાગની મંજૂર, પ્રગતિ હેઠળની અને આવનાર સમયમાં થનાર કામોની વિગતવાર માહિતી આપી હતી.

આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ચેકડેમ (બંધારા) તથા શેત્રુંજી નહેરના આધુનિકરણથી ખેડૂતોને લાભ થાય એવું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે. 'સૌનો સાથ સૌનો વિકાસના' ના મંત્રથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં તેજ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય મોડેલ સ્ટેટ તરીકે વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગૌતમભાઇ ચૌહાણ, તળાજા પ્રાંત અધિકારીશ્રી જે. આર. સોલંકી, આગેવાનશ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, આગેવાનશ્રી આર. સી. મકવાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિક્રમભાઈ ડાભી, તળાજાના તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણાભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(Release ID: 2163731)
Visitor Counter : 2