માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા દ્વારા સાયરા ગામે યક્ષ મેળામાં મલ્ટિમિડીયા પ્રદર્શનનું ઉદ્ઘાટન

Posted On: 07 SEP 2025 8:00PM by PIB Ahmedabad

કચ્છના પ્રસિદ્ધ યક્ષ મેળા દરમિયાન ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રિય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા સાયરા ગામ ખાતે મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાના વરદહસ્તે આજે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન  07 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ચાલશે.

કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થિનીઓનાં સ્વાગતગીત અને  દીપ પ્રાગટ્યથી થઈ હતી.

અબડાસાનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 11 વર્ષમાં કરવામાં આવેલા કાર્યો દેશના છેવાડાના ગામડે સુધી પહોંચ્યા છે. તેમણે લોકોને પ્રદર્શનની મુલાકાત લઈને સીધી માહિતી મેળવવા આહ્વાન કર્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચવો જોઈએ. સાથે જ મલ્ટિમિડીયા પ્રદર્શનના સુંદર આયોજન બદલ કેન્દ્રિય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, ભુજને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રિય સંચાર બ્યૂરો, ભુજના ક્ષેત્રિય અધિકારી શ્રી કમલેશભાઈ મહેશ્વરીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રદર્શન દ્વારા કેન્દ્ર સરકારના 11 વર્ષ સેવા સુશાસનના અવસર પર સરકારની સિદ્ધિઓ તથા વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

પ્રદર્શનની ખાસિયતો

આ મલ્ટિમિડીયા પ્રદર્શન દ્વારા કેન્દ્ર સરકારની અનેક યોજનાઓની માહિતી દૃશ્યાત્મક અને સરળ રૂપે રજૂ કરવામાં આવી છે. જેથી મેળામાં આવતા લોકો સીધો લાભ લઈ શકે તેમજ "એક પેડ માં કે નામ " વિસ્તરણ વન વિભાગ કચેરી, નખત્રાણાનાં સ્ટોલ પરથી આજ રોજ 750 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આઈસીડીએસ કચેરીના સ્ટોલ પર પોષણ જાગૃકતા અંગેની રંગોળી તેમજ વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું. આઈ સી ડી એસ, પોસ્ટ વિભાગના સ્ટોલ પર પોસ્ટ ની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજના સ્ટોલ 11 વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગે બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમ્યાન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પુનઃઉપયોગી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ પૂર્વપ્રચાર અંતર્ગત તાલુકાની વિવિધ શાળાઓમાં યોજાયેલી નિબંધ, વકતૃત્વ, ચિત્ર તેમજ અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી મોહનભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી ઉત્કર્ષ ઉજ્વલ, મામલતદાર શ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દિક્ષિત ઠક્કર, સાયરા ગામના સરપંચ શ્રી જયંતીભાઈ નાકરાણી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ મલ્ટિમિડીયા પ્રદર્શન 07 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યક્ષ મેળાની મુલાકાતે આવતા લોકો માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે. મેળાની મુલાકાતે આવતા લોકો માટે આ પ્રદર્શન સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતતા વધારવામાં એક અસરકારક માધ્યમ સાબિત થશે.

 


(Release ID: 2164523) Visitor Counter : 2