પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી મોદીએ કતારના અમીર હિઝ હાઇનેસ શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી


પીએમ મોદીએ દોહામાં થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કતાર રાજ્યના સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરી

પીએમ મોદીએ વાતચીત અને રાજદ્વારી કદમ દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવા અને તણાવ ટાળવાની જરૂર છે તેવો આહ્વાન કર્યો

પીએમએ તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ સામે ભારતના મક્કમ વલણ પર પ્રકાશ પાડ્યો

બંને નેતાઓએ પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં ભારત-કતાર વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

प्रविष्टि तिथि: 10 SEP 2025 8:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કતાર રાજ્યના અમીર હિઝ શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પીએમએ દોહામાં થયેલા હુમલાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને કતાર રાજ્યની સાર્વભૌમત્વના ઉલ્લંઘનની નિંદા કરી હતી. પ્રધાનમંત્રીએ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં કતાર દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી, જેમાં યુદ્ધવિરામ પ્રાપ્ત કરવા અને તમામ બંધકોને મુક્ત કરવા માટે ગાઝામાં મધ્યસ્થી પ્રયાસોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના ઉકેલ માટે સમર્થન અને તણાવ ટાળવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભાર મૂક્યો હતો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના સમર્થનમાં અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ સામે મજબૂત રીતે ઉભું છે.

શેખ તમીમે કતારના લોકો અને રાજ્ય સાથે એકતાની અભિવ્યક્તિ બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ ભારત-કતાર વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરી પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેઓ નજીકના સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2165453) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam