ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

‘શિક્ષક દિન’ પ્રસંગે ભાવનગર જિલ્લા તથા તાલુકા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર તેમજ ચેક એનાયત કરી સન્માનિત કરાયા


બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનાવનાર પાયાનો વ્યક્તિ એટલે શિક્ષક : કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા

Posted On: 05 SEP 2025 8:48PM by PIB Ahmedabad

ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે 'શિક્ષક દિવસ' ઉજવવામાં આવે છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ ગ્રાહકોની બાબતો, ખાધ અને જાહેર વિતરણ કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં સેન્ટ મેરીસ સ્કૂલ, શિવાજી સર્કલ ખાતે યોજાયો હતો.

આ સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર તેમજ ચેક એનાયત કરીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત અલગ અલગ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક શ્રી લાખણકા પ્રાથમિક શાળા તા. વલ્લભીપુર શ્રી અમરજીતસિંહ પરમાર તેમજ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પાલીતાણાની શ્રી લુવારવાવ પ્રા. શાળાના શ્રી જીતેશભાઈ ચૌહાણ, તળાજા તાલુકાના શ્રી મણાર કન્યા શાળા શ્રી ભાવેશ કુમાર સોલંકી, ભાવનગરની શ્રી સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ શાળાના શ્રી ડૉ. જીજ્ઞેશ ભાઈ વેગડને પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણની બધી પ્રવૃત્તિઓમાં શિક્ષકો આગળ વધી રહ્યા છે. તેમણે બધા શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો છે તેમ જણાવીને સૌને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મંત્રીશ્રીએ શિક્ષક તરીકેની પોતાના અનુભવો જણાવ્યા હતા.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનાવનાર પાયાનો વ્યક્તિ એટલે શિક્ષક, શિક્ષણ એ જીવનનું સૌથી મોટું સાધક છે અને શિક્ષક એ તેના સૌથી મોટા વાહક છે. નવી શિક્ષણનીતિ અંગે પણ જણાવ્યું હતું. જેમની શિક્ષણ અને શિષ્યોથી ઓળખ થાય એવા શિક્ષકોને 'શિક્ષક દિવસ' ની શુભેચ્છા પાઠવી હતી. આ તકે મેયરશ્રી ભરતભાઈ બારડ એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ તકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) માર્ચ-2025માં 100% પરિણામ ધરાવતી સરકારી શાળાઓના આચાર્ય તેમજ માર્ચ 2025માં 100% પરિણામ લાવનાર માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિકુંજભાઈ મહેતા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, શાસનાધિકારી શ્રી મુજાલભાઈ બડમલીયા, સેન્ટ મેરીસ સ્કૂલના પ્રિન્સીપાલ ફાધર જોબી જોસેફ સહિત શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો, નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


(Release ID: 2164310) Visitor Counter : 2