ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાની પહેલ: દર મહિને દરિયા કાંઠે હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનને જન આંદોલન બનાવવાની પ્રેરણાથી કેન્દ્રીય મંત્રીએ પોતાના જન્મદિનથી સફાઈ અભિયાનનો કર્યો પ્રારંભ
Posted On:
08 SEP 2025 9:51PM by PIB Ahmedabad
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુકત અભિયાનને જન આંદોલન બનાવવા નવી પહેલ કરી છે. હવેથી દરેક મહિનાના છેલ્લા રવિવારે શહેર અને જિલ્લામાં દરિયા કાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા તેમણે સંકલ્પ કર્યો છે જેમાં પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો અને સંસ્થાઓ સાથે કેન્દ્રીય મંત્રી પણ જોડાશે. આજે તેમના જન્મદિવસના અવસરથી આ અભિયાનનો કોળિયાકના દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોસ્ટલ બેઠકમાં ઉપસ્થિત દેશભરના સાંસદોને દરિયાકાંઠો પ્લાસ્ટિક મુકત બનાવી દરિયાઈ જીવ સૃષ્ટિનું રક્ષણ સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવા સૂચન આપ્યું. આ સૂચનને વધાવી લઈ સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રીએ બાંભણીયાએ બીજા જ દિવસથી તેની અમલવારી માટે આયોજન ઘડી કાઢ્યું છે. હવેથી દર મહિનાના છેલ્લા રવિવારે તેઓ દ્વારા લોક સહયોગથી દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન ચલાવાશે તેમજ આ અભિયાનને અસરકારક બનાવવા જરૂરી તમામ પગલા ભરવા તેમણે કટિબદ્ધતા દર્શાવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં સ્વચ્છતા માટે ખૂબ આગ્રહી છે ત્યારે તેમના વિચારને મૂર્તિમંત કરવા નિમુબેન બાંભણિયાએ આજે તેમના પોતાના જન્મદિવસના અવસરથી જ આ અભિયાનને હાથ ધર્યું છે અને ઉજવણી સાર્થક કરી છે, આજે સાંજે કોળિયાક બીચ પર જિલ્લા પંચાયતના સદસ્ય, સરપંચ સહિતના પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો તેમજ ગ્રામજનોએ સાથે મળી સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. આવતા મહિને દર છેલ્લા રવિવારે સવારે 7થી 10 વાગ્યા સુધી આ અભિયાન જુદા જુદા બીચ પર હાથ ધરાશે તેમજ જુદા જુદા બીચ વચ્ચે સ્વચ્છતા સ્પર્ધા પણ યોજવામાં આવશે.
(Release ID: 2164811)
Visitor Counter : 2