ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
શ્રી સી.પી. રાધાકૃષ્ણને ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે શપથ લીધા
प्रविष्टि तिथि:
12 SEP 2025 1:13PM by PIB Ahmedabad
શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે ભારતના પંદરમા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા શ્રી સી.પી. રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા. શ્રી રાધાકૃષ્ણન અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા.
શપથ ગ્રહણ પછી, શ્રી સી.પી. રાધાકૃષ્ણન મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ ગયા. તેમણે સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને, દીનદયાળ ઉપાધ્યાય માર્ગ ખાતે તેમના સ્મારક પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયને અને કિસાન ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ આપી.
શ્રી સી.પી. રાધાકૃષ્ણન નો સંક્ષિપ્ત પરિચય
1. શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ
4 મે 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં જન્મેલા શ્રી ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આરએસએસ સ્વયંસેવક તરીકે શરૂઆત કરીને, તેઓ 1974માં ભારતીય જનસંઘના રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા. જાહેર જીવનમાં પ્રવેશ કરતા પહેલા તેઓ એક સફળ ગાર્મેન્ટ નિકાસકર્તા રહ્યા હતા.
2. સંસદીય અને જાહેર જીવન
1996માં, શ્રી સી.પી. રાધાકૃષ્ણને તમિલનાડુમાં ભાજપના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 1998માં કોઈમ્બતુરથી પહેલી વાર લોકસભામાં ચૂંટાયા હતા અને 1999માં ફરીથી ચૂંટાયા હતા. સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કાપડ પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) પરની સંસદીય સમિતિ અને નાણાં પરની સલાહકાર સમિતિના સભ્ય પણ હતા. વધુમાં, તેઓ સ્ટોક એક્સચેન્જ કૌભાંડની તપાસ કરતી સંસદીય વિશેષ સમિતિના સભ્ય હતા.
2004માં, શ્રી રાધાકૃષ્ણને સંસદીય પ્રતિનિધિમંડળના ભાગ રૂપે યુએન મહાસભાને સંબોધિત કરી હતી. તેઓ તાઇવાનના પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય પણ હતા.
2004થી 2007 દરમિયાન, શ્રી રાધાકૃષ્ણને તમિલનાડુમાં ભાજપના રાજ્ય અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. આ ભૂમિકામાં, તેમણે 19000 કિલોમીટરની 'રથ યાત્રા' કાઢી હતી જે 93 દિવસ ચાલી હતી. આ યાત્રાનું આયોજન તમામ ભારતીય નદીઓને જોડવા, આતંકવાદને નાબૂદ કરવા, સમાન નાગરિક સંહિતા લાગુ કરવા, અસ્પૃશ્યતા દૂર કરવા અને માદક દ્રવ્યોના જોખમનો સામનો કરવા માટેની તેમની માંગણીઓને ઉજાગર કરવા માટે કરવામાં આવ્યું હતું. તેમણે વિવિધ કારણોસર બે વધારાની પદયાત્રાઓનું પણ નેતૃત્વ કર્યું હતું.
2016માં, શ્રી રાધાકૃષ્ણનને કોચીના કોઇર બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ પદ તેમણે ચાર વર્ષ સુધી સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ, ભારતમાંથી કોઇરની નિકાસ 2532 કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. 2020થી 2022 સુધી, તેઓ કેરળ માટે ભાજપના ઓલ ઇન્ડિયા ઇન્ચાર્જ હતા.
18 ફેબ્રુઆરી 2023ના રોજ, શ્રી રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમના કાર્યકાળના પહેલા ચાર મહિનામાં, તેમણે રાજ્યના તમામ 24 જિલ્લાઓનો પ્રવાસ કર્યો, નાગરિકો અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમણે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો.
મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, શ્રી રાધાકૃષ્ણન રાજ્યભરમાં વ્યાપકપણે પ્રવાસ કરી રહ્યા છે, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વેપારી નેતાઓ અને સમાજના વિવિધ વર્ગો સાથે વાતચીત કરી રહ્યા છે.
3. વ્યક્તિગત વિગતો
નામ: શ્રી ચંદ્રપુરમ પોન્નુસામી (સી.પી.) રાધાકૃષ્ણન
પિતાનું નામ: શ્રી પોન્નુસામી
માતાનું નામ: શ્રીમતી સી.પી. જાનકી
જન્મ તારીખ: 4 મે 1957
જન્મ સ્થળ: તિરુપુર, તમિલનાડુ
વૈવાહિક સ્થિતિ: 25 નવેમ્બર 1985
જીવનસાથીનું નામ: શ્રીમતી સુમતિ આર.
સંતાન: એક પુત્ર અને એક પુત્રી
શ્રી રાધાકૃષ્ણને ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને તેની પહોંચ વધારવામાં ખૂબ રસ દાખવ્યો છે. તેમણે આદિવાસી કલ્યાણના ક્ષેત્રમાં અનેક પગલાં ભર્યા, ઉચ્ચ શિક્ષણમાં તેમની ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મહારાષ્ટ્રની 29 રાજ્ય-ભંડોળ પ્રાપ્ત યુનિવર્સિટીઓના વાઇસ-ચાન્સેલર્સ સાથે 'સ્કૂલ કનેક્ટ' કાર્યક્રમની પ્રગતિનું નજીકથી નિરીક્ષણ કર્યું, આદિવાસી છોકરીઓ અને છોકરાઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા.
ઉત્સાહી રમતવીર, શ્રી રાધાકૃષ્ણન ટેબલ ટેનિસમાં કોલેજ ચેમ્પિયન અને લાંબા અંતરના દોડવીર હતા. તેમને ક્રિકેટ અને વોલીબોલનો પણ શોખ હતો.
શ્રી રાધાકૃષ્ણને વ્યાપક પ્રવાસ કરીને યુએસએ, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ, નોર્વે, ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ, બેલ્જિયમ, હોલેન્ડ, તુર્કી, ચીન, મલેશિયા, સિંગાપોર, તાઇવાન, થાઇલેન્ડ, ઇજિપ્ત, યુએઈ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને જાપાનની મુલાકાત લીધી છે.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2165985)
आगंतुक पटल : 732